તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તમ કામગીરી:ડભોઇની શિક્ષિકાએ પહેલા ધોરણમાં પ્રવેશ લીધેલા બાળકના ઘરે-ઘેર જઈ રોપાં આપીને આવકાર્યા, લોકોને કોરોનાની રસી લેવા પ્રોત્સાહિત કર્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષિકાએ બાળકોના શાળા પ્રવેશ ઉત્સવ અને આનંદનો અવસર બનાવવાની પરંપરા સ્થાપી

શિક્ષક એને કહેવાય જેના હૃદય અને માનસમાં નિરંતર શાળાના વિકાસ અને બાળકોના ઉત્કર્ષની વિચારધારા અને ચિંતન સતત વહેતું રહે. ડભોઇ તાલુકાના ગોપાલપુરા ગામે આવેલી નવી વસાહત પ્રાથમિક શાળાના શિક્ષિકા જયા પરમારે ઉપરોક્ત વાતને સાચી ઠેરવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, રાજ્યના મુખ્યમંત્રી તરીકે દર વર્ષે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવતા ભૂલકાઓને સ્નેહપૂર્વક આવકારી, તેમનો શાળા પ્રવેશ ઉત્સવ અને આનંદનો અવસર બનાવવાની પરંપરા સ્થાપી.

બાળકની હાજરીમાં તેનું રોપણ કરાવી
આ વર્ષે કોરોનાના નિયંત્રણોને લીધે શાળા પ્રવેશ યોજી શકાય તેમ ન હોવાથી જયાબેન મૂંઝવણમાં હતા. ત્યાં તેમને એક નવો વિચાર સુઝયો.તેના અમલ માટે તેઓ શાળા મેનેજમેન્ટ કમિટીના અને સીમલીયા બીટના સી.આર.સી.ના સહયોગ અને પ્રોત્સાહનથી ચીકુ અને જામફળીના ફળાઉ રોપા નર્સરીમાંથી લઈ આવ્યા.પછી પહેલા ધોરણમાં પ્રવેશ લીધો છે તેવા પ્રત્યેક બાળકના ઘેર જઈને તેમને રોપાં આપીને આવકાર્યા. એટલું જ નહિ વાલીઓને સમજાવી જે તે બાળકની હાજરીમાં તેનું રોપણ કરાવી,તેને કાળજીપૂર્વક ઉછેરવાનો અનુરોધ કર્યો.

હવાને શુદ્ધ રાખવા વૃક્ષો અગત્યના છે: જયા પરમાર
તેમણે જણાવ્યું કે, શિક્ષણ વિભાગે શાળાઓ બંધ છે પણ શિક્ષણ કાર્ય નહિ એવું સૂત્ર આપ્યું છે. તેને સાર્થક કરવા અને બાળકોના શાળા પ્રવેશને આવકારવા મેં આ રીત અપનાવી અને વાતાવરણ ની હવાને શુદ્ધ રાખવા વૃક્ષો અગત્યના છે એ સંસ્કાર બાળકોમાં દ્રઢ કરવાનો પ્રયત્ન કર્યો છે.નવી વસાહતમાં મોટેભાગે આદિવાસી પરિવારો રહે છે એટલે એમને બાળકોની શાળા શરૂ થઈ ગઈ છે એવો સંદેશ પણ આ પ્રયાસથી મળ્યો છે. તેઓ વાલીઓને કોરોનાની રસી કેમ લેવી જોઈએ તેની સમજાવટ દ્વારા રસી લેવા પ્રોત્સાહિત કરી રહ્યાં છે.તેમણે જણાવ્યું કે, શાળા ભલે બંધ છે પણ જે બાળકોના વાલીઓ પાસે અદ્યતન મોબાઈલ છે, તેઓ તેમના બાળકોને વર્ચ્યુઅલ ક્લાસના માધ્યમથી શિક્ષણ લેવામાં મદદરૂપ બને તે માટે પ્રેરિત કરવાની સાથે જેમના ઘેર ટીવી છે તેઓ ડી.ડી.ગિરનાર પરથી શૈક્ષણિક પ્રસારણ બાળકોને નિયમિત બતાવે એવી જાણકારી આપી છે. જેમના ઘેર મોબાઈલ નથી અથવા સાદો મોબાઈલ છે તેવા બાળકોનો વ્યક્તિગત સંપર્ક કરીને તેમના શિક્ષણની કાળજી લેવામાં આવી રહી છે.

તેની સાથે શિક્ષણ વિભાગે જ્ઞાનસેતુ પુસ્તક ઉપલબ્ધ કરાવ્યા છે. બાળકો તેની મદદથી ભણેલું ભૂલે નહીં તે માટે અગાઉના શિક્ષણનો મહાવરો કરાવવામાં આવી રહ્યો છે.પ્રયોગશીલતા શિક્ષકના લોહીમાં હોવી જોઈએ. બંધ શાળાએ શિક્ષણ કાર્ય ચાલુ રાખવું એ એક પડકાર છે. જયાબેન જેવા રાજ્યના અસંખ્ય શિક્ષક મિત્રો વિવિધ પ્રયોગો અને પ્રયાસો કરી શિક્ષણની ગંગા નિરંતર વહેતી રાખવા સંકલ્પબધ્ધતા સાથે કર્મયોગ કરી રહ્યાં છે.આ સમગ્ર શિક્ષક સમુદાયની નિષ્ઠા સલામને પાત્ર છે.

અન્ય સમાચારો પણ છે...