વડોદરા ગેંગરેપ-આપઘાત કેસ:આપઘાતની દુષ્પ્રેરણા અને ગેંગરેપનો ગુનો નોંધાયો છતાં અનેક સવાલો હજી અનુત્તર

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વિદ્યાર્થિનીએ ગેંગરેપ થયા બાદ વલસાડ ગુજરાત ક્વીનમાં આત્મહત્યા કરી હતી
  • 3 સાક્ષી તથા પીડિતાની ડાયરીની તપાસ બાદ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો

નવસારીની વિદ્યાર્થિની પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યુટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડમાં ગુજરાત ક્વીનમાં કરેલા આપઘાતની ઘટનાના 14 દિવસ બાદ રેલવે પોલીસમાં બે નરાધમો સામે પીડિતાને આત્મહત્યાની દુષ્પ્રેરણા અને સામૂહિક દુષ્કર્મનો ગુનો નોંધવાની પ્રક્રિયા બુધવારે મોડી રાત સુધી ચાલુ કરી હતી. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં પીડિતાના આંતરિક ભાગોમાં ઇજાના નિશાન હોવાનું જણાવાયું હતું. તેમ છતાં પોલીસ દુષ્કર્મનો ગુનો નોંધ્યા વિના જ તપાસ કરી રહી હતી.

રેલવે આઇજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ઘટનાની તપાસ બાદ બે આરોપી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને કથિત દુષ્કર્મનો ગુનો વલસાડ રેલવે પોલીસમાં નોંધાઇ રહ્યો છે. જો કે 14 દિવસ બાદ હજી અનેક સવાલો અનુત્તર રહ્યા છે.રેલવે આઇજીએ જણાવ્યું હતું કે, 29 ઓક્ટોબરે સાંજે વડોદરામાં જગદીશની ગલીમાંથી નીકળતી વખતે પાછળથી ધક્કો મારીને બે શખ્સ તેને વેક્સિન ગ્રાઉન્ડમાં લઇ ગયા હતા. જ્યાં બંને આરોપીને જોનાર સાક્ષીઓ મળી આવ્યા છે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, 31 ઓક્ટોબર પછી તે નવસારી અને 3 નવમ્બરે સુરત અને ત્યાંથી વલસાડ ગઇ હતી. ત્યાંના સાક્ષીઓ પણ મળ્યા છે.

પીડિતાને ન્યાય મળે અને આરોપીઓને પકડી પાડવા માટે સતત પ્રયત્નશિલ છીએ અને બહુ થોડા સમયમાં સમગ્ર કેસનો પર્દાફાશ તંત્ર સાથે મળીને કરાશે. ઘટના બાદના ત્રણ સાક્ષીઓ છે, તેમના નિવેદનોમાં પણ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે ડાયરીની તારીખ, બનાવની તારીખો અલગ હતી પણ ઇલેકટ્રોનીક સર્વેલન્સ, સાક્ષીઓ, સંજોગોનું નિરીક્ષણથી સ્પષ્ટ ફલીત થયું હતું કે પીડિતાને ખેંચીને અવાવરું જગ્યા પર લઇ જઇને દુષ્કર્મ કરાયું હતું.

31મી તારીખે તે નવસારી ગઇ હતી અને 3 તારીખે સુરત ગઇ અને રાત્રે કોચમાં તે એકલી બેસી રહી હતી તેના સાક્ષી પણ પોલીસને મળ્યા છે. રિક્ષા ચાલકો, સીસી ટીવીના ફુટેજ, મોબાઇલ ડેટાનું એનાલીસીસ અને હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા તપાસ કરાઇ રહી છે. બીજી તરફ ગેંગરેપની ઘટનામાં પરિચિતોની ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસે મેદાનની આસપાસ સાઇકલની દુકાન ધરાવતા વેપારીઓ સહિતના લોકોની પૂછપરછ કરી હતી. પોલીસની ટીમે ઓએસિસની અન્ય સ્થળે આવેલી ઓફિસમાં પહોંચી પૂછપરછ કરી દસ્તાવેજો કબજે કર્યાં હતા.

આશા છે કે, અમને જરૂર ન્યાય મળશે : પરિવાર
પોલીસે વધુ માહિતી મેળવવા માટે પીડિતાના પરિવારને વડોદરા રેલવે પોલીસ ભવન ખાતે બોલાવ્યો હતો અને અંદાજે દોઢ કલાક સુધી ફરીથી પુછપરછ કરી હતી. પીડિતાના પરિવારે મિડીયા સમક્ષ કંઇ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો અને માત્ર એટલું જ જણાવ્યું હતું કે અમને પોલીસ જે રીતે તપાસ કરી રહી છે તેનાથી સંતોષ છે અને તેમને આશા છે કે તેમને ન્યાય મળશે. બીજી તરફ ઓએસિસ સંસ્થાના કાર્યકરો આ મુદ્દે મૌન રહે છે.

અન્ય સમાચારો પણ છે...