• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Despite Investigations By 5 Agencies And 35 Teams, The Miscreants Are Out Of Police Custody After 11 Days, No Crime Has Been Reported Yet.

વડોદરા ગેંગરેપ-આપઘાત કેસ:5 એજન્સી અને 35 ટીમોની તપાસ છતાં 11 દિવસ પછી દુષ્કર્મીઓ પોલીસ પકડથી દૂર, હજી સુધી દુષ્કર્મનો ગુનો નોંધાયો નથી!

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડ ખાતે બનેલા દુષ્કર્મ કેસમાં સોમવારના રોજ પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. - Divya Bhaskar
વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડ ખાતે બનેલા દુષ્કર્મ કેસમાં સોમવારના રોજ પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
  • વેક્સિન ઇન્સ્ટિટ્યૂટના ગ્રાઉન્ડમાં દિવસે અને રાત્રે પોલીસના ધાડાઓ સતત આવતાં રહે છે અને તપાસ ચાલી રહી હોવાનું માત્ર રટણ કરે છે
  • પોલીસનું હ્યુમન ઇન્ટેલિજન્સ નેટવર્ક ખાડે જવાના કારણે દુષ્કર્મીઓ બિન્ધાસ્ત રીતે સમાજની વચ્ચે ફરી રહ્યા છે

વલસાડમાં ગુજરાત ક્વીન એક્સપ્રેસના D-12 નંબરના કોચમાં ગળેફાંસો ખાઇ મૂળ નવસારીની અને વડોદરામાં રહેતી 18 વર્ષીય છાત્રાએ 4 નવેમ્બરના રોજ આપઘાત કર્યાના 11 દિવસ પછી પણ બંને નરાધમોને રેલવે પોલીસ ઉપરાંત અમદાવાદ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ શોધી શકી નથી. પોલીસ રોજ નવા દાવા કરે છે અને તપાસ ચાલુ છે તેવું રટણ કર્યા કરે છે, પણ પોલીસને નરાધમો વિશે કોઇ માહિતી મળી નથી તે ચોક્કસ પુરવાર થયું છે. બનાવના 11 દિવસ પછી પણ પોલીસ સામૂહિક દુષ્કર્મનો ગુનો સુધ્ધાં નોંધી શકી નથી.

પોલીસની 5 એજન્સીઓ અને 35 ટીમો તપાસમાં લાગેલી છે પણ 11 દિવસ સુધી પોલીસ હજુ અંધારામાં જ ફાંફાં મારી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. રોજે રોજ પોલીસ માત્ર વેક્સિન મેદાનની મુલાકાત લે છે અને અન્ય ટીમો માત્ર સીસીટીવી ફૂટેજ જ ચકાસીને સંતોષ માની રહી છે. પોલીસનું હ્યૂમન ઇન્ટેલિજન્સ નેટવર્ક ખાડે ગયું હોય તેમ લાગી રહ્યું છે, જેથી બંને બળાત્કારી સમાજમાં ખુલ્લા ફરી રહ્યા છે અને કાયદાની કોઇને બીક રહી નથી. ઉલ્લેખનિય છે કે, પોલીસની તપાસમાં યુવતીની ડાયરી મળી હતી. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. ડાયરીમાં ગેંગરેપની વિગતો મળતાં ખળભળાટ મચી ગયો હતો.

પીએમમાં યુવતીના શરીર પર ઇજાનાં 3 નિશાનો જણાયાં હતાં, જેમાં હાથ પર, જાંઘ અને ત્રીજી ઇજા કમરના નીચેના ભાગે હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, તેની પાસેથી મળેલી ડાયરીમાં દુષ્કર્મનો ઉલ્લેખ હોવાથી સેમ્પલો એફએસએલને મોકલવામાં આવ્યાં છે, જેના આધારે યુવતી પર દુષ્કર્મ થયું છે કે નહીં તે સ્પષ્ટ થશે. તા.17 સુધીમાં રિપોર્ટ આવી જવાની ધારણા છે.

