સરકાર સામે ભાજપના MLA:ડભોઈના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં સરકાર અન્યાય કરે છે, ભાજપના જ ધારાસભ્ય શૈલેષ મહેતાનો સણસણતો આક્ષેપ

વડોદરાએક મહિનો પહેલા
ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો.
  • ભાજપના જ MLAના અણિયારા પ્રશ્નો, નળ શું શોભા માટે રાખ્યા છે, પાણી તો આવતું નથી
  • સરકારની રૂપાળા નામવાળી વિવિધ યોજનાઓ શોભાના ગાઠિયા જેવી પુરવાર થઈ ગઈ

ડભોઈ તાલુકાના ખેડૂતોને સિંચાઇનું પાણી આપવા ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે એમાં જણાવ્યું છે કે ખેડૂતોને વહેલી તકે પાણી આપવામાં નહીં આવે તો ઉનાળુ પાક ખાક થઈ જશે. તેમણે સરકાર ખેડૂતો સાથે અન્યાય કરતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. કાળઝાળ ગરમી દિવસે દિવસે નવા રેકોર્ડ બ્રેક કરી રહી છે. શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા તો છે જ, પરંતુ ગામડાંમાં પણ પાણીની સમસ્યા ઘેરી બની રહી છે. સરકારની રૂપાળા નામવાળી વિવિધ યોજનાઓ શોભાના ગાઠિયા જેવી પુરવાર થઈ રહી છે.

ભાજપના જ ધારાસભ્યે સરકાર સામે બાંયો ચઢાવવાનો વખત આવ્યો
લોકોનાં ઘરોમાં નળ છે, પણ પાણી આવતું નથી, આથી વધુ વિકટ સ્થિતિ ખેડૂતોની થઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી ડભોઇ તાલુકાના ખેડૂતો સહિત જિલ્લાના વિવિધ ખેડૂતો દ્વારા ઉનાળુ પાકને બચાવવા માટે સિંચાઇનું પાણી આપવા સરકારના વિવિધ વિભાગોમાં રજૂઆત કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા ખેડૂતોની સિંચાઇનું પાણી આપવા માટેની માગ પૂરી કરવામાં આવતી નથી. પરિણામસ્વરૂપ ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાને ખેડૂતોનો પાણીનો પ્રશ્ન હલ કરવા માટે સરકાર સામે બાંયો ચઢાવવાનો વખત આવ્યો છે અને તેમણે ખેડૂતોને સિંચાઇનું પાણી વહેલી તકે આપવા માટે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

પાણી ન મળવાને કારણે ઉનાળુ પાક સુકાઈ રહ્યો છે
ઉલ્લેખનીય છે કે "જળક્રાંતિ-કૃષિક્રાંતિ"ની વાતો કરતી સરકાર ખેડૂતોને અન્યાય કરી રહી છે અને ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં પાણી અને વીજળી પૂરી પાડી રહી છે. હાલ ગરમી પરાકાષ્ઠાએ છે. પાણી ન મળવાના કારણે ઉનાળુ પાક સુકાઈ રહ્યો છે, પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને પાણી આપવામાં અખાડા કરી રહી છે. જો ખેડૂતોને જલદી પાણી નહીં મળે તો ઉનાળુ પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ભાજપના ધારાસભ્યે ખેડૂતો આંદોલન કરશે એવી ચીમકી આપી
ધારાસભ્ય શૈલેષ મહેતાએ પત્રમાં જણાવ્યું છે કે ખેડૂતોને પાણી નહીં મળે તો સરકારના અભિયાનને ધક્કો વાગશે. પાણી નહીં મળે તો ખેડૂતો આંદોલન કરશે, એવી તેમણે ચીમકી આપી છે. તા. 31 માર્ચથી નર્મદા નિગમે પાણી આપવાનું બંધ કરી દીધુ છે. પરિણામે, ખેડૂતોને હવે ઉનાળુ પાક બળી જવાની ચિંતા સતાવી રહી છે. પાક બળીને ખાક થઇ જાય એ પહેલાં સિંચાઇનું પાણી આપવા માગણી કરી છે.

