લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં:વડોદરામાં છાણી નર્મદા કેનાલ પાસે ખુલ્લામાં જોખમી મેડિકલ વેસ્ટના ઢગલો થઇ ગયો, કોણ ફેંકી ગયુ તેનું રહસ્ય અકબંધ

વડોદરા22 દિવસ પહેલા
નર્મદાના પાણીની કેનાલ પાસે જ જોખમી મેડિકલ વેસ્ટ હોવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યા છે.
  • એક કિલોમીટર સુધી કેનાલની ધારે આશરે 20 ડમ્પર ભરાય તેટલો મેડિકલ વેસ્ટ ફેંકી દેવાયો

વડોદરા શહેરનો પ્રવેશ દ્વારા ગણાતા છાણી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલના કિનારા પાસે જ મેડિકલ વેસ્ટના ઢગલા ઠાલવવામાં આવ્યા છે. આશરે એક કિલોમીટર સુધી કેનાલની ધારે આશરે 20 ડમ્પર ભરાય તેટલો આ મેડિકલ વેસ્ટ કોણ નાખી ગયું તે રહસ્ય છે. આ એ જ કેનાલ છે, જ્યાંથી કોર્પોરેશનના ખાનપુર પ્રોજેકટથી શહેરના દક્ષિણ વિસ્તારોને પીવાનું પાણી મળે છે. અત્રે નોંધનીય છે કે નર્મદાના પાણીની કેનાલ પાસે જ જોખમી મેડિકલ વેસ્ટ હોવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યા છે.

અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા
વડોદરા શહેરના છાણી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલ પાસે ઠાલવવામાં આવેલા મેડિકલ વેસ્ટમાં ઇન્જેક્શનની ખાલી બોટલો અને ટેસ્ટ ટ્યુબનો સમાવેશ થાય છે. આટલો વિપુલ જથ્થો કોણ નાખી ગયું તે મુદ્દે તપાસ કરવા વોર્ડ નં-1ના કોંગ્રેસના કોર્પોરેટરોએ સ્થળ પર જઈને જોતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેઓએ કોર્પોરેશનના અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા હતા. મેડિકલ વેસ્ટ કેનાલથી થોડે દૂર છે. જો કોઈ કેનાલમાં નાખી દે તો પાણી પણ દવા અથવા કેમિકલવાળું દૂષિત થઈ જાય તો લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઉભો થઈ શકે તેમ છે.

એક કિલોમીટર સુધી કેનાલની ધારે આશરે 20 ડમ્પર ભરાય તેટલો મેડિકલ વેસ્ટ ફેંકી દેવાયો
એક કિલોમીટર સુધી કેનાલની ધારે આશરે 20 ડમ્પર ભરાય તેટલો મેડિકલ વેસ્ટ ફેંકી દેવાયો

કેનાલ નજીકનો વિસ્તાર ડમ્પિંગ યાર્ડ બની ગયો
કેનાલ પાસે ખાળ કુવા નો રગડો તેમ જ બીજો કચરો પણ ખુલ્લો ઠાલવી દેવામાં આવે છે. જેના કારણે કેનાલ નજીકનો વિસ્તાર ડમ્પિંગ યાર્ડ બની ગયો છે. દરમિયાન કોર્પોરેશનના વર્તુળોએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા મેડિકલ વેસ્ટનો નિકાલ કરવા એક એજન્સીને કામ સોંપ્યું છે અને કોઈ પણ મેડિકલ વેસ્ટનો નિકાલ કરવો હોય તો તેનો સંપર્ક કરવો પડે છે. જેની ગાડી આવીને કચરો ભરીને લઈ જાય છે. અટલાદરા ખાતે મેડિકલ વેસ્ટનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરવા વ્યવસ્થા ઊભી કરી છે તે સિવાય બારોબાર નિકાલ થઈ શકે નહીં.

વોર્ડ નં-1ના કોંગ્રેસના કોર્પોરેટરોએ સ્થળ પર જઈને જોતા તેઓ ચોંકી ઉઠ્યા હતા
વોર્ડ નં-1ના કોંગ્રેસના કોર્પોરેટરોએ સ્થળ પર જઈને જોતા તેઓ ચોંકી ઉઠ્યા હતા
અન્ય સમાચારો પણ છે...