આજે આપણો આપણા માટે કર્ફ્યૂ, સવારે સાત વાગે સાઇરન વાગતાં જ જનતા કર્ફ્યૂની શરૂઆત થશે

કોરોના વાઇરસ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારથી જ સિટીબસ સેવા બંધ કરી દેવામાં આવી છે - Divya Bhaskar
શનિવારથી જ સિટીબસ સેવા બંધ કરી દેવામાં આવી છે
  • આજે કામ વગર બહાર નીકળવાનું ટાળો, જીવન-જરૂરિયાતની ચીજ-વસ્તુઓનું વેચાણ ચાલુ રહેશે, કોઈ ડર રાખવાની જરૂર નથી
  • ના. મુખ્યમંત્રીએ ઉચ્ચ અિધકારીઓ સાથે મિટિંગ યોજી તાગ મેળવ્યો
  • સાંજે 5 કલાકે તાલી પાડી કે થાળી વગાડી અભિવાદન કરાશે
  • 25 માર્ચ સુધી આવશ્યક સેવાઓ સિવાયના તમામ બજારો બંધ રહેશે
  • વેપારીઓનો નિર્ણયઃ બજાર બંધ રહેશે તો પણ કારીગરોને પગાર અપાશે

વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના વાઇરસને ફેલાવવાથી અટકાવવા માટે દેશનાં તમામ નાગરિકોને 22 માર્ચ, રવિવારે સ્વયંભૂ જનતા કર્ફ્યૂ રાખવાની અપીલ કરાઈ છે. જેના પગલે પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા લોકોને રવિવારે કામ વગર ઘરમાંથી ન નીકળવાની સાથે જનતા કર્ફ્યૂમાં સહયોગ આપવાની અપીલ કરી છે. કલેક્ટર શાલિની અગ્રવાલે જનતાને અપીલ કરી છે કે, જનતા કર્ફ્યૂના દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ ચાલુ રહેશે. જેથી લોકો દૂધ, શાકભાજી કે પછી અનાજ ખરીદવા નીકળી શકશે. પરંતુ તેના માટે શહેરીજનોને પેનિક થવાની જરૂર નથી. જ્યારે 60 વર્ષથી વધુ વય ધરાવતાં વડીલો અને બાળકોને ઘરમાંથી બહાર ન નીકળવા પણ અપીલ કરાઈ છે. આજે જનતા કર્ફ્યૂ બાદ આગામી 25 તારીખ સુધી રાજ્યમાં લોકડાઉન જાહેર કરાતાં જીવન જરૂરિયાત  સિવાયની તમામ ચીજો માટેના બજારો બંધ રખાશે.માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રાખવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે મીટિંગ કરી
વડોદરાની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે એસએસજીની મુલાકાત લીધા બાદ કલેક્ટર કચેરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી. ત્યાર બાદ તેમણે લોકોને જનતા કર્ફ્યૂ  બાદ પણ જરૂર ન હોય તો બહાર ન નીકળવાની આદત પાળવા તેમજ 15 દિવસ વધુ ક્રિટીકલ હોવાનું જણાવી અપીલ કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી કે, પોલીસ બંદોબસ્ત છે તે વિસ્તારમાં પાર્કિંગ ન થાય, બે પોલીસ કર્મી વચ્ચે પૂરતું અંતર જળવાઇ અને દાખલ હોય તે અંદરથી બહાર ન જાય તેનું ખાસ ધ્યાન રખાય. ફરજ પર હોય તેવા મેડિકલ સ્ટાફ સિવાયના લોકોને પ્રવેશ ન અપાય તે જોવા જણાવ્યું હતું. કોરોનાના દર્દી સાથે સંપર્કમાં હોય તેવા લોકો માસ્ક પહેરે, સેનિટાઇઝરનો ઉપયોગ કરવા સહિતના પગલા ભરવા અનુરોધ કર્યો હતો.

