તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો બેકાબૂ:ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો 31 નવા કેસ, તાવના 681 દર્દી, રોગચાળો બેકાબૂ બનતાં તંત્ર બેબાકળું બન્યું, ટીમોની 27,135 ઘરમાં તપાસ

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચિકનગુનિયાના 20 અને ટાઇફોઇડના 5 કેસ નોંધાયા, ઝાડા ઊલ્ટીના 141 દર્દી મળ્યાં

શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માથુ ઉચકતા તંત્ર દોડતું થયું છે. શહેરમાં એક દિવસમાં ડેન્ગ્યૂના 31 અને ચિકનગુનિયાના 20 કેસ સાથે 681 જેટલા લોકોને તાવ આવતો હોવાની ફરિયાદ મળતા તેઓને લોહીના નમૂના લેવામાં આવ્યા છે. બીજી તરફ ઝાડા ઉલટીના 141 દર્દીઓ નોંધાતા પાલિકા તંત્ર બેબાકળુ બન્યુ છે.

શહેરને કોરોના બાદ હવે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ ભરડામાં લીધું છે. શહેરના અનેક વિસ્તારોમાં દૂષિત પાણી આવતું હોવાના કારણે ઝાડા ઉલ્ટીના કેસો વધી રહ્યા છે. તદુપરાંત આખા શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયાનો વાવર ફેલાયો છે. વડોદરા મહાનગર પાલિકાની ટીમોએ હવે ઘરે ઘરે ફરી સર્વે શરૂ કર્યો છે. પાલિકાની ટીમે શહેરમાંથી બુધવારે 92 નમુનાઓ લીધા હતા. જેમાંથી 31 નમૂના ડેન્ગ્યુ પોઝિટિવ આવતા ડેન્ગ્યુનો કુલ આંક 591 પર પહોંચ્યો છે.

બીજી તરફ ચિકનગુનિયાના 74માંથી 20 કેસ ડેન્ગ્યુ પોઝિટિવ આવતા ચિકનગુનિયાનો કુલ આંક 337 થયો છે. પાલિકાની 172 ટીમોએ 27,135 મકાનોમાં સર્વે કરતા તેમાંથી 461 તાવના દર્દીઓ જણાતા તેમના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. બીજી તરફ કારેલીબાગ-2, નવી ધરતી, બાપોદ અને તાંદલજામાં ટાઇફોઇડના 5 કેસ પોઝિટિવ જોવા મળ્યા હતા.

મચ્છરજન્ય રોગોની સાથે શહેરમાં પાણીજન્ય રોગોએ પણ પગપેસરો કરતા પાલિકાની ટીમ દોડતી થઇ છે. પાલિકાની ટીમોએ 21,979 મકાનોમાં સર્વે કરી તપાસ કરતાં ત્યાંથી 78 જેટલા લોકોને ઝાડા-ઉલટી અને પાણીજન્ય રોગોના કારણે 220 જેટલા લોકોને તાવ આવતો હોવાનું નિદાન થયું હતું જેમાં 353 લોકોના લોહીના નમૂના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.

શહેરના 25 વિસ્તારમાં ડેન્ગ્યૂના કેસ

  • ડેન્ગ્યૂ : યમુના મિલ, મકરપુરા, માંજલપુર, તરસાલી, નવીધરતી, શિયાબાગ, સમા, છાણી, દંતેશ્વર, વારસીયા, સુદામાપુરી, બાપોદ, રામદેવનગર, ફતેપુરા, દિવાળીપુરા, અકોટા-3, પંચવટી-4, તાંદલજા, કિશનવાડી, માણેજા, વડસર, ટલાદરા, ગોકુલનગર, ગોત્રી-2, સુભાનપુરા.
  • ચિકનગુનિયા : વારસિયા, રામદેવનગર, છાણી, ફતેપુરા, નવીધરતી, તરસાલી, માણેજા, મકરપુરા, માંજલપુર, ગાજરાવાડી, અકોટા, જેતલપુર, અટલાદરા, હરણી, શિયાબાગ, વડસર, ગોકુલનગર, ગોત્રી, પંચવટી, તાંદલજા.
  • કમળો : બાપોદ.
  • ટાઇફોઇડ : કારેલીબાગ-2, નવીધરતી, બાપોદ, તાંદલજા.

મચ્છરોના ઉત્પત્તિસ્થાન શોધવા 30 સાઈટ, સ્કૂલમાં તપાસ, 2ને નોટિસ
વડોદરા મહાનગર પાલિકાની 172 ટીમે બુધવારે અલગ અલગ વિસ્તારના 27,135 મકાનોમાં તપાસ કરી 10,348 મકાનોમાં ફોગીંગ કર્યું હતું. જેમાં મચ્છરોના ઉપદ્રવને પગલે 24 કન્સ્ટ્રક્શન સાઇટ પર ચકાસણી કરી 1 સાઈટને નોટિસ આપી હતી. 6 હોસ્ટેલ અને શાળાઓમાં ચકાસણી કરી 1ને નોટિસ પાઠવી હતી.

કોરોનાના વધુ 4 કેસ, 5ને ડિસ્ચાર્જ
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સંક્રમિત 4 કેસ નોંધાયા છે. બુધવારે 1,432 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. બુધવારે સારવાર લઈ રહેલા 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 4 કેસ નોંધાયા છે. 4 કેસ વધતા કુલ પોઝિટીવ કેસનો આંક 71,979 પર પહોંચ્યો છે. હાલ વડોદરા શહેરના વિવિધ હોસ્પિટલમાં 15 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...