FY બીકોમના કલાસમાં વિવાદ:કોમર્સના ક્લાસમાં અધ્યાપિકાને સિટી મારી પેન મારનાર વિદ્યાર્થીને ડીને લાફા ઝીંકી દીધા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધમાલિયાની જગ્યાએ અન્ય વિદ્યાર્થીને માર્યાનો નેતાઓનો આક્ષેપ

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના કલાસમાં વિવાદ થયો હતો. કલાસમાં ધમાલ કરી રહેલા વિદ્યાર્થીને કોમર્સ ડીને 5થી 6 લાફા ઝીંકી દેતા બબાલ થઇ હતી. ચાલુ કલાસમાં વિદ્યાર્થી નવી મહિલા અધ્યાપિકાને સીટીઓ વગાડીને પેન ફેકીને હૂરીયો બોલાવી રહ્યો હોવાના કારણે ડીને લાફો માર્યો હોવાનું જાણવા મળ્યું છે. જો કે જે ધમાલ કરી રહ્યા હતા તેની જગ્યાએ અન્ય વિદ્યાર્થીને ડીને લાફા માર્યા હોવાના વિદ્યાર્થી નેતાઓએ આક્ષેપો કર્યા હતા.

યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાયની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે મંગળવારે સાંજે છેલ્લા લેકચર પહેલા કોમર્સ મેઇન બિલ્ડિંગ ખાતે એમ-8 નંબરના કલાસરૂમમાં મહિલા લેક્ચરર આવ્યા તે સમયે વિદ્યાર્થીઓ ધમાલ કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓ સીટીઓ મારીને પેન પણ મારી રહ્યા હતા. જેના પગલે અધ્યાપિકાએ પટાવાળાને ફોન કરીને બોલાવ્યા હતા. તે સમયે વિદ્યાર્થીઓ બીજા કલાસમાં ભાગી ગયા હતા અને અમુક વિદ્યાર્થીઓને પટવાળાએ પકડયા હતા. કોમર્સના ડીન કેતન ઉપાધ્યાય તે સમયે રાઉન્ડ પર હતા અને તેમને આ ઘટનાની જાણ થઇ હતી.

વિદ્યાર્થીઓએ ઉશ્કેરાટમાં આવીને ગમે તેમ બોલવાનું શરૂ કરતાં ફેકલ્ટી ડીને એક વિદ્યાર્થીને લાફા ઝીંકી દીધા હતા અને તેનો મોબાઇલ ફોન લઇને ઓફીસમાં જતા રહ્યા હતા. કોમર્સ ફેકકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાયે જણાવ્યું કે, નવા આવેલા લેડી ટીચરને બે દિવસ થયા છે અને 100થી વધારે વિદ્યાર્થીઓના કલાસમાં પાછળ બેઠેલા 8થી 10 વિદ્યાર્થીઓ સીટી મારીને પેન ફેકીને હૂરીયો બોલવતા હતા. આગળ બેઠેલી છોકરીઓ દ્વારા પણ ફરીયાદ કરવામાં આવી હતી.

જેના કારણે વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેઓએ હંગામો ચાલુ રાખતા વિદ્યાર્થીને થપાટ મારી હતી. ચાલુ કલાસ રૂમમાં લેડી ટીચરને સીટીઓ મારીને હેરાન કરનાર સામે પગલા ભરવામાં આવશે. કોમર્સ ફેકલ્ટીના આગેવાન નિખીલ સોંલકીએ આક્ષેપો કર્યા હતા કે, જે વિદ્યાર્થી ધમાલ કરી રહ્યા હતા તેની જગ્યાએ અન્ય વિદ્યાર્થીને લાફા માર્યા હતા. ડીન વિદ્યાર્થીને મારી શકે નહિ. જેને માર મરાયો તેણે પણ વિરોધ કર્યો હતો.

બબાલ થતાં લેક્ચર લેવામાં આવ્યું નહીં
કોમર્સ ફેકલ્ટીમના મેઇન બિલ્ડિંગ ખાતે જે કલાસમાં વિદ્યાર્થીઓ ધમાલ કરી રહ્યા હતા તે કલાસના એક વિદ્યાર્થીને ડીને લાફો ઝીંકી દિધા બાદ વિવાદ વકર્યો હતો. જેને પગલે વિદ્યાર્થી નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતાં. જેને પગલે લેકચર લેવામાં આવ્યું ના હોવાનું પણ વિદ્યાર્થી આગેવાનોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...