સહાયનાં ફોર્મ વિતરણ શરૂ:SSGમાં ડેથ સર્ટિ લેવા ભીડ ઉમટી, મૃતકોના સગાને બોલાવવા 34 અર્બન સેન્ટરને રોજ 25 કોલનો ટાર્ગેટ

વડોદરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય આપવા માટેની કામગીરીનો અાખરે શહેર-જિલ્લામાં ધમધમાટ શરૂ
  • પ્રથમ દિવસે જ સયાજી હોસ્પિટલમાં 100થી વધુ ડેથ સર્ટિફિકેટ અપાયાં, ડોક્યૂમેન્ટ્સના અભાવે કેટલાકનો ફેરો માથે પડ્યો

કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને આર્થિક સહાય આપવા માટેની કામગીરીનો ધમધમાટ વડોદરા શહેર-જિલ્લામાં ગુરુવારથી શરૂ થયો હતો. અર્બન હેલ્થ સેન્ટરમાં અને જિલ્લાની મામલતદાર કચેરીઓ ખાતે સહાય માટેના ફોર્મનું વિતરણ શરૂ થયું હતું. જ્યારે એસએસજી ખાતે ડેથ સર્ટિફિકેટ લેવા માટે આવાનારા લોકોની ભીડ ઉમટી પડી હતી. બીજી તરફ અર્બન હેલ્થ સેન્ટર્સના કર્મચારીઓને રોજના 25 કોલ કરીને કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને બોલાવવાના આદેશો અપાયો છે.

અન્ય શહેરોની સરખામણીમાં વડોદરામાં મોડે મોડે કોરોનાનામૃતકોની સહાય માટેના ફોર્મ નું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કોરોનાથી સત્તાવાર 623 મૃત્યુ નોંધાયા છે. જયારે બિન સત્તાવાર અાંક 3 હજારથી વધુ હોવાનું મનાય છે. એસએસજી હોસ્પિટલમાં સવારથી જ કોરોનાની સહાયનું ફોર્મ ભરવા માટે રેકર્ડ વિભાગમાં જરૂરી ડેથ સર્ટિફિકેટ લેવા લાઇનો લાગી હતી. જ્યારે બપોરે 4 વાગ્યા બાદ ફરી કામગીરી શરૂ થઇ ત્યારે રીતસરની ભીડ એકઠી થઇ ગઇ હતી.

બેસવા માટેની કોઇ વ્યવસ્થા ન હોવાથી એકથી સવા કલાક લોકોને સર્ટિફિકેટ માટે ઊભા રહેવાની ફરજ પડી હતી. જોકે કેટલાક મૃતકોની ફાઇલો ઝડપથી મળી જતાં 20 મિનિટમાં જ સર્ટિફિકેટ મળી ગયા હતા. એસએસજીમાં સવારના 10.30થી 12.30 અને બપોરે 4.00થી 6.00 દરમિયાન ડેથ સર્ટિફિકેટ આપવાની કામગીરી ચાલી રહી છે.

અર્બન હેલ્થ સેન્ટરના સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ તેમની પાસે મૃતકોના કોરોના પોઝિટિવ રિપોર્ટની વિગતો હોય છે.આ સાથે તેમના અર્બન હેલ્થ સેન્ટર અંતર્ગત આવતી વસ્તીમાં કેટલા લોકો મૃત્યુ પામેલા છે તેમની પણ વિગત હોય છે વધુમાં તેમને સરળતા પડે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તેમને યાદી પણ સુપ્રત કરવામાં આવી છે તેમાં રહેલા ફોન નંબર દ્વારા મૃતકોના સ્વજનો ને ફોન કરવાનું શરૂ કરાયું છે. જેમાં ગુરુવારે આરોગ્ય કેન્દ્રો અને મામલતદાર કચેરીએથી 750 મૃતકોના પરિવારજનોને ફોન કરાયા હતા.

કોરોનાના મૃતકોના પરિવારજનોને અપાનારી સહાય માટે સૌથી અગત્યના ડોક્યુમેન્ટ પૈકીનું એક ડેથ સર્ટિફિકેટ છે. એસએસજીમાં આ સર્ટિફિકેટ્સના વિતરણ માટે નાની જગ્યામાં સંખ્યાબંધ લોકો એકઠા થયા હતા. સર્ટિ મળવાની સાથે સહાય તરફનું એક કદમ પૂરું થતાં લોકો હાશકારો વ્યક્ત કરતા હતા.

અર્બન હેલ્થ સેન્ટર અને મામલતદાર કચેરીએથી ફોર્મ મેળવીને ભરી શકાશે
કોવિડ મહામારીના કારણે મૃત્યુ પામેલા નાગરિકોના વારસદારોને સહાય માટેના ફોર્મ શહેરના 34 અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી મેળવી શકાશે અને સંપૂર્ણ વિગતો સાથે ભરેલા ફોર્મ ત્યાં જ જમા કરાવવાના રહેશે. જિલ્લામાં આ કામગીરી સંબંધિત મામલતદાર કચેરી ખાતે કરવામાં આવશે.

ડેથ સર્ટિફિકેટ માટે પણ ~300નો ખર્ચ કરવો પડ્યો
​​​​​​​કોવિડથીં માતાના મૃત્યુ થયું હતું. સહાય માટે બીજો કોઇ હકદાર નથી એવું નોટરી કરાવવા રૂ.300 ખર્ચ થયો.> અજય નિકમ, કારેલીબાગ

સમયની જાણ ન હોવાથી 4 કલાક રાહ જોવી પડી
સમલાયાથી સર્ટિ લેવા એસએસજી આવ્યો હતો. 5 મિનિટ લેટ થતાં ચાર કલાકની રાહ જોવાનો વારો આવ્યો છે.
> વિમલ શર્મા, સમલાયા.

કોરોના થયાના 30 દિવસમાં થયેલું મૃત્યુ પોઝિટિવ ગણાશે
​​​​​​​પ્રશ્ન : કોવિડથી મરણ થયું હોય તે મુજબનું પ્રમાણપત્ર ન હોય તો ?

જવાબ : જે વ્યક્તિનો RTPCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય અને 30 દિવસમાં જ તેનું મૃત્યું થયું હોય, તો તે કેસને પોઝિટિવ ગણાશે. વહીવટી તંત્ર કોવિડ ટેસ્ટ રિપોર્ટના આધારે અને મરણના દાખલાના આધારે જ મરણ કોવિડથી થયું છે કે કેમ તે જાણી લેશે.આમ આ કિસ્સામાં ફોર્મ 4 અને ફોર્મ 4 એ લાવવાની જરૂર નહીં પડે.
દર્દી હોસ્પિટલમાં 30 દિવસથી વધુ રહ્યો હોય તેવા કિસ્સામાં શું કરાશે ?
કોરોના પોઝિટિવ દર્દી 30 દિવસથી વધુ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ મૃત્યુ પામ્યો હશે,તો તેવા કિસ્સામાં કોવિડ ટેસ્ટ માન્ય રાખવામાં આવશે.
જો કોઈ કોવિડ દર્દીનું ઘરે મૃત્યુ થયુ હોય તો શું કરવાનું રહેશે ?
જો કોઈ કોવિડ પોઝિટિવ વ્યક્તિનું ઘરે મૃત્યુ થયુ હશે તો તેવા કેસમાં જે તે મૃતકના સ્વજનોને ફોર્મ 4 કે 4 (એ) એટલે કે તબીબી પ્રમાણપત્ર આપવાનું રહેશે. જેમાં તેમને કમિટીમાં જવું પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...