અક્ષરશઃ પત્ર
ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પત્રમાં લખ્યું છે કે, આપણે કહીએ છીએ કે, જગતનો તાત એટલે ખેડૂત. ત્યારે તા.31-03-200થી નર્મદા નિગમ દ્વારા ખેતી માટે પાણી આપવાનું બધં કરી દીધું છે અને ઉદ્યોગોને પાણી પુરૂ પાડવામાં આવે છે. નર્મદા કેનાલ બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને પાણી મળી રહે અને તેમને તમામ ઋતુઓના પાક લઇ શકે તે ઉપરાંત જે વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે ત્યાં નર્મદા કેનાલોનું પાણી પહોંચાડવું તે મુખ્ય બે પ્રાથિમકતા હતી. ઉદ્યોગને પાણી આપવું જોઇએ પરંતુ ખેતીના ભોગે ઉદ્યોગને પાણી આપવામાં આવે તે બાબત ખેડૂતો માટે આંદોલનનો માર્ગ અપનાવવા પ્રેરે તેવો છે. આજે ગુજરાત સરકાર જળક્રાતિ-કૃષિક્રાંતિનું અભિયાન ચલાવતી હોય અને તેમાં ખેડૂતોને ખાસ કરીને આદિવાસી પ્રજા સાથ-સહકાર આપતી હોય ત્યારે ખેડૂતોને અન્યાય કરવો તે કેટલા અંશે યોગ્ય છે.

ડભોઇ તાલુકામાં 20 જેટલી નર્મદા વસાહતો ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલી છે. આ વસાહતોમાં આદિવાસીઓ રહે છે તે આદિવાસીઓની જમીન-ઘરો નર્મદા ડેમના ડૂબાણમાં જતા રહ્યા છે અને સરકારે તેઓને જમીન અને ઘરો આપ્યા છે. 20 પૈકી 4 વસાહતોના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને તેઓની ખેતી નર્મદા કેનાલના સિંચાઇ ઉપર નભે છે. ત્યારે નર્મદા નિગમના ખેતી માટે પાણી ન આપવાના નિણર્યથી આ ખડેૂતોને ભારે નુકશાન જશે. તમામ ખેડૂતોએ ઉનાળાનો પાક વાવેલો છે. જો પાણી નહીં મળે તો ઉનાળુ પાકને ખબૂ મોટું નુકશાન જશે. જે ખેડૂતોના હિતમાં નહી હોય અને સરકારના જળક્રાતિ-કૃષિક્રાંતિ અભિયાનને ધક્કો વાગશે.

જે ખેડતો શ્રીમંત છે અને પોતાના ટ્યુબવેલથી સિંચાઇ કરે છે તેઓને આ નિર્ણયનો કોઇ વાંધો આવવાનો નથી. પરંતુ જે ખેડૂતો નર્મદા કેનાલના સિંચાઇ ઉપર ખેતી કરે છે તે ખેડૂતોને આ નિર્ણયથી ચોક્કસ નુકશાન જશે. આજે ડભોઇ તાલુકાના ખેડૂતો પાણી ન મળવાના કારણે ખેતીનું તો નુકશાન વેઠી રહ્યા છે પરંતુ તેમના ઢોર-ઢાકર પણ પાણી વિના તરસી રહ્યા છે. એટલે પાણી વગર આ ખેડૂતોને ખૂબ નુકશાન જઇ રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઇ માટે પુરતું પાણી આપવાની જે વાતો કરે છે તેના કરતા વિરુદ્ધ ચિત્ર ડભોઇ તાલુકામાં છે. તેથી જ આ ખેડૂતોએ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવેલ છે. જે આગળ જતા મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે તેવું મારુ અનુમાન છે. ત્યારે મારી આપને વિનંતી છે કે, ડભોઇ તાલુકાના ખેડૂતો તેમાં પણ ખાસ કરીને નર્મદા વસાહતના ખડેૂતો જે આ ખેડૂતો સિંચાઇ ઉપર આધારીત ખેતી કરે છે તેવા ખેડૂતોને તેમના ઉનાળાના પાક બળી ન જાય, તેઓને નુકશાન ન જાય અને તેમના ઢોર-ઢાકરને પણ પાણી વગર રહેવું ન પડે તે માટે નર્મદા નિગમનો જે નિણર્ય છે તેને રદ કરી તાત્કાલિક ધોરણે નર્મદા કેનાલ મારફતે ખેડૂતોને પાણી આપવામાં આવે તે મુજબ જરૂરી આદેશો નર્મદા નિગમને આપશો તેવી મારી માગણી છે.