ચિંતા:સિગ્નસ સ્કૂલનો ધો. 6નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 દિવસમાં 3 વિદ્યાર્થીઓ-શિક્ષક કોરોનાગ્રસ્ત થયા
  • પોઝિટિવ ​​​​​​​વિદ્યાર્થીના ક્લાસનું શિક્ષણ 4 દિવસ ઓનલાઇન કરાશે

તાજેદરમાં શહેરની નવરચના હાઇસ્કૂલમાં અભ્યાસ કરતો ધોરણ 8નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હોવાનો ખુલાસો થયા બાદ બાદ વધુ એક સ્કૂલનો વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત થયો છે. શહેરના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનો વધુ એક ખુલાસો થયો છે. ધોરણ 6 (સી)ના આ વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં માત્ર આ જ વર્ગના તમામ પિરિયડ 20 ડિસેમ્બરથી 24મી ડિસેમ્બર સુધી ઓનલાઇન કરવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે એક જ ક્લાસને ઓનલાઇન કરવામાં આવ્યો છે. જ્યારે બીજા ક્લાસ ઓફલાઇનમાં ચાલુ જ રાખવામાં આવ્યા છે.

સ્કૂલે ક્લાસ બંધ રાખવા માટેની કોઇ ગાઇડ લાઇન ન હોવાથી શાળાઓ ક્લાસ ચાલુ રાખી રહી છે. છેલ્લા 10 દિવસ દરમિયાન વડોદરામાં હવે 3 વિદ્યાર્થી-શિક્ષકો પોઝિટિવ આવી ચૂક્યા છે. આ વિદ્યાર્થી ઓમિક્રોન પોઝિટિવ આવેલા દંપતીના ક્લોઝ કોન્ટેક્ટમાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે આ અંગે સત્તાવાર સમર્થન નથી મળતું. આ વિદ્યાર્થી 10મી તારીખ બાદ સ્કૂલે આવ્યો ન હોવાની સ્પષ્ટતા પેરેન્ટ્સ એસોસિયેશન સમક્ષ શાળાનાં આચાર્યા દ્વારા કરવામાં આવી છે. જ્યારે હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દંપતીની હાલત સ્થિર છે.

દિવસ દરમિયાન ઓમિક્રોનનો કોઇ પોઝિટિવ દર્દી નોંધાયો ન હતો. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં હાલમાં ઓમિક્રોનના દર્દીઓની સારવાર માટે માત્ર બે હોસ્પિટલોને જ માન્યતા આપવામાં આવી છે. જેમાં એક હોસ્પિટલ વડસરમાં છે, જ્યારે બીજી હોસ્પિટલ પૂર્વ વિસ્તારમાં છે. હાલમાં આ પૈકી એક જ હોસ્પિટલમાં બે દર્દીઓની સારવાર ચાલી રહી છે.

કોરોનાના નવા 10 દર્દીઓ નોંધાયા 104 સક્રિય દર્દી પૈકી 2 ઓક્સિજન પર
રવિવારે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા 10 જ નવા દર્દી નોંધાયા હતા. શહેરના ગોત્રી, નવીધરતી, તાંદળજા, અકોટા, કપુરાઇ અને વડસર ખાતે આ નવા કેસ આવ્યા હતા. દિવસ દરમિયાન 5,290 નમૂનાઓનું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બીજી તરફ 15 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલમાં કુલ 104 એક્ટિવ દર્દીઓ છે. જેમાં 2ને ઓક્સિજન પર રાખવામાં આવ્યાં છે. શહેરમાં 459 લોકોને ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યાં છે.

બીજી તરફ મ્યૂકોરમાઇકોસિસનો એક પણ નવો કેસ રવિવારે નોંધાયો ન હતો. રવિવારે એક દર્દીને એસએસજી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલમાં એસએસજીમાં 4 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ગત 8મી ડિસેમ્બરે 8 દર્દીઓ નોંધાયા પછી 11 દિવસ બાદ સૌથી ઓછા દર્દીઓ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...