વિશ્વ પર્યાવરણ દિવસ:વડોદરામાં ઘરના આંગણે નડતર રૂપ આંબાને ન કાપવાની દીકરીએ જીદ પકડી, પિતાએ વૃક્ષને ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
વૃક્ષને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું - Divya Bhaskar
વૃક્ષને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું
  • ઘરના આંગણામાં શેડ બનાવતી વખતે આંબો નડતો હતો
  • દીકરીની જીદ સામે પિતાને ઝુકવુ પડ્યુ

આમ તો 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે.પરંતુ, પ્રકૃતિ અને પર્યાવરણ એવી બાબતો છે કે, એની ચિંતા બારે મહિના અને 365 દિવસ કરીએ તો જ ધરતી હરીભરી અને જીવવા લાયક રહે. એવી જ એક પ્રકૃતિ માટેની ચાહનાની સંવેદના કથા એક વૃક્ષપ્રેમી કિશોરીની જીદથી થોડા દિવસ અગાઉ લખાઈ છે, જેમાં દીકરીની આંબાનું વૃક્ષ બચાવવાની જીદ સામે નમતું જોખીને એના પરિવારે એ વૃક્ષ બચાવવાની વૈકલ્પિક વ્યવસ્થા કરીને એક નવી દિશા ચીંધી હતી.

બાળકો અને કિશોરો ને પ્રકૃતિ શિક્ષણ આપતાં હિતાર્થ પંડ્યાને થોડાંક દિવસ અગાઉ મુકેશભાઈ રોહિતનો ફોન આવ્યો. તે સમયે પંડ્યા પરિવાર સ્વજનની માંદગીથી વ્યગ્ર હતો. મુકેશભાઈએ ફોન પર કહ્યું કે, મારે મારા ઘરના આંગણામાં શેડ બનાવવો છે. એક આંબો તેના કોલમમાં નડે છે અને મારી દીકરી જ્હાનવી, ગમે તે કરો, ભલે શેડ ના બને પણ મારા ઉછેરેલા આંબાને બચાવી લો એવી જીદ કરે છે.

વડોદરા શહેરની સેન્ટ કબીર સ્કૂલમાં ભણતી જહાનવી ને લગભગ 2015માં હિતાર્થભાઈ એ જ એક પર્યાવરણ વિષયક કાર્યક્રમમાં આ આંબાનો છોડ આપ્યો હતો અને ગોરવા વિસ્તારમાં સહયોગ ખાતે રહેતા આ પરિવારે દીકરીને સહયોગ આપીને આંગણામાં તે રોપ્યો હતો. હવે એ છોડ 15 ફૂટ ઊંચા વૃક્ષ રૂપે લહેરાઈ રહ્યો હતો ત્યારે આ કટોકટી સર્જાઈ હતી. એમણે વૃક્ષનું નિરીક્ષણ કરીને, તેને કાપવાને બદલે ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી જેથી વૃક્ષ પણ સચવાય અને કુટુંબની જરૂરિયાત પણ પૂરી થાય. એમણે કિશોરીને પણ સમજાવી કે મધ્યમ માર્ગ કાઢીએ તો પ્રકૃતિની સુરક્ષા થઈ શકે અને જરૂરિયાત પણ પૂરી થઈ શકે.

કિશોરીના પિતા મુકેશભાઈએ શ્રમજીવીઓની મદદથી, વૃક્ષથી નડતર ન થાય એવી જગ્યાએ યોગ્ય માપનો ઊંડો ખાડો ખોદાવી,આંબાને મૂળ સાથે કાળજીપૂર્વક ઉખેડી,એટલી જ કાળજી સાથે નવી જગ્યાએ ફરી થી રોપાવ્યો છે. પુત્રીના પર્યાવરણ પ્રેમ,વૃક્ષ ચાહનાને આદર આપીને પરિવારે વધારાનો ખર્ચ કરીને એક લીલું વૃક્ષ બચાવવાનો પ્રયત્ન કર્યો, વિકલ્પ વિચાર્યો, કદાચ એ દિવસ જ સાચો વિશ્વ પર્યાવરણ દિવસ હતો.

આ પ્રકારના ટ્રાન્સલોકેશન પછી વૃક્ષના મૂળ નવી જગ્યાએ યોગ્ય રીતે સ્થાપિત થાય ત્યાં સુધી તેના પાંદડા ખરી કે ચીમળાઈ જવાનું બને છે. એટલે ચિંતાતુર જ્હાનવીએ ફરીથી હિતાર્થભાઈને ફોન કર્યો, ત્યારે એમણે એને રોજ સવારે એ વૃક્ષ સાથે વાતો કરવાની, એના થડને પ્રેમથી પંપાળવાની અને માં પ્રકૃતિ એને નવા સ્થળે ફરીથી તાજુમાજુ કરે એવી પ્રાર્થના કરવાની સલાહ આપી છે.

હિતાર્થભાઈ કહે છે કે, જગ્યાની જરૂર પડે અને વૃક્ષ નડતું હોય તો પહેલો વિચાર કાપવાનો નહીં, એને બચાવવાના વિકલ્પો વિચારવાનો કરવો જોઈએ. આવી આદત જો કુટુંબ અને સમાજમાં પડશે તો વૃક્ષ બચે અને વિકાસ પણ થાય એવી સુખદ સ્થિતિ સર્જી શકાશે અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સફળ થશે. બીજી બાજુ, વૃક્ષ અને પર્યાવરણપ્રેમી ધર્મેશભાઈ પંડ્યા, જેઓ શિક્ષણ સંસ્થાઓના સંચાલક છે, તેમને પણ આજે વૃક્ષદેવતાનું પૂજન કરીને પ્રકૃતિને પ્રેમ કરવાનો સંદેશ આપ્યો છે.

સાંસદ રંજનબેન ભટ્ટની પ્રેરણા અને સહયોગ થી શહેરનું ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ ગોત્રી હોસ્પિટલ સામે દર્દીઓના સ્વજનોની ભોજન સેવા કરે છે અને માત્ર રૂ.5માં દર રવિવારે શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસે છે. એમણે પણ આજે આ ભોજન સેવાને પ્લાસ્ટિક અને થર્મોકોલના પાત્રોથી મુક્ત રાખીને, વાંસની છાબડી અને પડિયા પતરાળામાં ભોજન પીરસવામાં આવ્યું હતું અને લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીને પર્યાવરણ રક્ષણમાં સહભાગી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આવી છૂટી છવાઈ, નાની-નાની લાગતી ઘટનાઓ જ સમાજ ને પર્યાવરણ રક્ષણના લોક અભિયાન તરફ દોરી જાય એવી સકારાત્મક આશા રાખીએ.

અન્ય સમાચારો પણ છે...