3 વર્ષ અગાઉ વડોદરામાં હવાનું પ્રદૂષણ ચિંતાજનક થતાં કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગે નોન એટેન્ટમેન્ટ સિટીનો દરજ્જો આપ્યો હતો. હવે વડોદરાનો નેશનલ ક્લીન એર એક્શન પ્લાન મંજૂર કરાયો છે. જોકે તે અંતર્ગત હવાની ગુણવત્તાના માપન માટે 24 કલાક એર પોલ્યૂશન માપતું મશીન મૂકાયું નથી.
હવાની ગુણવત્તા સુધરે તે માટે પાલિકા અન્ય એજન્સીઓને સાથે રાખી કામગીરી કરે તે માટે 52 કરોડની ગ્રાન્ટ તરીકે ફાળવાઈ છે. પણ આ એક્શન પ્લાન અંતર્ગત પ્રદૂષણના સ્રોત શોધવાનો અભ્યાસ શરૂ કરવાના ઠેકાણાં નથી. એક્શન પ્લાન મુજબ પાલિકાએ 24 કલાક હવાની ગુણવત્તા માપતાં મશીનો મૂકી કન્ટીન્યૂઅસ એર મોનિટરિંગ સ્ટેશન સ્થાપવાનું હતું.
તે દિશામાં સાર્થક કામ થયું નથી. જીપીસીબીના પ્રાદેશિક અધિકારી આર.બી.ત્રિવેદીએ જણાવ્યું કે, ‘24 કલાક હવાની ગુણવત્તા માપન માટે પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યું હતું, પણ એજન્સી મળી નથી.’ વડોદરાના પ્રદૂષણનો ડિટેઇલ સરવે કરવા દિલ્હીની TERIને કામ સોંપાયું છે, જે માટે 78 લાખ બજેટ ફાળવ્યું છે. એર મોનિટરિંગ સ્ટેટસની માહિતી માટે પાલિકાના સોલિડ વેસ્ટના અધિકારીનો સંપર્ક કરવા પ્રયાસ કરવા છતાં થયો નહોતો.
રિવ્યૂ મિટિંગની કરવાની પણ તસ્દી નહીં
હવાની ગુણવત્તા સુધારવા પાલિકાએ કેટલાક મુદ્દા પર કામ કરવાનું છે. જેમાં ઉદ્યોગોના પ્રદૂષણને ઘટાડવા સૂચનો કરવાં અને કામગીરી કરાવવી, ડીઝલ-સીએનજી બસોની સંખ્યાની સમીક્ષા, સિગ્નલ પર સમય બતાવતા ઇન્ડિકેટર્સ મૂકવા, પ્રદૂષણના હોટ સ્પોટ્સની ઓળખ સહિતની કામગીરીની સમીક્ષા કરવા બેઠક યોજી અહેવાલ મોકલવાનો હોય છે. રિવ્યૂ બેઠક લાંબા સમયથી યોજવાની તસ્દી લેવાઈ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.