મોહમ્મદ પયગમ્બર સામે વિવાદી ટીપ્પણી કરનાર ભાજપનાં પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા વિરુદ્ધ બીજા દિવસે નવાપુરા-મહેબૂબપુરા ખાતે મુસ્લિમ સમાજની મહિલા-પુરુષોએ વિરોધ પ્રદર્શન કરી કડક કાર્યવાહીની માગ સાથે નવાપુરા પોલીસના અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. શુક્રવારે 4 સ્થળે મુસ્લિમ સમાજના વિરોધને જોઈને પોલીસે શનિવારે રાઉન્ડ ધ ક્લોક મુસ્લિમ વિસ્તારો, અશાંત વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું. બીજી તરફ ગોરવામાં નુપૂર શર્માના સમર્થનમાં યુવકોએ નારા લગાવ્યા હતા.
મુસ્લિમ સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે, મહોમ્મદ પયગમ્બર સામે વિવાદાસ્પદ ટીપ્પણી કરાતાં અમારી ધાર્મિંક લાગણી દુભાઈ છે. અમે નબીને યાદ કરી 2 મિનિટનું મૌન પાળ્યું હતું. મૌન રેલી કાઢીને નવાપુરા પોલીસ મથકમાં પહોંચીને નુપૂર શર્મા સામે કડક કાર્યવાહી અને સજા કરવા રજૂઆત કરાઈ હતી. શાંતિ જળવાઈ રહે તેવી માગ છે.
બીજી તરફ નુપૂર શર્માના સમર્થનમાં ગોરવા વિસ્તારમાં શુક્રવારે રાતે ભગવા ધ્વજ સાથે કેટલાક યુવાનો રસ્તા પર આવી નુપૂર શર્મા હમ તુમ્હારે સાથ હૈ, વંદે માતરમ જેવા નારા લગાવ્યા હતા. જોકે સ્થાનિક પોલીસે તાત્કાલિક યુવાનોને હટાવી દીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.