તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીકરીનું પરિવાર સાથે મિલન:વડોદરામાં પિતાએ ઘરકામ કરવા બાબતે ઠપકો આપતા દીકરી ઘરેથી નીકળી ગઇ, શી ટીમે પરિવારને સમજાવીને દીકરી સાથે મિલન કરાવ્યું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કરીને ઠપકો આપ્યા બાદ પસ્તાયેલા પિતા પણ દીકરી સહીસલામત મળી આવતા પોતાના હર્ષના આંસુ રોકી શક્યા ન હતા - Divya Bhaskar
કરીને ઠપકો આપ્યા બાદ પસ્તાયેલા પિતા પણ દીકરી સહીસલામત મળી આવતા પોતાના હર્ષના આંસુ રોકી શક્યા ન હતા
  • દીકરીને હેમખેમ જોતા પિતા પોતાના હર્ષના આંસુ રોકી શક્યા ન હતા
  • શી ટીમે દીકરીને ઠપકો આપવાને બદલે સમજાવીને ઘરકામ કરાવવાની સલાહ આપી

પિતાએ ઘરકામ કરવા માટે આપેલો ઠપકો સહન ન થતાં ઘરમાંથી નીકળી ગયેલી કિશોરીને શી ટીમે સમજાવીને પરત તેના પરિવારને સોંપી દીધી હતી. ઘરમાંથી કહ્યા વગર નીકળી ગયેલી દીકરી પોલીસની મદદથી હેમખેમ મળી જતાં પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. દીકરીને ઠપકો આપ્યા બાદ પસ્તાયેલા પિતા પણ દીકરી સહીસલામત મળી આવતા પોતાના હર્ષના આંસુ રોકી શક્યા ન હતા.

રડી રહેલી કિશોરીને સમજાવી પોલીસ મથકમાં લઇ આવ્યા
વારસીયા પોલીસ મથકના પી.આઇ. કે.એન. લાઠીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વારસીયા પોલીસ મથકની શી ટીમની એલ.આર. દિપીકાબહેન મફતભાઇ, પિનલબહેન મથુરભાઇ સંગમ ચાર રસ્તાથી કિશનવાડી ગધેડા માર્કેટ તરફ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન શી ટીમની નજર રસ્તા ઉપર રડી રહેલી આશરે 15-16 વર્ષની કિશોરી ઉપર નજર પડતાં, શી ટીમના સભ્યો તેની પાસે પહોંચી ગયા હતા. અને રડી રહેલી કિશોરીને સમજાવી પોલીસ મથકમાં લઇ આવ્યા હતા.

પિતાનો ઠપકો સહન ન થતાં કોઇને કહ્યા વગર નીકળી ગઇ
પોલીસ મથકમાં લાવ્યા બાદ પણ ચોંધાર આંસુ રડી રહેલી કિશોરીને શી ટીમના કોન્સ્ટેબલોએ પાણી પીવડાવી શાંત કરી હતી. કિશોરી શાંત થયા બાદ તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ભૂમિકા દિપકભાઇ કનોજીયા હોવાનું જણાવ્યું હતું. નામ જણાવ્યા બાદ પોલીસ ટીમે તેને રડવાનું કારણ પૂછતાં તેણીએ જણાવ્યું કે, પિતાએ ઘરકામ માટે ઠપકો આપ્યો હતો. પિતાનો ઠપકો સહન ન થતાં ઘરમાં કહ્યા વગર નીકળી આવી હતી. ભૂમિકાનું કારણ સાંભળી શી ટીમ તેમજ પોલીસ મથકના અન્ય જવાનો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

દીકરીને ઠપકો આપવાને બદલે સમજાવીને ઘરકામ કરાવવાની સલાહ આપી
દરમિયાન શી ટીમે ભૂમિકાને ઘરે પરત જવા માટે સમજાવી હતી. ભૂમિકા ઘરે જવા માટે તૈયાર થતાં શી ટીમે તેના પિતા સહિત પરિવારને પોલીસ મથકમાં બોલાવ્યા હતા. અને ભૂમિકાના પિતાને પણ દીકરીને ઘરકામ બાબતે ઠપકો આપવાને બદલે સમજાવીને ઘરકામ કરાવવાની સલાહ આપી હતી. અને ભૂમિકાને હસતા મોંઢે પિતા સાથે મોકલી આપી હતી.

દીકરીને હેમખેમ જોતા પિતા પોતાના હર્ષના આંસુ રોકી શક્યા ન હતા
મળેલી માહિતી પ્રમાણે દીકરી ભૂમિકાને ઠપકો આપ્યા બાદ પિતા પણ પસ્તાયા હતા. દીકરી ઘર છોડીને ચાલ્યા જતાં તેઓએ પણ શોધ ખોળ કરી હતી, પરંતુ, દીકરી મળી આવી ન હતી. દરમિયાન વારસીયા પોલીસ મથકમાંથી દીકરીને પોલીસ મથકમાં આવીને લઇ જવા માટે ફોન જતાં, પિતાને હાશકારો થયો હતો. પોલીસ મથકમાં દીકરીને હેમખેમ જોતા પિતા પોતાના હર્ષના આંસુ રોકી શક્યા ન હતા. પિતાએ પોલીસ મથકમાંજ દીકરીની માફી માંગવા સાથે શી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. અને દીકરી ભૂમિકાને રાજીખૂશીથી ઘરે લઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...