ખંડેરાવ માર્કેટથી સિદ્ધનાથ તળાવ રોડ, ખંડેરાવ માર્કેટની પાછળનો રોડ અને ગુરુદ્વારા તરફ જતા રોડને ફ્રૂટ માર્કેટના નામે બાનમાં લેનારા વેપારીઓને વધુ એક મેયરે દબાણો હટાવવા કડક સૂચના આપી છે. અગાઉના મેયરે દબાણોની ફરિયાદના પગલે માર્કેટની મુલાકાત લીધી હતી છતાં વેપારીઓએ કંઈ ફરક ન પડતો હોય તેમ દબાણોની યથવાત્ સ્થિતિ જાળવી રાખી હતી. શુક્રવારે મેયર નિલેશ રાઠોડે મુલાકાત લઈ વેપારીઓ નહીં સમજે તો કડકાઈ દાખવાશે તેવી સ્પષ્ટ તાકીદ કરી છે.
પાલિકાની ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્રના કૂણા વલણથી ખંડેરાવ માર્કેટ રોડ અને તેની પાછળ થતાં દબાણો સ્થાનિકો સહિત 3 હજારથી વધુ લોકો માટે માથાનો દુખાવો બન્યો છે. ફ્રૂટ માર્કેટના નામે વિસ્તારને બાનમાં લેનારા વેપારીઓને વધુ એકવાર દબાણો હટાવવા સૂચના અપાઈ છે. મેયર નિલેશ રાઠોડ શુક્રવારે માર્કેટની પાછળ સિદ્ધનાથ રોડ અને ગુરુદ્વારા તરફના માર્ગ પર નીકળ્યા હતા.
તેઓએ વેપારીઓને સ્પષ્ટ સૂચના આપી કે, ફ્રૂટ દુકાનમાં રાખી વેચી શકાય છે, દબાણ કરવાની જરૂર નથી. આ રીતે દબાણ કરશો તો કડક થવું પડશે. તેઓએ વેપારીઓને બેઠક માટે બોલાવી ચોક્કસ પોલિસી બનાવવા અને તે મુજબ કામ કરવા તાકીદ કરી છે. જોકે મહિના અગાઉ જ ટ્રાફિકમાં ફાયરબ્રિગેડનું વાહન અટવાયું હતું. પણ તેમ છતાં કોઈ કાર્યવાહી કરાઈ નહતી. ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા વેપારીઓને માત્ર રૂા.100 દંડ કરીને જાણે ગંદકી કરવાનો પરવાનો અપાતો હોય છે.
સ્થાનિકોએ ઊભરો ઠાલવ્યો, વેપારીઓ દાદાગીરી કરે છે
મેયર નિલેશ રાઠોડની મુલાકાત દરમિયાન એકત્ર થયેલા સ્થાનિક રહીશોએ પોતાનો વિરોધ કરતાં કહ્યું હતું કે, વર્ષોથી દબાણની આ જ સ્થિતિ છે. અનેકવાર નેતાઓ આવે છે, પરંતુ વેપારીઓ સુધરતા નથી. દબાણો અંગે કંઈ કહેવા જાય તો વેપારીઓ દાદાગીરી કરે છે. જેથી આ સમસ્યાનો કાયમી નિકાલ થવો જોઈએ.
દોઢ વર્ષ પૂર્વે વિવાદ થતાં કોર્પોરેટરને ચૂપ રહેવા ભાજપ કાર્યાલયે સૂચના આપી હતી
ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ખંડેરાવ માર્કેટ પાછળ ફ્રૂટ માર્કેટનાં દબાણો હટાવવા મુદ્દે સ્થાનિક કાઉન્સિલર અને વેપારીઓ વચ્ચે વિવાદ થયો હતો. જેમાં વેપારીઓ દ્વારા એક થઈને ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જે તે વખતે વિધાનસભાની ચૂંટણી હોવાથી અને વેપારીઓ ભાજપના વોટર હોવાથી નુકસાની ન થાય તે માટે કાર્યાલયથી કાઉન્સિલરને ચૂપ રહેવા અને વિવાદ ન કરવા માટેની સૂચના આપવામાં આવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.