લોકો તાળીઓ પાડીને અભિવાદન કરશે
આ ઉપરાંત 22 માર્ચે સવારે 6:59 થી 7:00 કલાકે એક મિનિટ સુધી સાઇરન વગાડાશે, જે બંધ થાય ત્યારથી જનતા કર્ફ્યૂ શરૂ થશે. જ્યારે રાતે 8:59થી 9:00 વાગ્યા સુધી ફરી સાઇરન વાગશે, જે સાથે જનતા કર્ફ્યૂ પૂરું થશે. બપોરે 4:59 થી 5:00 સુધી સાઇરન વાગશે, જે બંધ થાય કે પાંચ મિનિટ સુધી વાઇરસને અટકાવવા સાથે જોડાયેલા સરકારી કર્મચારી, તબીબો, પોલીસ સહિતના લોકોનું અભિવાદન કરવા નાગરીકો ઘરના બારણે, બાલ્કનીમાં તાલીઓ પાડી, થાળી વગાડીને કે ઘંટડી વગાડશે.

સિટી બસનાં પૈડાં થંભી ગયાં, ડેપોમાં મુસાફરોને બદલે બસોનો જમાવડો
શહેરમાં રવિવારે જનતા કર્ફ્યૂ માં સહયોગ આપવા માટે સિટી બસ સેવા પૂરી પાડતી વિનાયક લોજિસ્ટિક દ્વારા તમામ બસો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારના 62 રૂટ પર રોજ 1.25 લાખ મુસાફરોનું પરિવહન કરતી આ બસો રવિવારના રોજ સ્ટેશન પાસેના સીટી બસ સ્ટેન્ડ પર પાર્ક કરવામાં આવતા મુસાફરને બદલે સીટી બસનો જમાવડો થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસને પગલે શહેરમાં 144 કલમ લાગુ કરવામાં આવી છે. જેને કારણએ શનિવારના રોજથી જ શહેરના વિવિધ રૂટ પર ફરતી સિટી બસની ફ્રિકવન્સી ઘટાડી દેવામાં આવી હતી.

7 ફ્લાઇટ, ટ્રેન, બસ બંધ: રિક્ષા બંધ રાખવા અપીલ
શહેરમા જનતા કર્ફ્યૂ માં ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા ટેકો જાહેર કરાતા રવિવારે 12500 ટ્રક-ટેન્કરનુ લોડીંગ નહી થાય. આ સાથે એર લાઇન્સ દ્વારા પણ સાત ફ્લાઇટ રદ કરાઈ છે. ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા રોજ શહેરમાંથી 10 હજાર ટ્રક લોડીંગ કરાય છે. તે બંધ રાખવા અને ટેન્કર એસો. દ્વારા 2500 ટેન્કર લોડીંગ નહી કરવા જાહેરાત કરાઇ છે. વેસ્ટન રેલવે દ્વારા 12 ટ્રેન  રદ કરાઈ છે. જ્યારે વડોદરા ડિવિઝનના 28 મેમુ અને ડેમુ ટ્રેન રદ કરાઇ છે.આ સાથે ગુજરાત એસટી વિભાગ દ્વારા તમાંમ બસ બંધ કરાતા વડોદરા ડેપો ખાતે આવતી 100 ડેપોની 1500 બસ નહીં આવે. શહેરના ઓટો રીક્સા એસો. દ્વારા પણ રિક્ષા ચાલકોને રવિવારે બંધ રાખવા અપીલ કરાઇ છે.

મંગળબજાર શનિવારથી જ બંધ જનતા કર્ફ્યૂને વેપારીઓનું સમર્થન  
વડોદરાઃ મંગળ બજારના વેપારીઓએ શનિવારે સંપૂર્ણ રીતે બજાર બંધ કરી દીધું હતું. રવિવારે જનતા કર્ફ્યૂ માં પણ વેપારીઓએ ટેકો જાહેર કરીને બજાર સદંતર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યાં સુધી બજાર બંધ રહશે ત્યાં સુધી વેપારીઓએ તેમના ત્યાં કામ કરતા કારીગરોને પગાર ચૂકવાનો નિર્ણય કર્યો છે. શહેરના મુખ્ય બજાર ગણતા મંગળ બજારમાં આવેલી 500 જેટલી દુકાનો બંધ કરી દેવાઈ છે. શનિવારે વેપારીઓએ મંગળ બજારની તમામ દુકાનો બંધ રાખી હતી. વેપારીઓએ રવિવારે પણ જનતા કર્ફ્યૂમાં દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સોમવારે બજાર બંધ હોય છે. હવે લોકડાઉનના કારણે 25મી સુધી બજાર બંધ રહેશે. મંગળ બજાર વેપારી એસોસીએશનના પ્રમુખ જય ઠાકોરે જણાવ્યું હતું કે, મંગળ બજારના તમામ વેપારીઓ હાલની સ્થિતીને ધ્યાનમાં રાખીને સરકારના દરેક નિર્ણયનું પાલન કરશે. વેપારીઓ સરકાર જ્યાં સુધી આદેશ કરશે ત્યાં સુધી દુકાનો નહિ ખોલે. જેટલા દિવસ દુકાનો બંધ રહેશે તેટલા દિવસ જેટલા પણ વેપારીઓના ત્યાં રોજીંદા કારીગરો કામ કરતા હશે તે તમામને પગાર ચૂકવાશે.

