વાઘોડિયા રોડ પરની સુલેમાની ચાલીથી વૃંદાવન ચાર રસ્તા, સરદાર એસ્ટેટ અને ત્યાંથી પરત સુલેમાની ચાલ સુધીનો સાયકલ ટ્રેક બનાવવાનું કામ 8 મહિના બાદ પણ અધૂરું છે. જેમાં રૂ. 1.79 કરોડનો ખર્ચ થશે. 4 િકમીના આ ટ્રેક પર પાણીગેટ ફાયરબ્રિગેડના એન્ટ્રી વે વોલ, પ્રભાત ચાર રસ્તા પાસે પંપસેટ અને બીએસએનએલની લોખંડની પેટી, વૃંદાવન ચાર રસ્તા પાસે બાંકડા-એડવર્ટાઇઝિંગ પોલ, સરદાર એસ્ટેટ રોડ પર ટ્રેક પર વાહનો પાર્કિંગ થઇ પડેલા છે., ઓટલા સહિત કુલ 30થી વધુ જગ્યાએ દબાણો છે. આ સ્થિતિમાં સાઇકલ રાઇડિંગ વિધ્ન દોડ જેવી બની રહેશે.
વર્ષ 2021 ના સપ્ટેમ્બર મહિનામાં શહેરના પૂર્વ વિસ્તારમાં સાઇકલ ટ્રેક બનાવવાનું કામ કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હતું નાગરિકોની સુખાકારી માટે પાણીગેટ ત્રણ રસ્તા સુલેમાની ચાલતી આ ટ્રેક વૃંદાવન ચાર રસ્તા સરદાર એસ્ટેટ ચાર રસ્તા ત્યાંથી મહાવીર હોલ ચાર રસ્તા થઈ પરત પાણીગેટ ટાંકી સુધી ટ્રેક બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું આ કામગીરી 250 દિવસમાં પૂર્ણ કરવાની હતી જોકે તંત્રના અણધડ આયોજનના કારણે માત્ર ટ્રેક જ બન્યો છે.
તેના પર હજી ટ્રેકના પટ્ટા પાડવામાં આવ્યા નથી તેટલું જ નહીં અનેક જગ્યાએ હજી વીજ થાંભલા અને આખા દબાણો હટાવવાના બાકી છે અધિકારીઓએ નામ ન લેવાની શરતે જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં દબાણો અવરોધ રૂપ બને છે. તેમાં પણ પાણી પુરવઠા વિભાગની ગાયકવાડી શાસન સમયની એક કેબિન, વૃક્ષો,વીજ થાંભલા સહિતના અવરોધો છે. આવી ઉદાસીનતાને પગલે ટ્રેકની કામગીરી તેના પૂર્ણ થવાની સમય મર્યાદા બાદ પણ અધૂરી છે. સ્થાનિકો પણ આ પ્રોજેકટ ક્યારે સાર્થક બનશે તેની રાહ જોઇ રહ્યાં છે.
પાલિકા કહે છે કે 95% કામ પુરું થયું, પટ્ટા પાડવાનું જ બાકી, પણ આ છે વાસ્તવિકતા
વોર્ડ નં.15ની કચેરી પાસે એક વીજળીનો થાંભલો સાઇકલ ટ્રેક પર ઊભો છે. જ્યારે તેની પાછળ પાણી પુરવઠાના વાલ્વની ઓરડી છે. સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે તો મસમોટો મોબાઇલ ટાવર આ ટ્રેક પર છે. બાપોદ તળાવ પાસે ઝૂપડાના દબાણ જોવા મળે છે.
આગામી 15 દિવસમાં ટ્રેક તૈયાર થઈ જશે
પૂર્વ વિસ્તારના લોકો માટે સાયકલ ટ્રેક બનાવવા માટે પાલિકા કામગીરી કરી રહ્યું છે. આ પ્રોજેક્ટનું 95 ટકા કામ પૂર્ણ થયું છે. આગામી 15 દિવસમાં ટ્રેક તૈયાર થઈ જશે. માત્ર પટ્ટા પાડવાનું 5 ટકા કામ બાકી છે. ટ્રેક થોડા દિવસોમાં જ પૂર્વ વિસ્તારના લોકો લાભ લઇ શકશે.> ડો. હિતેન્દ્ર પટેલ, ચેરમેન, સ્થાયી સમિતિ
સમામાં ટ્રેક માટે ~6 કરોડની ફાળવણી અને ગાંધી જયંતીએ લોકાર્પણ હતું, અત્યારે સાઈકલ ટ્રેકનો સૂચિત રસ્તો ગાયબ, ઝૂંપડાના દબાણો
પાલિકા આગામી સમયમાં વડોદરાના 4 ઝોનમાં ચાર સાઇકલ ટ્રેક બનાવવાનું આયોજન કરી રહી છે. બીજી તરફ સમા-કેનાલ ટ્રેક માટે અઢી વર્ષ અગાઉ રૂ.6 કરોડની ફાળવણી કરી હતી. આ ટ્રેક ઇન્ટરનેશનલ કક્ષાનો બનાવવાના દાવાઓ કરાયાં હતા અને બે હજાર લોકો એક સાથે 2.5 કિમીના બે ટ્રેક પર સાઇક્લિંગ કરી શકશે તેવા સપના લોકોને બતાવવામાં આવ્યાં હતા. ઓગસ્ટ-2020માં પાલિકાએ જાહેરાત કરી હતી કે, ગાંધી જયંતીના દિવસે સાઇકલ ટ્રેકનું ઉદઘાટન કરાશે. પણ અહીં ઝુંપડાંના દબાણો જોવા મળે છે. અને આજ દિન સુધી તેમાં તસુભારની કામગીરી થઇ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.