ફરારી જાહેરનામું:ક્રૂડ ઓઇલ ચોર અમરસિંહને 13 જુલાઇ સુધી હાજર થવા આદેશ

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમરસિંહ - Divya Bhaskar
અમરસિંહ
  • પકડમાં નહીં આવતાં પીસીબીની અદાલતમાં ધા
  • CRPC 82 મુજબ કાર્યવાહી માટે મંજૂરી, હાજર ન થાય તો મિલ્કતોની હરાજી કરાશે

જુદા જુદા રાજ્યોના અંતરિયાળ વિસ્તારોમાંથી પસાર થતી ક્રૂડ ઓઇલની પાઇપમાં કાણું પાડીને ઓઇલ ચોરવાના કૌભાંડનો માસ્ટર માઈન્ડ અમરસિંહ લાંબા સમયથી પોલીસને હાથ નહીં લાગતાં હવે તેની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અંગે અદાલતમાંથી મંજૂરી માટે અરજી દાખલ કરવામાં આવી હતી, જેનો નિર્ણય લેવાયો છે અને સીઆરપીસી કલમ 82 મુજબનું ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરી આગામી 13 જુલાઈ સુધી કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે. જો તે હાજર નહીં રહે તો મિલકત જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગત વર્ષે જુલાઈ માસમાં પીસીબીના પીઆઇ જે જે પટેલ અને ટીમે ક્રૂડ ઓઈલની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ ટોળકી વડોદરા શહેરની હદમાં આવેલા રાયપુરા ગામ પાસે અોઅેનજીસીની ઓઈલ પાઈપ લાઈનમાં પંક્ચર પાડીને ઓઈલ કાઢતી હતી. પીસીબીએ આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ ટોળકી વડોદરા શહેર નજીકથી ઓએનજીસીની ઓઇલ પાઇપ લાઇનમાં પંક્ચર પાડીને ટેન્કરમાં તેલ ભરતા હતા. જ્યાંથી બે ટ્રક, એક ટેન્કર અને 20 હજાર લિટર તેલ મળી આવ્યું હતું.

જેમાં મુખ્ય આરોપી તરીકે અમરસિંહનું નામ બહાર આવ્યા બાદ તેની શોધખોળ શરૂ થઇ હતી. પોલીસે તેના નિવાસસ્થાન તેમજ વતન રાજસ્થાનના ગામ જઇ તપાસ કરી હતી, જ્યાં તેનાં મા-બાપ અને ભાઈ રહે છે. જોકે અમરસિંહ ન ઝડપાતાં તેની પત્ની અને પુત્રની પણ મામલામાં સંડોવણી બહાર આવતાં પોલીસે તેમને પણ ઝડપી લીધાં હતાં.

બાદમાં તેમનો જામીન પર છુટકારો થયો હતો, પરંતુ મુખ્ય આરોપી પોલીસથી ભાગતો રહી ભૂગર્ભમાં જતો રહેતાં સીઆરપીસી 70 મુજબની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી હતી. તેમ છતાં અમરસિંહ પોલીસની પકડથી દૂર રહેતાં હવે સીઆરપીસી 82 મુજબની કાર્યવાહી હાથ ધરવા માટે અદાલતમાં મંજૂરી માગી હતી, જે ગ્રાહ્ય રખાઇ છે.

અન્ય સમાચારો પણ છે...