દુર્ઘટના:વડોદરાના કોયલીમાં ખુલ્લા વીજ વાયરને અડી જતા માતા-પુત્રનું મોત, વીજ કંપનીની બેદરકારીને લઇને કાર્યવાહી કરવા સ્થાનિકોની ઉગ્ર માગ

વડોદરા21 દિવસ પહેલા
વીજ કંપનીની બેદરકારીના કારણે માતા-પુત્રએ જીવ ગુમાવવાનો વારો આવ્યો
  • પોલીસ અને વીજ કંપનીના કર્મચારીઓએ સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી

વડોદરા નજીક કોયલીમાં વીજ કંપનીની બેદરકારીના કારણે માતા-પુત્રએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કોયલીમાં ખુલ્લા વીજ વાયરના સંપર્કમાં આવ્યા બાદ માતા-પુત્રનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસ અને વીજ કંપનીના કર્મચારીઓને થતાં ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઇ ગયા
વડોદરા શહેર નજીક કોયલી ગામમાં ઇન્દિરાનગર આવેલું છે. જ્યાં જીવતા વીજ વાયરો ખુલ્લા પસાર થઇ રહ્યા છે. આજે જીવતા વીજ વાયરના સંપર્કમાં ગજરાબેન વસાવા અને પુત્ર લાલાભાઇ વસાવા આવી ગયા હતા, ત્યારબાદ બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકો એકત્ર થઇ ગયા હતા અને પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. તથા વીજ કંપનીને જાણ કરાતા તેના કર્મચારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

વીજ વાયરને અડી જતા માતા-પુત્રનું મોત થયું હતું
વીજ વાયરને અડી જતા માતા-પુત્રનું મોત થયું હતું

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા
પોલીસે મૃતક ગજરાબેન વસાવા અને પુત્ર લાલભાઇના મૃતદેહોનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. વીજ વાયરોથી અન્યના જીવને જોખમ હોવાને કારણે સ્થાનિકોએ તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા માગ કરી હતી. આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ અને વીજ કંપનીના કર્મચારીઓએ સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી
પોલીસ અને વીજ કંપનીના કર્મચારીઓએ સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી

કપડા સુકવવા જતાં વીજ કરંટથી કિશોરીનું મોત થયું હતું
એક વર્ષ પહેલા વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોટા ફોફળીયામાં સુમીત્રાબેન અશોકભાઈ વસાવા(ઉ.વ.17)નું ઘરના વાડામાં કપડા ધોઈને બાંધેલા તાર પર સુકવવા જતા વીજ કરંટ લાગતા મોત થયું હતું. આ બનાવની જાણ થતા પરિવારની વૃદ્ધા બબલીબેન ઈશ્વરભાઈ વસાવા(ઉ.વ. 65) દોડી જતા તેમણે અને રમેશભાઈ ચતુરભાઈ વસાવા (ઉ.વ.35)ને પણ વીજ કરંટ લાગ્યો હતો. સદભાગ્યે બંને બચી ગયા છે. ફળિયામાં એકત્ર થયેલાઓએ 108 મારફતે સી.એ. પટેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. બનાવની જાણ શિનોર પોલીસમાં કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...