ડભોઇના યુવકે સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા કરીને ધમકી આપી હતી કે, 'તું મને મળવા માટે નહીં આવે તો હું ધાબા પરથી નીચે પડી જઇશ અને પોલીસ કેસમાં તારૂ નામ લખાવી દઇશ'. આ ઉપરાંત, 'તું મારી સાથે લગ્ન નહીં કરે તો, હું તારા મોઢા પર એસિડ ફેંકી દઇશ' તેવી ધમકી આપી હતી. ડભોઇ પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સોશિયલ મીડિયા પર મિત્રતા થયા બાદ યુવક યુવતીને મળવા બોલાવતો
વડોદરા જિલ્લાના ડભોઇના સ્ટેશન રોડ વિસ્તારમાં બાપુ મોબાઇલના મેડ ઉપર રહેતા જમીલ મકબુલભાઇ જંબુસરીયાએ 6 મહિના પહેલા ડભોઇની અનિશા(નામ બદલ્યુ છે) સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી હતી, ત્યારબાદ યુવકે યુવતીનો મોબાઇલ નંબર માંગી લીધો હતો અને યુવતીને ફોન કરીને મળવા માટે ઘરે બોલાવતો હતો. જોકે યુવતી યુવકને મળવા માટે ના પાડી દીધી હતી.
યુવક પીછો કરીને યુવતીના ઘરે પહોંચીને ધમકી આપતા યુવતી મળવા ગઇ
યુવતીએ મળવા માટે આવવાની ના પાડતા યુવકે યુવતીને ધમકી આપતા કહ્યું હતું કે, 'તું મને મળવા માટે નહીં આવે તો હું ધાબા પરથી નીચે પડી જઇશ અને પોલીસ કેસમાં તારૂ નામ લખાવી દઇશ'. જોકે તેમ છતાં યુવતી યુવાનને મળવા માટે ગઇ નહોતી. જેથી યુવક અવારનવાર યુવતીનો પીછો કરતો હતો અને એક દિવસ યુવતીના ઘરે જઇને ધમકી આપી હતી અને મળવા માટે બોલાવી હતી, જેથી યુવતી યુવકને મળવા માટે ગઇ હતી.
યુવકે જબરદસ્તીથી યુવતી સાથે સેલ્ફી તસવીરો પડાવી લીધી
યુવતી જ્યારે યુવકને મળવા ગઇ તે સમયે યુવકે યુવતીનો હાથ જબરદસ્તીથી પકડી રાખીને તેની પાસે બેસાડી દીધી હતી અને તેના ફોનમાં સેલ્ફી તસવીરો પાડી લીધી હતી. ત્યારબાદ યુવકે યુવતીને કહ્યું હતું કે, તું તારા ઘરે આપણા લગ્ન માટે વાત કર, તારી સાથે તો હું જ લગ્ન કરીશ, જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો, હું તારા મોઢા પર એસિડ ફેંકી દઇશ તેવી ધમકી આપી હતી.
યુવતી મળવા ન જાય તો યુવક તસવીરો વાઇરલ કરીને બદનામ કરવાની ધમકી આપતો
યુવતીએ લગ્નની ના કહેવા છતાં યુવકે યુવતીને ફોન-મેસેજ કરીને હેરાન-પરેશન કરતો હતો અને યુવતી તેના ઘરે મળવા ન જાય તો સેલ્ફી તસવીરો વાઇરલ કરીને સમાજમાં બદનામ કરી દેવાની ધમરી આપતો હતો. જેથી યુવતીએ આ અંગે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ડભોઇ પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને યુવકની શોધખોળ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.