લોકડાઉનમાં પણ કુખ્યાત બૂટલેગરો લાલુ સિંધી અને વિજુ સિંધી રાજસ્થાનના શરાબ માફિયા સુનિલ દરજીની મદદથી હરિયાણાથી દારૂનો જથ્થો મગાવ્યા બાદ સીરોહીમાં 6 સ્થળે દારૂનો જથ્થો ઉતરાવી કટીંગ કરતા હોવાનો રાજસ્થાન પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. લાલુ સિંધી વડોદરા અને મધ્ય ગુજરાતમાં નેટવર્ક ચલાવી માલ પહોંચાડતો હતો. રાજસ્થાનમાં લોકડાઉન હોવા છતાં વિનોદ ઉર્ફે વિજુ સિંધી સુનિલ દરજી સાથે રહી હરિયાણાથી દારૂ મગાવી સીરોહીમાં જમા કરતો હતો અને ગુજરાતમાં ઠાલવતો હતો. આ પ્રકરણમાં સીરોહીના એસપી હિંમત ટાંકની ભૂમિકા બહાર આવી છે. આબુ રોડ ખાતે વિજુ સિંધી, સુનિલ દરજી અને દેવેન્દ્ર ઉર્ફે બસ્સીની 3 લકઝુરીયાસ કારમાં લાખોનો દારુ મળ્યો હતો.
રાજસ્થાન પોલીસ સૂત્રોએ જણાવ્યું કે રોહિડા ક્ષેત્રમાં આબકારી વિભાગે 2 કરોડનો દારૂ પકડ્યો હતો અને ત્યારબાદ બીજા દિવસે જ પોલીસે 2 કરોડના શરાબનું કન્ટેનર પકડ્યું હતું. પોલીસે પકડાયેલા 12 શખ્સોની પુછપરછ કરી તો બહાર આવ્યું હતું કે આ શરાબ કુખ્યાત બૂટલેગર લાલુ સિંધીનો છે, જેમાં હરિયાણાથી ગુજરાત સુધી દારૂનો સપ્લાય થાય તે માટેનું નેટવર્ક કુખ્યાત વિજુ સિંધી અને ઉદેપુરના માવલીના માફીયા સુનિલ દરજી ચલાવી રહ્યા હતા. વિજુ સિંધી અને સુનિલ દરજી પર આબુ રોડ પોલીસમાં તાજેતરમાં શરાબ તસ્કરનો કેસ નોંધાયો હતો છતાં પોલીસે બંનેને પકડ્યા ન હતા. કરોડોનો દારૂ પકડાતાં 4 સ્થાનિક પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા હતા.
હરિયાણાથી ગુજરાત સુધીના નેટવર્કની તપાસ શરૂ
હરિયાણાથી ગુજરાત સુધી દારૂ મોકલવાના નેટવર્કની તપાસ શરૂ કરાઇ છે અને તેમાં કયા બૂટલેગરો સામેલ છે તેની તપાસ કરાઇ રહી છે. સીરોહીમાં દારૂનો જથ્થો ડંપિંગ કરાયા બાદ કટિંગ કરીને અલગ અલગ વાહનોમાં અલગ અલગ સ્થળે મોકલાઇ રહ્યો હતો જેમાં સીરોહી પોલીસ અને એસપીની શું ભૂમિકા છે તેની તપાસ એસઓજી પોલીસ કરી રહી છે.
લાલુ સિંધીનો તાલુકા પોલીસના ગુનામાં કબજો લેવાયો
એલસીબીએ પકડેલા બૂટલેગર લાલુ સિંધીને વાઘોડિયા પોલીસના પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરી 2 દિવસના રિમાન્ડ મેળવાયા હતા. રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ મગાતાં નામંજૂર કરી જેલમાં મોકલતાં તેણે જામીન અરજી કરી હતી. જે નામંજૂર કરાઇ હતી.લાલુ સિંધીનો તાલુકા પોલીસના પ્રોહિબિશનના ગુનામાં કબજો લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.