હરિધામ મંદિર વિવાદ:પ્રબોધમ ગ્રૂપના હરિભક્ત પર સુરતમાં હુમલો; ‘દવે સાહેબે બોલાવ્યો છતાં કેમ ન આવ્યો’ કહીને છરીના ઘા માર્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બંધ પડેલું બાઇક ચાલુ કરી રહ્યો હતો ત્યારે અચાનક જ બે શખ્સો આવ્યા, એક શખ્સે છરીથી મારા પર હુમલો કર્યો હતો

પ્રબોધમ ગ્રૂપના હરિભક્ત પર સુરતમાં ‘તને દવે સાહેબે બોલાવ્યો હતો, તું કેમ આવતો નથી,’ તેમ કહી છરી વડે જીવલેણ હુમલો થયો હતો. હુમલાખોરોએ આજે તો તું બચી ગયો, તને બીજીવાર નહીં છોડીશ, મારી નાખીશ, તેમ કહી બંને હુમલાખોર ભાગી ગયા હતા. આ અંગે સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં હુમલાનો ભોગ બનેલા સુરેશ ઉર્ફે પ્રહર્ષ ગોવિંદભાઈ વાઢેળની ફરિયાદ નોંધાઈ હતી.

સુરત કતાર ગામની પ્રભુનગર સોસાયટી વિભાગ-2માં રહેતા 48 વર્ષિય સુરેશ ઉર્ફે પ્રહર્ષ ગોવિંદભાઈ વાઢેળે જણાવ્યું કે, 14 એપ્રિલે બપોરે 2 વાગ્યા પછી હું બાઈક લઈને જોશનાબેન હિતેશભાઈ પટેલને ફોન કરીને મળવા જવા નીકળ્યો હતો. મારા પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તેણે મને ગાળો આપી હતી. તે શખ્સે જણાવ્યું કે, ‘તને દવે સાહેબે બોલાવેલ, તું કેમ આવતો નથી, પ્રવીણ વાઘેલા પણ મારી સાથે જ છે.’ મેં તેને શું કામ ગાળો આપે છે, તેમ કહ્યું હતું. જ્યાં ફોન કાપી નાખ્યો હતો.

ત્યારબાદ હું ઉધના દરવાજા પહોંચ્યો ત્યારે ફરી આ જ નંબર પરથી કોલ આવતાં મેં ફોન ઉપાડતાં સામે છેડેથી વ્યક્તિએ ‘હું તારી પાછળ જ છું’ એમ કહી ફોન કાપ્યો હતો. બાદમાં ફરી તે વ્યક્તિએ કોલ કરતાં મેં ફોન રિસીવ કર્યો ન હતો. હું ઉધના રોડ નંબર 3 પર બપોરે 3 વાગે શનિ મંદિરની સામે મારું બાઈક બંધ પડતાં ચાલુ કરવા માંડ્યો ત્યાં અચાનક મારી પાછળથી 2 અજાણ્યા વ્યક્તિ બાઈક પર આવ્યા હતા. જેમાંથી પાછળ બેઠેલા યુવકે તેના હાથમાં રહેલા છરી જેવા તીક્ષ્ણ હથિયારથી મારી પર હુમલો કર્યો હતો.

હું હટી જતાં ફરી તેણે મારી પર હુમલો કરતાં ડાબા હાથના કાંડાથી ઉપરના ભાગે ઘા વાગ્યો હતો. હાથમાં ચીરો પડી જતાં લોહી નીકળતું હતું. યુવકે મારી પર ફરી હુમલો કરતાં ડાબા હાથે બાવડાના ભાગે ઘા વાગ્યો હતો. મારા હાથ તથા કપડાં લોહીથી ખરડાઈ ગયાં હતાં. આ વખતે આજુબાજુમાંથી પસાર થતા લોકોની મદદ માગતાં હુમલાખોરો બાઈક પર બેસીને આજે તો તું બચી ગયો છે, તને બીજી વખત છોડીશ નહીં, મારી નાખીશ, તેમ કહીને ડીંડોલી જતા બ્રિજ પર નાસી ગયા હતા. મેં 100 નંબર પર ફોન કરી ઘટના વિશે જાણ કરી હતી. દરમિયાન અજાણ્યો મોપેડ ચાલક મને ઉધના પોલીસ સ્ટેશન લાવ્યો હતો, જ્યાં 2 હુમલાખોર સામે ફરિયાદ કરી હતી.

તારી મિસીસ અને છોકરાને મારી નાખીશ
હરિભક્ત ઉધના પોલીસ સ્ટેશન પહોંચતાં જ ત્યાં વ્યક્તિએ બીજી વખત કોલ કરીને તારી મિસીસ અને છોકરાને પણ મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જોકે હરિભક્તે ફોન કાપી નાખ્યો હતો.

સોખડા મંદિરના વ્યક્તિની સંડોવણી ખૂલે તો તપાસ થશે
ફરિયાદીનું નિવેદન લેવાનું બાકી છે. જ્યારે દવે ખરેખર કોણ છે તેની તપાસ કરવાની બાકી છે. સોખડા હરિધામ મંદિરના કોઈ પણ વ્યક્તિની સંડોવણી બહાર આવશે તો તેની તપાસ કરાશે. - વાયએમ ગોહિલ, પીઆઇ, ઉધના પોલીસ સ્ટેશન, સુરત

અન્ય સમાચારો પણ છે...