કોંગ્રેસના ધરણાં:વડોદરામાં પાલિકાના પદાધિકારીઓની ગાડીઓ અને ચા-નાસ્તાની સુવિધાઓ પાછી ખેંચવા માંગ કરી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસે કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પાર્કિંગ સ્ટેન્ડમાં ધરણાં કર્યાં - Divya Bhaskar
કોંગ્રેસે કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પાર્કિંગ સ્ટેન્ડમાં ધરણાં કર્યાં
  • કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ ભાજપ સામે સૂત્રોચ્ચારો કર્યાં

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પાર્કિંગ સ્ટેન્ડમાં ધરણાં યોજીને કાયદા વિરૂદ્ધ પદાધિકારીઓને ફાળવેલી સેવાઓ પરત ખેંચવાની માંગ કરી હતી અને આ મુદ્દે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે, એકતરફ લોક સુવિધા પાછળ કોર્પોરેશન પાસે નાણાં નથી. ગરીબોને બેઘર કર્યાં પછી ભાડાના પૈસા નથી અને બીજી તરફ જીપીએમસી એક્ટ વિરૂદ્ધ મોંઘી કાર, ઇંધણ-ચા પાણી નાસ્તા પાછળ ભાજપના મેયર, ડે.મેયર, સ્ટન્ડિંગ કમિટનીના ચેરમેન,ભાજપના પક્ષના નેતા અને દંડક મુલાકાતીઓના નામે ભાજપના જ કાર્યકરો સાથે જ્યાફત ઉડાવી લાખો રૂપિયા બેફામ રીતે ખર્ચી રહ્યા છે. મેયર તથા કમિશનર ડબલ કાર અને ટ્રિપલ ડ્રાઈવરનો ઉપયોગ કરી રહ્યા છે. કાયદા વિરુદ્ધની તમામ સુવિધાઓ પરત ખેંચીને ચા નાસ્તા તાત્કાલિક બંધ કરીને ખર્ચ વસૂલવાની માંગણી કરી છે.

વડોદરા શહેર કોગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન નાણાંના અભાવના કારણે વિકાસના કામો થઇ રહ્યા નથી અને બીજી તરફ સત્તાધીશો દ્વારા કરવામાં પ્રજાના નાણાંનો બેફામ ઉપયોગ સામે કોગ્રેસ દ્વારા આજે ધરણાં યોજી મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન વિગેરે દ્વારા જે પેટ્રોલ, ડિઝલ અને ચા અને નાસ્તામાં રૂપિયા 50 લાખ ઉપરાંત ખર્ચ કરવામાં આવ્યો છે. તે કોર્પોરેશનના કાયદા વિરુદ્ધ છે. જે વસૂલ કરવા માગણી કરવામાં આવી છે.

વડોદરા શહેર કોગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીની આગેવાનીમાં આયોજીત કાર્યક્રમમાં પક્ષના નેતા અમી રાવત સહિત મોટી સંખ્યામાં કોગ્રસ કાર્યકરો જોડાયા હતા અને શાસક ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...