હિમાચલના કુલુ-મનાલીમાં 17,346 ફૂટ ઊંચું બર્ફીલું શિખર માઉન્ટ ફ્રેન્ડશિપ છે. જ્યાં સતત 18 કલાકની બરફ વર્ષા અને 2થી3 ફૂટ બરફમાં પગ ખૂંપી જતા હતા છતાં ગુજરાતના યુવાનોની ટીમે આરોહણ કરી તિરંગો લહેરાવ્યો છે. જેમાં વડોદરાની ભક્તિ ખક્કર પણ સામેલ હતી.
અમદાવાદથી 21 મેએ આ ગ્રૂપ રવાના થયું હતું. 5 દિવસની ચઢાઈ બાદ 26 મેએ સવારે 9:45 વાગ્યે ટીમના 4 સભ્યો 17,346 ફૂટની ઊંચાઈ પર તિરંગો લહેરાવ્યો હતો. 12 લોકોના આ દળનું નેતૃત્વ ઇન્વિન્સિબલ સંસ્થાના ઇન્સ્ટ્રક્ટર જીલ ભંડેરીએ કર્યું હતું. ટીમમાં 2 મહિલા પર્વતારોહીઓ પણ સામેલ હતી. જેમાંથી વડોદરાથી ભક્તિ ખક્કરે આ શિખર સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. આ પર્વતારોહણ કુલ 7 દિવસનું હતું જેમાં ઇન્વિન્સિબલ એનજીઓની ટીમ પહેલા દિવસે મનાલી (6 હજાર ફૂટ) પહોંચી હતી. તૈયારીઓ બાદ બીજા દિવસે ટીમ ભાકરથાત્ચ બેઝ કેમ્પ સુધી પહોંચી હતી.
પહેલા બે દિવસ વરસાદી માહોલ હતો. ત્રીજા દિવસે કેમ્પ લેડી લેગ કેમ્પસાઇટ (12800 ફૂટ) પર પહોંચ્યો હતો. હવામાન બિનઆધારભૂત બનતાં બરફવર્ષા 18 કલાક સુધી ચાલી હતી. પરંતુ ટીમે જોખમ લેવાનું નક્કી કર્યું અને તે સફળ થયું. ટીમ 2-3 ફૂટ બરફની વચ્ચે ચઢી હતી જે મુશ્કેલ અને થકવી નાખનારી હતી. છેવટે છઠ્ઠા દિવસે રાત્રે 11 વાગે નીકળી 26 મેની સવારે 9:45 વાગ્યે માઉન્ટ ફ્રેન્ડશિપ શિખર (17,346 ફૂટ) પર રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.