GIDCની કંપનીઓ 31મી સુધી બંધ, કર્મીઓને વેતન અપાશે
ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ, કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયા ટ્રેડર્સ તેમજ વડોદરા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જનતા કર્ફ્યૂ ને સમર્થન અપાયું છે. આ સાથે જ વીસીસીઆઈએ જીઆઈડીસીમાં આવેલી કંપનીઓ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે વર્કરોને વેતન અપાશે. એફજીઆઇના નિતેષ પટેલે જણાવ્યું હતું કે, અમારી ફોરમ સાથે સંકળાયેલી 500થી વધુ કંપની યુનિટને જનતા કર્ફ્યૂ માં જોડાવવાની અપીલ કરાઈ હતી. તેની સાથે સીએઆઇટીના વડોદરાના કન્વીનર પરેશ પરીખ વિદેશ હોવા છત્તાં તેમણે વેપારીઓને જોડાવવાની અપીલ કરી હતી અને સંસ્થાના અન્ય હોદ્દેદારો દ્વારા જનતા કર્ફ્યૂ ના સમર્થનમાં મિટીંગનું આયોજન પણ કર્યું હતું.

રજામાં કર્મીઓને વેતન આપશે
બીજી તરફ વીસીસીઆઈના માનદ મંત્રી હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, શહેરની એમએસએમઈના તમામ યુનિટો તેમજ ફેક્ટરીઓને 31 માર્ચ સુધી લોકડાઉન કરવા નિર્ણય લેવાયો છે. જ્યારે ફેક્ટરીઓના માલિકો આ રજામાં પણ કર્મચારીઓને વેતન આપશે. બીજી તરફ જ્વેલર્સ એસોસિયેશન દ્વારા કોરોનાને અટકાવવા માટે 22 માર્ચથી 25 માર્ચ સુધી સ્વૈચ્છિક બંધ પાળવાની અપીલ સૌ જ્વેલર્સના માલિકોને કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય એસોસિયેશન જેવા કે, કપડાની દુકાનો તેમજ વાસણ બજાર પણ આ બંધમાં સહકાર આપશે.

લોકડાઉનને કારણે બજારો બંધ રહેશે
સાડી-ડ્રેસના વેપારીઓએ 24 માર્ચ સુધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો પરંતુ રાત્રે સરકારે 25 માર્ચ સુધી લોકડાઉન જાહેર કરતાં ત્યાં સુધી દુકાનો બંધ રહેશે. શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા તમામ કોમર્શિયલ કોમ્પ્લેક્સના મોટા વેપારીઓએ તેમની સાડી-ડ્રેસની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સાડીના વેપારી અનિલ શાહે જણાવ્યું હતું કે સાડી, ડ્રેસ, ચણીયા ચોળીના 70થી વધારે વેપારીઓએ 24મી માર્ચ સુધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. અલકાપુરી, એમ.જી.રોડ, રાવપુરાના વેપારીઓએ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 24મી માર્ચ પછી પણ જો પરિસ્થિતિમાં સુધારો નહિ હોય તો બંધ રાખવામાં આવશે. સરકાર જે આદેશ આપશે તે પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. 

