તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી આફત:વડોદરામાં મ્યુકોરમાઇકોસિસના દર્દીનું મોત, 11 સર્જરીમાં 2 દર્દીની આંખ કાઢવી પડી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છેલ્લા 24 કલાકમાં SSGમાં વધુ 9 દર્દીઓ દાખલ કરાયા
  • અત્યાર સુધી 22 દર્દીનાં મોત: 6 દર્દીઓની બાયોપ્સી કરી નમૂના તપાસાર્થે મોકલાયા
  • ટાસ્ક ફોર્સ સાધનોથી માંડીને દર્દીની સારવાર પર નજર રાખશે
  • અગાઉ વર્ષમાં 1 હજાર વપરાતા, હાલમાં રોજ 300ની માગ

શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે મ્યુકરમાઇકોસીસના દર્દીઓ સતત વધતા તંત્રમાં દોડધામ મચી છે. છેલ્લા 24 કલાકમાં સયાજી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસના 9 નવા કેસ દાખલ થયા છે. જ્યારે વધુ એક દાખલ દર્દીનું મોત નિપજતા કુલ મૃત્યુઆંક 22 થયો છે.

મંગળવારે કુલ 11 ઓપરેશન થયા હતા. જે પૈકી 2 દર્દીની એક - એક આંખ કાઢી નાખવી પડી હતી. મ્યુકોરમાઇકોસીસ થવાના કિસ્સા વધી રહ્યાં છે. જેને લઇને સયાજી હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા દર્દીઓની કરાતી સારવારનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હોવાનું ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડો. રંજન ઐયરે જણાવ્યું છે.

વડોદરામાં કોરોના બાદ ઝડપથી વધી રહેલા મ્યુકરમાઇકોસીસના દર્દીઓની સંખ્યા આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બની છે. સયાજી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં વધુ 9 દર્દીઓ દાખલ થયા છે. જેના કારણે હવે સયાજી હોસ્પિટલમાં સાવરવાર લઈ રહેલા દર્દીઓ 71 થયા છે. મંગળવારે વધુ 6 દર્દીઓના બાયોપ્સી લેવામાં આવ્યા હતા. જેને તપાસ અર્થે મોકલવમાં આવ્યા છે.

બીજી તરફ સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક મ્યુકરમાઇકોસીસના દર્દીનું મોત નિપજયુ હતું. વધુ એક મોત નિપજતા કુલ મૃત્યુઆંક 22 પર પહોંચ્યો હતો. હોસ્પિટલમમાં મ્યુકરમાઇકોસીસના કેસ વધતા સોમવારે જ વોર્ડ 19માં અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આજે જનરલ એનેસ્થેસિયાથી 3 દર્દીઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જ્યારે લોકલ એનેસ્થેસિયાથી 8 દર્દીઓના ઓપરેશન થયા હતા. જેમાં બે દર્દીઓમાં ઇન્ફેક્શન વધતા આંખના 1-1 ડોળા કાઢી નાખવામાં આવ્યા હતા.

શહેરના 8 વિશેષજ્ઞોએ મ્યુકોર કેર ગ્રૂપ બનાવ્યું
મ્યુકોરમાઇકોસિસની સારવાર અંગે 8 વિશેષજ્ઞો મ્યુકોર કેર ગ્રૂપ બનાવ્યું છે. જે દર્દીના ડોઝ નક્કી કરવા, બીજી દવાઓ સહિતનું માર્ગદર્શન આપશે. આ ગ્રૂપમાં ઇન્ફેકશન સ્પેશિયાલિસ્ટ ડો. હિતેન કારેલિયા, ઇએન્ડટી વિશેષજ્ઞ ડો. આર.બી. ભેંસાણિયા, ડો.પરિતા પંડ્યા, ડો. ધવલ શાહ અને ઓક્યોલો પ્લાસ્ટિક સર્જન ડો. સુરભિ કાપડિયા, આઇસીયુ સ્પેશિયાલિસ્ટ ડો. રિતેશ શાહ અને એન્ડોક્રાઇનોલોજિસ્ટ ડો. રૂપલ પાંચાનીનો સમાવેશ થાય છે.

