તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રથમ કેસ:ડેલ્ટા+ વેરિયન્ટની મહિલા દર્દી 56 દિવસ ક્યાં ફરી, કોના સંપર્કમાં આવી તેનું ટ્રેસિંગ કરાશે, હવે કોઈને બિનજરૂરી નહીં મળવા સૂચના

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જરોદના એનડીઆરએફના જવાનની પત્નીના રિપોર્ટમાં કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળતાં આરોગ્ય વિભાગ એલર્ટ
  • કોરોનાના નવા વેરિયન્ટને રોકવા તંત્રની દોડધામ : મહિલા દર્દીના ઘરે જઇ આરોગ્ય વિભાગની ટીમે વિગતવાર હિસ્ટરી મેળવી તપાસ શરૂ કરી ­­­

વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના કેસો ઘટી ગયા છે અને મોતની સંખ્યા ઓછી થઇ છે. હોસ્પિટલમાં દર્દીઓ ઝડપથી ઘટી ગયા છે ત્યારે કોરોના વાઇરસનો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વડોદરાના વાઘોડિયાના જરોદની મહિલામાં જોવા મળતાં જિલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

સમગ્ર પંથકમાં આ મહિલા ચર્ચાનો વિષય બની ગઇ હતી. મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને આ મહિલાનો વાઇરસ ડેલ્ટા પ્લસ હોવાની જાણકારી મળતાં જિલ્લા તંત્ર પણ એલર્ટ મોડમાં મૂકાઇ ગયુ છે. આ મહિલા દર્દી કોના સંપર્કમાં આવી હતી તે સહિતની માહિતી મેળવીને આરોગ્ય વિભાગ દ્વારા ટ્રેસિંગની કામગીરી શરૂ કરવાની તૈયારીઓ કરાઇ છે.

વાઘોડિયાના જરોદની મહિલાનો એપ્રિલ મહિનામાં કોરોના રિપોર્ટમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળી આવ્યાં બાદ રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ પણ આગામી સમયમાં આવા કોઇ કેસ ન આવે તેની રોકથામ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમગ્ર વડોદરા જિલ્લા તંત્રને એલર્ટ મોડ પણ મૂકવામાં આવ્યું છે.

એટલું જ નહીં ડેલ્ટા વેરિયન્ટ ધરાવતી મહિલા ક્યાં ક્યાં ગઇ હતી અને કોને કોને મળી હતી તેની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારના આદેશથી આ મહિલાના ઘરે પહોંચેલી ટીમે તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરી હોવાનું જાણવા મળે છે. આ ટીમે મહિલાને તેઓ મહારાષ્ટ્રથી આવીને ક્યાં ક્યાં ગયા હતા અને કોના સંપર્કમાં આવ્યાં હતા તેની તલસ્પર્શી વિગતો મેળવી હતી.

આ મુદ્દે મહિલાએ પૂરેપૂરો સાથ સહકાર આપ્યો હતો. આ મહિલાને કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કરવાની અને બિનજરૂરી રીતે કોઇના સંપર્કમાં ન આવવાની સૂચના આપી હોવાનું જાણવા મળે છે. હવે જિલ્લા આરોગ્ય તંત્રને આ મહિલા જેના જેના સંપર્કમાં આવી હતી. તેનનું ટ્રેસિંગ કરવાની ભગીરથ કામગીરી આવી પડી છે.

આગામી સમયમાં આ કામગીરી પર વિશેષ ભાર આપવામાં આવશે. જોકે આ તમામ માહિતી જો કેસમાં અચાનક ઉછાળો આવશે ત્યારે તે નિર્ણયાકપણે મહત્વની બની રહેશે. કોરોના ઓએસડી ડો. વિનોદ રાવે જણાવ્યું કે, ‘ તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. મહિલાના કોન્ટેક્ટ ટ્રેસિંગના આદેશ આપવામાં આવ્યાં છે.’

ડેલ્ટા પ્લસ વેરિયન્ટ શું છે?

  • ડેલ્ટા પ્લસ વેરિયન્ટ કોરોના વાઇરસનું બદલાયેલું સ્વરૂપ છે
  • ડેલ્ટા પ્લસ વેરિયન્ટને શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓળખી શકતી નથી તેથી તે વધુ ઘાતક પૂરવાર થઇ શકે છે.
  • જોકે હાલમાં બે જ કેસ મળ્યા છે અને આ બંને દર્દી એસિમ્પ્ટોમેટિક છે.
  • અગાઉથી કોરોનાની એન્ટિ બોડી ડેવલપ થઇ હોય તો પણ ડેલ્ટાપ્લસ વાઇરસ શરીરને અસર પહોંચાડી શકે છે.
  • ડેલ્ટાપ્લસ વેરિયન્ટથી વડોદરામાં હાલના તબક્કે ઘબરાવા જેવું નથી એવું તજજ્ઞોનું અને તંત્રના અધિકારીઓનું કહેવું છે પણ કેસો વધે તો ચિંતામાં વધારો થઇ શકે છે.

થર્ડ વેવ માટે SSGમાં 200 બેડ વધારવાની કવાયત હાથ ધરાઇ
આગામી સમયમાં કોરોનાનો થર્ડ વેવ આવશે તો તેને ધ્યાનમાં રાખીને એસએસજીમાં કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ માટે સર્જિકલ બિલ્ડિંગમાં નવા 50 બેડ, 12 નબંરના વોર્ડમાં વધારાના 35 અને સાઇકિયાટ્રી વોર્ડમાં 50 તથા યુરોલોજિ વોર્ડમાં 65થી 70 બેડ વધારવાનું તંત્રનું આયોજન છે.

આ ઉપરાંત સમરસ હોસ્પિટલમાં 1000 બેડની સુવિધા કરવામાં આવશે. આ માટે કેટલા સાધનો જોઇએ છે અને કેટલા ઓક્સિજન પોઇન્ટ, કોન્સન્ટ્રેટર જોઇશે તેની પણ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.

41 દિવસ બાદ કોરોનાના નવા કેસ વધીને 16 થયા
શહેરમાં કોરોનાના કેસમાં 41 દિવસ પછી વધારો નોંધાયો હતો. શુક્રવારે 16 કેસ નોંધાયા હતા. જ્યારે ગુરુવારે 15 કેસ હતા. હાલમાં 836 એક્ટિવ કેસો છે જેમાંથી 21 વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં 144 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આ સાથે સાજા થયેલા દર્દીઓ 70167 થઇ ગયા છે. શુક્રવારે પૂર્વ ઝોનમાં એક પણ દર્દી નોંધાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...