વડોદરાના સાંસદ દ્વારા રમત-ગમત એસોશિએશનના સહયોગથી આયોજિત 'સાંસદ ખેલ સ્પર્ધા-વડોદરા 2022' ના શુભારંભ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાના પ્રારંભ પ્રસંગ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દિપક નાઈટ્રેટ કંપનીમાં ધડાકા સાથે લાગેલી ભીષણ આગના બનાવની તપાસ કરવામાં આવશે.
ખેલ સ્પર્ધાનું આયોજન આવકારદાયક છે
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઔદ્યોગિક એકમમાં કોઈપણ પ્રકારની આગ કે ધડાકાની ઘટના હોય તેની તમામ સ્તરે તપાસ કરવામાં આવતી હોય છે. એ જ રીતે ગઈકાલે બનેલા બનાવની પણ તમામ તપાસ કરાવવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો અને હવે તેઓએ દેશના યુવાનો રમતગમત ક્ષેત્રે વિશ્વકક્ષાએ આગવી ઓળખ પ્રાપ્ત કરે તેવા શુભ આશયથી યુવાનોને તૈયાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કર્યું છે અને તેમાં વડોદરા શહેર-જિલ્લાના 15 હજાર જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. તે આવકારદાયક બાબત છે.
તમામ લોકોને અતિથિ તરીકે ગુજરાતની જનતા સ્વીકારે છે
આજે વડોદરામાં દિલ્હીના મુખ્યમંત્રી મનિષ સિસોદિયા સહિત આપ પાર્ટીના આગેવાનો આવી રહ્યા છે. જેથી આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે તે અંગે પ્રશ્ન પૂછતાં હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરી હતી કે હાલ સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન છે, ત્યારે રમત-ગમતમાં ક્યાંય પણ રાજકારણની વાત કરવી જોઈએ નહીં પરંતુ, ગુજરાતમાં જે કોઈ લોકો આવે છે તેને અતિથિ તરીકે ગુજરાતની જનતા હંમેશા સ્વીકારી રહી છે.
ભરતસિંહ મામલે ચુપકિદી સેવી
વધુમાં ભરતસિંહના વિવાદિત વિડિઓ મામલે આડકતરી રીતે કહ્યું કે, તેઓ શું કરે છે તે કહેવાની જરૂર નથી બધાજ જાણે છે. તેમણે આ ઉંમરે શુ કર્યું છે અને તે મારા પિતાની ઉંમરના છે અને મારી ઉંમર ઘણી નાની છે. મારા એ સંસ્કાર નથી કે, હું તેમના મામલે કાંઈ કહી શકું. પણ લોકો બધુ જ જાણે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.