ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:આજવામાં 6 કરોડના પાર્કના સ્ટ્રક્ચરમાં ખામી પતંગિયાંનો ગ્રોથ ન થયો, હવે કાગડા ઊડે છે!

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
આજવા સ્થિત પતંગિયાં પાર્ક. - Divya Bhaskar
આજવા સ્થિત પતંગિયાં પાર્ક.
  • પાલિકાએ પાર્ક બનાવી 2018માં આતાપીને સોંપ્યો, 2022માં સ્થિતિ જૈસે થૈ
  • 2 વખત પતંગિયાં લાવ્યાં, ડોમ અનુકૂળ ન હોવાથી રિપ્રોડક્શન સિસ્ટમ ખોરવાતાં ઉછેર જ ન થઇ શક્યો

2014માં સયાજીબાગમાં પાલિકા દ્વારા 40 હજાર સ્ક્વેરફૂટમાં બટરફ્લાય પાર્ક બનાવાની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ મોર્નિંગ વોકર્સ એસો.ના વિરોધ બાદ આ પ્રોજેક્ટને આજવા ગાર્ડનમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પાર્ક તૈયાર કરાયા બાદ સંચાલન માટે 2018માં આતાપીને સોંપાયો હતો, પરંતુ 4 વર્ષથી પતંગિયાંનો ઉછેર થતો નથી અને પાર્ક ધૂળ ખાઈ રહ્યો છે. ભાસ્કરે આ અંગે આજવા ખાતે જઇને પતંગિયા પાર્કનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરતાં 4 વર્ષે પણ પતંગિયાં નહીં કાગડા ઊડતા હોય તેવો સ્થિતિ જોવા મળી હતી.

આતાપીના મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર 2 વખત પતંગિયાં લાવ્યા હતાં, પરંતુ પાર્કમાં પતંગિયાંની રિપ્રોડક્શન સિસ્ટમ ખોરવાઇ જતાં તમામ પતંગિયાં મૃત્યુ પામ્યાં હતાં. સયાજીબાગમાં 2014માં રૂા. 6.35 કરોડના ખર્ચે કોર્પોરેશન દ્વારા બટરફ્લાય પાર્કના નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી. જેની સામે મોર્નિંગ વોર્કસ દ્વારા વિરોધ કરાયો હતો કે, પાલિકા પહેલેથી જ સયાજીબાગને ઘણું નુકસાન કરી ચૂકી છે.

આ પ્રોજેક્ટના કારણે ગાર્ડનમાં આવતા મોર્નિંગ વોકર્સને ઘણી તકલીફ પડશે. જેને પગલે પાલિકા દ્વારા આખા પ્રોજેક્ટને આજવા ગાર્ડનમાં ખસેડાયો હતો. જે 2017માં પૂરો થતાં તૈયાર 2018માં બટરફ્લાય પાર્કને 25 વર્ષના કરારથી સંચાલન માટે અાતાપીને આપવામાં આવ્યો હતો. જોકે 4 વર્ષ બાદ પણ હજી પતંગિયાં પાર્કનું સપનુ અધૂરું જ રહ્યું છે.

2017માં ખબર પડી કે ડોમનું તાપમાન પતંગિયાં માટે યોગ્ય નથી
2017માં તંત્રને જાણ થઇ કે ડોમમાં પતંગિયાઅો ગૂંગળાય તેટલું તાપમાન છે, તેથી તેમાં ફેરફાર કરવાની જરૂર છે. આ મુદ્દે એક ઉચ્ચ કક્ષાની મીટિંગ થઇ ત્યારે આ ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો હતો પણ આજ દિન સુધી તંત્રની આળસને લીધે તેનો અમલ થતો નથી. પતંગિયાઓના નિયમિત ઉછેર માટેનું પદ્ધતિસરનું બ્રિડિંગ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું નથી.

ફેરફાર કરાયા છતાં પતંગિયાંને ડોમ માફક જ આવતો નથી
ડોમ પતંગિયાંને માફક ન આવતાં કેટલાંક સૂચનો કરાયાં હતાં. જેમ કે ડોમની ઉપરના ભાગે ખૂબ જ ઝીણી જાળી ફિટ કરવી, જેથી પતંગિયાંઓને જરૂરી હવા મળી રહે. ડોમમાં ખૂબ ઝીણી ધાર છોડતાં ફુવારાઓ મૂકવા, જેથી અનુકૂળ ભેજ જળવાય. તમામ સેક્શનમાં હવા-ઉજાસ જાળવવા ફેરફાર કરવો, કારણ કે વધુ તાપમાન પતંગિયાઓને અનુકૂળ નથી. આતાપીના લાઇઝનિંગ હેડના દાવા મુજબ પાલિકાએ સૂચવેલા ફેરફારો કરાયા હતા, છતાં પતંગિયાંને ડોમ માફક આવ્યા નથી.

આસિ. ડાયરેક્ટર કહે છે, મામલો પાણી પુરવઠા વિભાગનો છે
4 વર્ષે પણ પતંગિયા પાર્ક લોકો માટે સપનું બની રહ્યો છે. આ અંગે પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના ડાયરેક્ટર મંગેશ જ્યસ્વાલનું મંતવ્ય જાણવા સંપર્ક કરવાનો પ્રયાસ કરતા થઇ શક્યો ન હતો. આસિ. ડાયરેક્ટર ગૌરવ પંચાલે આખો મામલો પાણી પુરવઠા વિભાગનો છે તેવો જવાબ આપ્યો હતો.

અમે જવાબદારીમાંથી મુક્ત કરવા કહ્યું, ધ્યાન અપાતંુ નથી
જ્યારે અાતાપીનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે બટરફ્લાય પાર્ક અમને 25 વર્ષની લીઝ પર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ અમે 2 વાર પતંગિયાં લાવ્યા હતા, પણ આ સ્ટ્રક્ચરમાં પતંગિયાં નહોતાં રહી શક્યાં. જેના કારણે અમે ઘણીવાર પાલિકાને આ પાર્કને પાછો લઈ લેવા વિનંતિ કરી હતી, પણ ધ્યાન નથી આપ્યું. - દિવ્યસિંહ રાણા, લાઇઝનિંગ હેડ, અાતાપી પાર્ક

અન્ય સમાચારો પણ છે...