આજે શું બંધ રહેશે
ટ્રાન્સપોર્ટઃ શહેરી બસ સેવા શનિવાર સાંજથી જ બંધ થઈ ગઈ છે. જ્યારે એસટી બસ રાત્રે વાગ્યાથી બંધ કરાઈ છે. આ ઉપરાંત ટ્રેન સેવા તેમજ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફલાઈટો પણ સ્થગિત કરાઈ છે. શહેરના રિક્ષા એસોસિએશને પણ બંધની જાહેરાત કરી છે.
રેસ્ટોરાં-હોટેલઃ શહેરભરની રેસ્ટોરાં-હોટેલ, રાત્રિ બજાર, ખાણીપીણી બજાર, નાસ્તાની લારીઓ પણ બંધ રહેશે.
મોલ-મલ્ટિપ્લેક્સઃ શહેરના તમામ મોલ જનતા કરફ્યૂને લીધે બંધ રહેશે. મલ્ટિપ્લેક્સ 25 માર્ચ સુધી બંધ રહેશે તેમજ લોકડાઉનનો સંપૂર્ણ અમલ કરાશે.
વેપાર-ઉદ્યોગઃ શહેરભરની દુકાનો અને બજારો, કેટલાક ઉદ્યોગો 25મી માર્ચ સુધી બંધ રહેશે. કારના શો-રૂમ પણ બંધ પાળશે. આંગડિયા સેવા બંધ રહેશે. ગુજરાત ટીમ્બર મર્ચન્ટ એસોસિએશન સાથે જોડાયેલા વેપારીઓ જનતા કરફ્યૂનું પાલન કરશે. કટલરી અને જનરલ મરચન્ટ બજારો બંધ રહેશે. 

આજે શું ચાલુ રહેશે?
પેટ્રોલ પંપ, દવાની દુકાનો, હોસ્પિટલ, એમ્બુલન્સ, અમૂલ પાર્લર, દૂધની દુકાનો સહિતની આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. 

આ સેવા ઓનલાઈન
રાંધણ ગેસ, બેન્કિંગ, ઈન્સ્યોરન્સ, ઈલેક્ટ્રિસિટી, એલઆઈસી 

પોલીસઃ જનતા કર્ફ્યૂનું સંપૂર્ણ પાલન કરી બહાર નીકળવાનું ટાળો
કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને લોકો 22 તારીખે રવિવારે જનતા કરફ્યુનું પાલન કરી ઘરની બહાર ના નીકળે તે માટે વડોદરા શહેર પોલીસની તમામ પીસીઆર વાન શનિવારે શહેરના તમામ વિસ્તારોમાં ફરતી જોવા મળી હતી. પીસીઆર વાનમાં લગાવાયેલી પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરીને પોલીસે લોકોને અપીલ કરી હતી કે લોકો સ્વૈચ્છીક જનતા કર્ફ્યૂ નું પાલન કરી ઘરની બહાર નીકળવાનું ટાળે.

ખરીદીઃ હાથીખાના માર્કેટમાં દિવસભર લોકોનો ધસારો રહ્યો
રવિવારના રોજ જનતા કરફ્યુના માહોલ વચ્ચે શનિવારે શહેરની મધ્યમાં આવેલા શહેરના સૌથી મોટા અનાજ કરિયાણાના હોલ સેલ માર્કેટમાં લોકોએ ખરીદી માટે ધસારો કર્યો હતો. માસ્ક પહેરેલા લોકો હાથીખાના માર્કેટમાં જોવા મળ્યા હતા. 

સંસ્થાઃ સિનિયર સિટિઝન ફેડરેશન અને અન્ય સંસ્થાઓ દ્વારા બંધની અપીલ 
જનતા કર્ફ્યૂમાં જોડાવા સિનિયર સિટીઝન ફેડરેશન દ્વારા તેમની સહયોગી સંસ્થાઓને અપીલ કરાઇ છે. કારેલીબાગની સિનિયર સિટીઝન સંસ્થા, બરોડા નેશનલ યુનિટી કમીટી,જમીયતે ઉલમાએ હિંદ રવિવારે બંધ પાળશે. તેમજ અનેક અન્ય સંસ્થાઓને સહયોગ આપવા સોશિયલ મિડીયા દ્વારા અપીલ કરાઇ છે. 

અન્ય સમાચારો પણ છે...