સ્ટર્લિંગ બાયોટેક કૌભાંડ:8100 કરોડના કૌભાંડી સાંડેસરા બંધુઓને દિલ્હીની અદાલતે ભાગેડુ જાહેર કર્યાં

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરાની ફાઇલ તસવીર. - Divya Bhaskar
નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરાની ફાઇલ તસવીર.

બેંકમાંથી 8100 કરોડની લોન લીધા બાદ છેતરપિંડી આચરી છેલ્લા ત્રણ વર્ષથી ફરાર થઇ ગયેલા સાંડેસરા બંધુને આખરે દિલ્હીની એક અદાલતે ભાગેડુ જાહેર કર્યાં છે. અદાલતના આ આદેશ બાદ હવે તેમની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી સરળ બનશે. હાલ સાંડેસરા બંધુઓ નાઇજિરિયામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગુપ્તચર વિભાગના જણાવ્યા પ્રમાણે તેમના આશ્રય સ્થાનોમાં ખાડી દેશ અને લંડન તેમજ અમેરીકા પણ હોવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, સાંડેસરા બંધુની સ્ટર્લિંગ બાયોટેક કંપનીએ બેંકો સાથે રૂા.14,500 કરોડની ઠગાઇ કરતાં આ આર્થિક કૌભાંડની તપાસ સીબીઆઇ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ વર્ષ 2017માં સાંડેસરા બંધુઓ ફરાર થઇ ગયા હતા. આ આર્થિક કૌભાંડની તપાસ હાલ ઇડી તેમજ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ કરવામાં આવી રહી છે અને ઇડીએ દિલ્હીની અદાલતમાં લાંબા સમયથી ફરાર થઇ ગયેલા સાંડેસરા બંધુઓને એફઇઓ એક્ટ હેઠળ ભાગેડુ જાહેર કરવાની દાદ માંગી હતી. ઇડીની આ અરજી ઉપર દિલ્હીની અદાલતમાં બન્ને પક્ષે દલીલો થયા બાદ ન્યાયાધીશે નીતીની સાંડેસરા, ચેતન સાંડેસરા અને દિપ્તી સાંડેસરાને ભાગેડુ જાહેર કર્યાં હતા. ઉલ્લેખનીય છે કે, ભારતની બેંકોમાંથી હજારો કરોડની લોન લેવામાં આવ્યાં બાદ માતબર રકમ વિવિધ દેશોમાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું પણ જણાંતા વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

નાઇજીરીયામાં સાંડેસરાની જંગી સંપત્તિ
ભારતમાંથી કરોડોનું કૌભાંડ આચરીને ફરાર થઇ ગયેલા બિઝનેસમેન સાંડેસરાની નાઇજીરીયામાં જંગી સપત્તિ હોવાનું માનવામાં આવી રહ્યું છે. નાઇજીરીયામાં સાંડેસરા બંધુઓ રિફાઇનરીના કારોબાર સાથે સંકળાયેલા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. અગાઉ નાઇજીરીયામાં સાંડેસરાની રૂા.9 હજાર કરોડથી વધુની સંપત્તિ હોવાનું ઇડીની તપાસમાં જણાયું હતું. આમ, હાલ બિઝનેસમેન બંધુઓને ભાગેડુ જાહેર કરવામાં આવતાં ઇડી દ્વારા તેમની વિદેશી સંપત્તિ બાબતે વધુ કડક કાર્યવાહી કરાશે તેમ જણાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...