વડોદરા શહેરની આલોક સોસાયટીમાં રહેતા એક વૃદ્ધ દર્દી આ વખતની ચૂંટણીમાં મતદાન મથક ઉપર જઇને મતદાન કરી શકે એમ ના હોવાથી જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા તેમના ઘરે જઇને પોસ્ટલ બેલેટ આપવામાં આવ્યું હતું.
ચાલવામાં પણ મુશ્કેલી
મામલતદાર (પૂર્વ) કૃતિકા વસાવા પોતે આજે સવારે આલોક સોસાયટીમાં પહોંચ્યા હતા. જ્યાં રહેતા 86 વર્ષીય ઇન્દ્રવદનભાઇ પરીખના ક્ષેમકુશળ પૂછ્યા હતા. આ વયોવૃદ્ધ મતદારને ચાલવામાં ભારે યત્ન કરવો પડે છે. વળી, દર ત્રણ કલાકે કૃત્રિમ ઓક્સીજનનો સહારો લેવો પડે છે. આવી સ્થિતિમાં તેઓ મતદાન મથકે જઇને મતદાન કરી શકે એમ નહોતા.
દિવ્યાંગો માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા
આ બાબતને ધ્યાને રાખીને મામલતદાર વસાવાએ તેમને ફોર્મ 12D આપી પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સરળતા કરી આપી હતી. આ વખતે 80 વર્ષથી ઉપરના મતદારો અને દિવ્યાંગોને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવી રહી છે.
પત્ની માટે પણ વ્યવસ્થા કરી
આ ઉપરાંત ઇન્દ્રવદનભાઇના પત્ની જમનીબેન પરીખ પણ 78 વર્ષના છે. જો કે, કેન્દ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબના માપદંડોમાં તેમનો સમાવેશ ના થતો હોવાથી મતદાન માટે સહાયકની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે.
ચૂંટણી તંત્ર વધુ મતદાન માટે સજ્જ
ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં વડોદરાની દસેય બેઠકો ઉપર મહત્તમ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોર તથા અવસર કેમ્પેઇનના નોડેલ અધિકારી ડો. બી. એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જનજાગૃતિના વિવિધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.