મ્યુકોરમાઇકોસીસના ઇન્જેકશનની અછત, દર્દીઓની સંખ્યા 100 થઇ
શહેરમાં મ્યુકોરમાઇકોસિસના નવા કેસો રોજ આવી રહ્યાં છે. હાલમાં સરકારી હોસ્પિટલોમાં 60 અને ખાનગી હોસ્પિટલોમાં 40 દર્દીઓ મળીને અંદાજે કુલ 100 દર્દી સારવાર લઇ રહ્યાં છે. જે પૈકી ખાનગી હોસ્પિટલોમાં દાખલ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓને આ રોગની સારવારમાં ખૂબ જ ઉપયોગી મનાતા લાઇપોઝોમલ એમ્ફોટેરિસિન (B-50 mg)ની અછત સર્જાઇ છે.

ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓના સગા આ ઇન્જેકશન શોધવા દોડધામ કરી રહ્યાં છે. તબીબો અને દવાબજારના અગ્રણીઓના જણાવ્યા મુજબ તાજેતરમાં ગુજરાત સરકારે 5000 ઇન્જેકશન ખરીદ્યા છે. જેના લીધે અચાનક બજારમાં નવા ઇન્જેકશનનો આવતા અટકી ગયા છે. ગણ્યાગાંઠ્યા વેપારીઓ પાસે ગણતરીનો જ સ્ટોક પડ્યો છે. એક દર્દીને રોજના સરેરાશ 3થી 7 ઇન્જેકશનની જરૂર પડતી હોય છે પણ બહારગામની માગ મળીને શહેરમાં રોજના 300 એમ્ફોટેરિસિન ઇન્જેકશનની ડિમાન્ડની સામે છેલ્લા ત્રણ દિવસથી કોઇ નવા ઇન્જેકશન આવ્યા નથી

. રાજ્યના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.ના પ્રમુખ અલ્પેશ પટેલના જણાવ્યા મુજબ આ સમસ્યા ગુજરાતભરના શહેરોમાં વધી રહી છે. કંપનીઓએ આ ઇન્જેકશન ઓછામાં ઓછા આગામી 15 દિવસમાં વડોદરામાં આવશે નહીં તેવું જણાવ્યું છે. વડોદરામાં છેલ્લે સીપ્લા કંપનીના 150 ઇન્જેકશનનો આવ્યાં હતા.’

એમ્ફોટેરિસિનના 140 ડોઝની જરૂર પડી શકે છે

  1. મ્યુકોરમાઇકોસિસના દર્દીની સ્થિતિ સામાન્ય હોય અને વજન ઓછું હોય તો રોજના 3 ઇન્જેકશન પૂરતા છે. પણ હાલત ગંભીર કે દર્દીનું વજન વધુ હોય તો 6થી 7 ઇન્જેકશન રોજના આપવા પડે છે. દર્દીની સારવાર એકાદ મહિનો ચાલે તો ઇન્જેકશનના 140થી 150 ડોઝની જરૂર પડી શકે છે.
  2. વડોદરામાં હાલમાં એમ્ફોટેરિસિન ઇન્જેકશન માઇલન, એબોટ, ભારત સિરમ, સિપલા સહિતની 10-12 કંપનીના આવે છે. આ કંપનીઓ વર્ષે માગ મુજબ 1000 ઇન્જેકશન મોકલતી હતી.હાલમાં અઠવાડિયામાં જ ખાનગી હોસ્પિટલોમાં 2000થી વધુ ઇન્જેકશનની માગ સર્જાઇ છે.
  3. મ્યુકોરમાઇકોસિસની સારવારમાં અન્ય એક ઇન્જેકશન ડિઓક્સિકોલેટ પણ વપરાય છે.જેની કિંમત રૂ.300ની આસપાસ હોય છે. જ્યારે એમ્ફોટેરિસિન રૂ.6000થી રૂ.7,250ની વચ્ચેની કિમતે વેચાય છે. પણ ડિઓક્સિકોલેટ કીડની પર ભારે અસર કરતું હોવાથી તે ઓછા વપરાઇ રહ્યાં છે.​​​​​​​
અન્ય સમાચારો પણ છે...