નેતાઓ સાવધાન:સાયબર ઠગે વડોદરાના કોંગ્રેસના બે નેતાઓને કહ્યું- રાહુલ ગાંધીનો PA બોલું છું, વિધાનસભાની ટિકિટ જોઇતી હોત તો રૂપિયા આપો

વડોદરાએક મહિનો પહેલા
તસવીરમાં ડાબેથી ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને સત્યજિત ગાયકવાડ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ સાયબર ઠગો સક્રિય બન્યા છે. વડોદરામાં કોંગ્રેસના બે નેતાઓને ઠગે મેસેજ તેમજ વોટ્સએપ કોલ કરી રાહુલ ગાંધીનો PA બોલું છું. તમારે વિધાનસભાની ટિકિટ જોઇતી હોય તો ખર્ચ આપવો પડશે તેમ કહી બેંક ખાતા નંબર આપી રૂપિયાની માંગણી કર્યાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

સંયુક્ત ફરિયાદ
વિવિધ સ્કીમ કે ઇનામના નામે ઓનલાઇન ઠગાઇ થયાની ફરિયાદો અનેક બની રહી છે. ત્યારે હવે ચૂંટણી ટાણે સાયબર ગઠિયાઓ રાજકીય નેતાઓને પણ ટિકિટના નામે પોતાનો શિકાર બનાવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ચુકી છે ત્યારે વડોદરાના કોંગ્રેસના બે નેતાઓએ રાહુલ ગાંધીના PAના નામે ટિકિટ માટે રૂપિયાની માગણી કરવામાં આવી હોવાની સંયુક્ત ફરિયાદ નોંધાવી છે.

રાવપુરાથી કોંગ્રેસમાંથી લડવું છે?
ફરિયાદમાં જણાવવામાં આવ્યા અનુસાર વડોદરાના વોર્ડ નંબર 16ના કોંગ્રેસના કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવને એક અજાણ્યા નંબરથી વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો કે, Good evening, this side Kanisha singh, PA to Sh. Rahul Gandhiji. please call me. મેસેજ વાંચી ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ)એ તે નંબર પર વોટ્સએપ કોલ કર્યો હતો. જેમાં સામેવાળાએ કોલ રિસિવ કરતાં કહ્યું કે, વર્ષ 2017માં વિધાનસભામાં તમારુ પરફોર્મન્સ સારુ હતું. આ વખતે તમારે રાવપુરા વિધાનસભા ચૂંટણી કોંગ્રેસમાંથી લડવાનું છે? જો કે તે સમયે ચંદ્રકાંત શ્રીવાસ્તવે વિચારીને બીજા દિવસે જવાબ આપીશું તેમ કહી ફોન કટ કરી નાખ્યો હતો.

પ્રિયંકા ગાંધીના મેલ પર બાયોડેટા સેન્ડ કરો
જ્યાર બાદ બપોરના સમયે તે જ નંબર પરથી મિસ કોલ આવ્યો હતો. જેથી ચંદ્રકાંત શ્રીવાસ્તવે સામે ફોન કરતા ઠગે તેમને બાયોડેટા સેન્ડ કરવા કહ્યું હતું. તેમજ પ્રિયંકા ગાંધીનો એક ઇમેલ આઇડી મેસેજ કરુ છું તેના પર તે મોકલી આપજો તેમ કહ્યું હતું. જો કે ચંદ્રકાંત શ્રીવાસ્તવે આવો કોઇ વ્યવહાર કર્યો નહીં અને તેઓ સાવચેત થઇ ગયા હતા.

સત્યજિત ગાયકવાડને પણ ફોન આવ્યો
બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ તેમજ ગુજરાત વિધાનસભાની વાઘોડિયાના કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમજ સત્યજિતસિંહ ગાયકવાડ સાથે પણ આ જ નંબર પરથી ફોન અને મેસેજ આવ્યા હતા. જેથી આ અંગે બંનેની સંયુક્ત ફરિયાદ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

સત્યજિતસિંહ સાથે શું બન્યું?
મંગળવારે સાંજે પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડ પર હું કનિષ્ક સિંહ રાહુલ ગાંધીજીનો પીએ છું એમ કહી સાંજે 7.15 વાગે ફોન આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીની ટીમના કેટલાક ગુપ્ત નિરીક્ષકો આવતીકાલે બરોડા પહોંચી રહ્યા છે અને જો તમે વાઘોડિયા વિધાનસભાની ટિકિટ મેળવવા ઇચ્છતા હોવ તો તમારે તેમના માટે ચૂકવણી કરવી જોઈએ. રહેવા અને થોડી વધારાની રોકડ તમારી ટિકિટને સુનિશ્ચિત કરશે.

રુપિયા મળ્યા પછી ખડગે ફોન કરશે
એકવાર રૂપિયા પ્રાપ્ત થઈ જાય પછી તમને શ્રી ખડગેનો કોલ આવશે. આ વેળા પૂર્વ સાંસદને લાગ્યું હતું કે, ફોન કરનારનો અવાજ કનિષ્કસિંહ કરતા જુદો હતો અને પૂર્વ સાંસદે પૂછ્યું કે તારો અવાજ જાડો કેમ છે? તો તેણે કહ્યું કે પદયાત્રાને કારણે થાકી ગયો હતો. પણ કોંગ્રેસી નેતા કનિષ્કસિંહને લાંબા સમયથી ઓળખે છે અને ઘણી વખત તેમને વાતચીત કરેલી છે. એટલે તે સમજી ગયા હતા કે ફોન કરનાર ગઠિયો છે.

મોરેસિયસની બેંકનું એકાઉન્ટ આપ્યું
ગઠિયાએ પૂર્વ સાંસદને “સ્ટેટ બેંક ઓફ મોરિશિયસ’માં જમા કરાવવાના પૈસા માટે બેંક ખાતાની વિગતો મોકલી હતી. જે શ્રી ના ખાતામાં. રાજબીર કૌર-એકાઉન્ટ નંબર : 20012201222437 IFSC કોડ B0000065 હતી. જ્યારે મેં નકલ કરનારને શાખાનું નામ અને ટ્રાન્સફર કરવાની રકમ માટે પૂછ્યું હતું. ગઠિયાએ બરોડા આવતા નિરીક્ષકો માટે હોટેલોની યાદી આપી હતી ત્યારે નેતાએ કહ્યું કે ગ્રાન્ડ મર્ક્યુરી, સૂર્યા પેલેસ હોટલ સારી છે. તેણે ફરીથી નેતાને હરજાપસિંહ એકાઉન્ટ નંબર 918010015281358 IFSC CODE UTIB0002372 આપ્યો હતો. સત્યજીતસિંહ ગાયકવાડે આ સંબંધમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

કનિષ્કસિંહની સૂચનાથી ફરિયાદ કરી
ગઠિયાના કોલ બાદ પૂર્વ સાંસદે તુરંત દિલ્હી ખાતે રાહુલ ગાંધીના નિકટમ કનિષ્કસિંહનો સંપર્ક કર્યો હતો અને તેમને જણાવ્યું હતું કે, આવો કોઈ કોલ મેં કર્યો નથી પણ આ રીતે હરકત કરનારા સામે પોલીસ ફરિયાદ થવી જોઈએ. એટલે તુરંત મેં સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.