'હરિ'ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું:ધસારો વધતાં દર્શનનો સમય 3 કલાક વધારવો પડ્યો, ખેતરો-મેદાનો વાહનોથી ઉભરાયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોખડા-હરિધામ મંદિર ખાતે સ્વામી હરિપ્રસાદના નશ્વર દેહના અંતિમ દર્શન કરવા ભારેે ધસારો
  • વિવિધ સાત જિલ્લામાંથી 1 લાખથી વધુ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
  • ભીડ ટાળવા વડોદરાના ભક્તો માટે દર્શન સમય બદલાયો
  • ટ્રાફિક જામની સ્થિતિ અટકાવવા સોખડાનો માર્ગ વન-વે કરવો પડ્યો
  • ભક્તો માટે તાબડતોબ પાર્કિંગ વ્યવસ્થા સાથે ડોમ ઉભા કરાયા
  • મંદિર બહાર 2 કિમી લાંબી લાઇન, ખેતરોમાં 2 હજારથી વધુ વાહનો પાર્ક

સોખડા-હરિધામ મંદિરના સંત બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહના અંતિમ દર્શન બુધવારથી ભક્તો માટે મંદિર પ્રાંગણમાં જ ખુલ્લા મુકાયા હતાં. પહેલા દિવસે વડોદરા સહિત 7 જિલ્લામાંથી 1 લાખથી વધુ ભક્તોએ સવારે 8 થી રાતના 11 વાગ્યા સુધી દર્શન કર્યાં હતાં.દર્શનનો નિયત સમય રાતે 8 વાગ્યા સુધીનો હતો,પરંતું ભક્તોનો અવિરત પ્રવાહ જોઈને દર્શનનો સમય વધારાયો હતો. સવારના સમયે મંદિર બહાર દર્શન માટે ભક્તોની 2 કિમી લાંબી લાઈન જોવા મળી હતી.

મંદિર તંત્ર તરફથી પણ ભક્તોને દર્શન માટે અગવડ ન પડે તે માટે પાર્કિંગ વ્યવસ્થા તેમજ વરસાદથી બચવા અને આરામ કરવા ડોમ બનાવવામાં આવ્યાં હતાં. હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહના દર્શન કરવા માટે બુધવારના રોજ વડોદરા જિલ્લો, આણંદ જિલ્લો, ખેડા જિલ્લો, છોટાઉદેપુર જિલ્લો, મહીસાગર જિલ્લો, પંચમહાલ જિલ્લો, દાહોદ જિલ્લોના લોકોને સવારે 8 વાગ્યાથી સમય ફાળવ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવવાના હોવાથી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

છાણી બ્રિજ નીચેથી સોખડા જવાના રસ્તા પરથી જ ટ્રાફિક પોલીસ ટ્રાફિક જામ ન થાય તે માટે ફરજ પર જોવા મળી હતી. સવારથી સોખડા જવાના રસ્તે લક્ઝરી, આઈશર, ટેમ્પો, ગાડીઓ અને બાઈકમાં સવાર થઈ 1 લાખથી વધુ હરિભક્તો હરિધામ મંદિરે પહોચ્યાં હતાં. સમગ્ર સોખડાનો માર્ગ ટ્રાફિક જામ ન સર્જાય તે માટે વન-વે કરી દેવાયો હતો. જોકે ભક્તો જે વાહનોમાં સવાર થઈને આવ્યાં હતાં. તે વાહનોથી મંદિર આસપાસના ખેતરો અને મેદાનો ભરાઈ ગયા હતાં.

ભારત અને કોંગ્રેસ પાર્ટી હંમેશાં તેમની સ્મૃતિનું સન્માન કરશે, સોનિયા ગાંધી ચેરપર્સન, કોંગ્રેસ

હરિપ્રસાદ સ્વામીજીએ લોકોના કલ્યાણ અને આદ્યાત્મિક આરોગ્ય માટે ખાસ કરીને યુવાનોના વિકાસ અને શિક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. હું પ્રાર્થના કરૂ છું કે તેમના આત્માને શાસ્વત શાંતિ મળે. ભારત અને કોંગ્રેસ પાર્ટી હંમેશા તેમની સ્મૃતિનું સન્માન કરશે.(શોક સંદેશ અનુસાર)

સ્વામીજીનું મંદિર પરિસરમાં સ્મૃતિ મંદિર બનશે
હરિધામ સોખડાના સંતોએ જણાવ્યું હતું કે, અક્ષર દેરી ની સામેના લીમડા વન ખાતે હરિપ્રસાદ સ્વામીજીની ઈચ્છા મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જ્યારે ત્યાર બાદ મંદિર પરિસરમાં જ તેમનું સ્મૃતિ મંદિર પણ બનાવશે. ભવિષ્યમાં આ સ્મૃતિ મંદિરમાં હરિપ્રસાદ સ્વામીજીનું એક મ્યુઝીયમ પણ બનાવાની વિચારણા છે.

મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી પણ દર્શને આવશેે
હરિધામ સોખડા મંદિર પરિસરમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ મહેમાનો અને મહાનુભાવો માટે દર્શનની વ્યવસ્થા રખાઈ છે.આ બંને દિવસમાં મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી, ભાજપના કેન્દ્રિય મંત્રીઓ મંદિર ખાતે દર્શને પહોંચે તેવી સંભાવના છે.

આજે આ હરિભક્તો દર્શન માટે અાવશે...

  • સવારે 8 થી 12: મુંબઈ શહેર,પુણે,નેત્રંગ તાલુકો,નર્મદા જિલ્લો,બેંગ્લોર મંડળ તેમજ દક્ષિણ ભારત.
  • 12 થી 4: સુરત શહેર,ચોર્યાસી તથા જલાલપોર તાલુકો,બારડોલી,કામરેજ,ઓલપાડ,નવસારી તાલુકો,તાપી જિલ્લો,ખેરગામા તાલુકો,વલસાડ,ડાંગ જિલ્લો
  • સાંજે 4 થી રાતે 8: ભરૂચ,અંકલેશ્વર,હાંસોટ તાલુકો

પાણી પુરવઠા મંત્રી, મેયર સહિતના નેતા દર્શને પહોંચ્યા
રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, મેયર કેયુર રોકડીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ સહિત કોંગી કાર્યકરો દર્શને પહોંચ્યા હતા.શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ, ,ધારાસભ્ય જે. વી. કાકડીયા,સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ,આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, પ્રદેશ ભાજપા પ્રવક્તા ડૉ. ભરત ડાંગર તેમજ જગન્નાથ મંદિરના મહંત દીલિપદાસજી મહારાજ પણ સોખડા પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...