ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરતી વખતે વલસાડના જાણીતા બિલ્ડરને હાર્ટ-અટેક આવતાં મોત નીપજ્યું હતું. મંદિર પરિસરમાં બનેલી આ ઘટનાનો શોકિંગ વીડિયો સામે આવ્યો છે. જો કે શરૂઆતમાં આ વીડિયો વડોદરાના સ્વામિનારાયણ મંદિરનો હોવાની ચર્ચાઓ ચાલી હતી. પરંતુ DivyaBhaskarએ આ અંગે શહેરના તમામ સ્વામિનારાયણ મંદિરોમાં તપાસ કરી હતી. આ તપાસમાં આ ઘટના વડોદરાના સ્વામિનારાયણ મંદિરમાં ન બની હોવાનો ખુલાસો થયો છે. આ આઘાતજનક ઘટના અન્ય કોઇ મંદિરમાં બની હોવાનું બહાર આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજકોટમાં એક આધેડ મોબાઇલ ફોન પર ગીતો સાંભળતાં સાંભળતાં હાર્ટ-અટેક આવતાં મોત નીપજ્યું હતું. તેમના મોતનો CCTVમાં કેદ થયેલો વીડિયો પણ સામે આવ્યો હતો.
મંદિરમાં શીશ ઝુકાવ્યા બાદ વલસાડના બિલ્ડરને હાર્ટ-અટેક આવ્યો
આ અંગે મળેલી માહિતી પ્રમાણે વલસાડના રહેવાસી અને જાણીતા બિલ્ડર જયંતી ખાલપ ભગવાન સ્વામિનારાયણમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા. તેઓ મહિલા સાથે સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. મંદિરમાં પહોંચેલા જયંતીભાઇ ભગવાનને શીશ ઝુકાવીને બંને હાથ જોડી પ્રાર્થના કરી રહ્યા હતા એ જ સમયે હાર્ટ-અટેક આવતાં તેઓ નીચે પટકાયા હતા અને શ્રીજીનાં ચરણોમાં શરણ થયા હતા.
સ્વામિનારાયણ મંદિરમાં જ અંતિમ શ્વાસ લીધા
વલસાડના બિલ્ડર જયંતીભાઇ ઢળી પડતાં જ તેમની સાથે આવેલી મહિલા તેમજ દર્શન કરી રહેલા અન્ય શ્રદ્ધાળુઓ ચોંકી ઊઠ્યા હતા. તરત જ તમામ તેમની પાસે દોડી આવ્યા હતા. બિલ્ડર સાથે આવેલી મહિલા સહિત અન્ય દર્શનાર્થીઓએ હોસ્પિટલ લઇ જવા માટે પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવે એ પહેલાં જ મંદિર પરિસરમાં શ્રીજી શરણ થઇ ગયા હતા. આ બનાવે એ સમયે ભારે ચકચાર જગાવી મૂકી હતી.
લાઇવ મોતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો
એક સપ્તાહ પૂર્વે બનેલી આ ઘટનાનો લાઇવ મોતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આઘાતજનક આ વીડિયોમાં વલસાડના બિલ્ડર જયંતીભાઇનું મોત કેદ થયું છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોએ ભારે ચકચાર જગાવી મૂકી છે.
રાજકોટના વકીલનું ઓનલાઈન ગીત સાંભળતી વખતે મોત થયું હતું
અઠવાડિયા પહેલાં જ રાજકોટમાં મધ્યરાત્રિએ જાણીતા વકીલ અતુલભાઈ સંઘવી સોશિયલ મીડિયા પર ઓનલાઈન થઇ જૂનાં ગીત સાંભળતા હતા. એ દરમિયાન અચાનક તેમને હૃદયરોગનો હુમલો આવતાં તેઓ તરફડિયાં મારવા માંડ્યા હતા. અંતે, તેમણે ફાની દુનિયામાંથી વિદાય લીધી હતી. એ દરમિયાન સોશિયલ મીડિયા પર લાઈવ નિહાળી રહેલા લોકોએ પણ કમેન્ટ કરી હતી અને ચિંતા વ્યક્ત કરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.