મહત્ત્વની બાબત એ છે કે, ડાયરીમાં વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં દુષ્કર્મનો ઉલ્લેખ હોવા છતાં અને તે કારણથી જ પોતે આત્મહત્યા કરે છે તેવું સ્પષ્ટ થતું હોવા છતાં વડોદરા શહેર પોલીસ હજી સુધી દુષ્કર્મનો ગુનો કેમ નોંધતી નથી તે અંગે અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. દરમિયાન બનાવના દિવસે બસ ડ્રાઇવરને યુવતી જોવા મળ્યા બાદ તેની મદદે પહોંચેલા 2 પશુપાલકોને પોલીસે શોધી કાઢ્યા છે. તેમજ બંનેની પૂછતાછ હાથ ધરી છે. પોલીસ કેસનો કોયડો ઉકેલવા ભારે મથામણ કરી રહી છે.

બહુ જલ્દી જ આરોપીઓને પકડીશુ : રેલવે રેન્જ આઇજી
રેલવે રેન્જ આઇજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમે અત્યાર સુધીમાં 200 જેટલા લોકોની પૂછપરછ કરી છે અને ભૂતકાળના સેક્સ ઓફેન્ડરોની પણ તપાસ કરી રહ્યા છીએ. આ કેસ કોઈપણ સંજોગોમાં ટ્રેક કરવામાં આવશે. ગુજરાત પોલીસની અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, વડોદરા ક્રાઇમ બ્રાંચ, રેલવે પોલીસનો સમગ્ર સ્ટાફ અને ફોરેન્સિક સ્ટાફની પણ કામગીરીમાં જોડાઇ છે. નજીકના ભવિષ્યમાં આરોપીને પકડી પાડવાનો અમને વિશ્વાસ છે. વડોદરા શહેર પોલીસ કમિશનર જાતે આ કેસ પર નજર રાખી રહ્યા છે. તેઓ આખી રાત ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં હાજર હતા.આરોપીઓને બચાવવાના પ્રયાસ થઇ રહ્યા હોવાની વાતને રેલવે રેન્જ આઇજી સુભાષ ત્રિવેદીએ ફગાવી દીધી હતી.

ગેંગરેપની ઘટના બની છે તે વેક્સિન ગ્રાઉન્ડની હાલત ખરાબ, રાત પડતાં જ અસામાજિક તત્ત્વો અડ્ડો જમાવે છે
વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી પર ગેંગરેપની ઘટના બાદ પોલીસ વેક્સિન ગ્રાઉન્ડમાં જઇને રોજ તપાસ કરે છે, પણ આ મેદાનની વર્ષોથી ખરાબ હાલત છે દીવાલો તૂટેલી છેતથા રોજ રાત પડે ત્યાં અસામાજિક તત્ત્વોનો અડ્ડો જામેલો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાય છે વેક્સિન ગ્રાઉન્ડની દીવાલો ઠેર ઠેર તૂટેલી હોવાથી ગ્રાઉન્ડમાં સરળતાથી પ્રવેશ કરી શકાય છે અને આ મામલે આરોગ્ય સચિવ સુધી રજૂઆતો કરાઇ હતી છતાં તૂટેલી દીવાલો હજુ સુધી બનાવવામાં આવી નથી.દારૂ, જુગાર, ચરસ જેવી પ્રવૃત્તિઓ આ ગ્રાઉન્ડમાં મોડી રાત્રે થવા લાગે છે. કોર્ટની બાજુમાં જ આ ગ્રાઉન્ડ આવેલું હોવાથી ઘણા લોકોએ અસામાજિક તત્ત્વો અંગે વકીલોને રજૂઆત કરી હોવાથી વકીલોએ 2 વર્ષ પહેલાં વેક્સિન ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર, તત્કાલીન વડોદરા કલેક્ટરને પત્ર લખીને આ બાબતે જાણ કરી જર્જરિત દીવાલો ઊતારી લેવા તથા નવી દીવાલ ચણવા માગ કરી હતી. જોકે હજુ સુધી કોઇ પગલાં લેવામાં આવ્યાં નથી.

અન્ય સમાચારો પણ છે...