તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહીશો વિફર્યા:ટ્રાન્સફોર્મરમાંથી નીકળેલું ઓઇલ પાણીમાં ભળ્યું, દૂષિત પાણીથી 3 મહિલાનાં મોતના આક્ષેપ સાથે ટોળાની વોર્ડ ઓફિસમાં તોડફોડ

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
નાગરવાડા બ્રિજ પાસે આવેલી વોર્ડ 8ની કચેરીમાં થયેલી તોડફોડના પગલે સલાટવાડા તરફ અવર-જવર કરતો ટ્રાફિક લગભગ અડધો કલાક સુધી ખોરવાઈ ગયો હતો. માળી મહોલ્લાના 20 જેટલા રહીશોએ ગુરુવારે સવારે વોર્ડ કચેરીમાં તોફાન મચાવી દીધું હતું અને કરેલી તોડફોડ બાદ ટોળાં પણ જામ્યાં હતાં. બીજી તરફ પાલિકાએ ટેન્કર મોકલતા પાણી લેવા કતારો પણ પડી હતી. - Divya Bhaskar
નાગરવાડા બ્રિજ પાસે આવેલી વોર્ડ 8ની કચેરીમાં થયેલી તોડફોડના પગલે સલાટવાડા તરફ અવર-જવર કરતો ટ્રાફિક લગભગ અડધો કલાક સુધી ખોરવાઈ ગયો હતો. માળી મહોલ્લાના 20 જેટલા રહીશોએ ગુરુવારે સવારે વોર્ડ કચેરીમાં તોફાન મચાવી દીધું હતું અને કરેલી તોડફોડ બાદ ટોળાં પણ જામ્યાં હતાં. બીજી તરફ પાલિકાએ ટેન્કર મોકલતા પાણી લેવા કતારો પણ પડી હતી.
  • અઠવાડિયામાં 2 મહિલાનાં મોત, માળી મહોલ્લામાં વધુ એક મહિલાનું ઝાડા-ઊલટીથી મોત થતાં લોકો રોષે ભરાયા
  • વારંવારની રજૂઆતો બાદ પણ નિરાકરણ ન આવતાં રહીશો વિફર્યા
  • વોર્ડ 8ની કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : પાલિકાએ ટેન્કરથી પાણી પહોંચાડ્યું

ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે પાલિકાના વોર્ડ 8ની કચેરીની સામે જ એક મહિલાનું દૂષિત પાણીના કારણે મોત નિપજતાં રોષે ભરાયેલા લોકોએ કચેરીમાં હલ્લો બોલાવ્યો હતો અને નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીમાં તોડફોડ કરીને કમ્પ્યૂટરને પણ ફંગોળ્યું હતું. આ બનાવના પગલે કચેરીમાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો શહેરના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણીના ઉપયોગથી વિસ્તારમાં બીમારી વકરી છે અને કેટલાક લોકો મોતને પણ ભેટ્યા છે.

નાગરવાડા, માળી મહોલ્લો, સલાટવાડા અને બાવનચાલ સહિતના વિસ્તારોમાં દોઢ મહિનાથી દૂષિત પાણીની સમસ્યા વકરી હોવાનો આક્ષેપ થયો હતો. ખાસ કરીને દુર્ગંધ મારતા દૂષિત પાણીનો ઉપયોગ કરવાથી વિસ્તારના રહીશો જીવલેણ બીમારીમાં સપડાયા છે અને 15 જેટલી વ્યક્તિ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જ્યારે 1 અઠવાડિયામાં જ ત્રણ મહિલાનાં મોત નિપજ્યાં હોવાનો પણ આક્ષેપ થયો છે. ટોળાની તોડફોડના પગલે વોર્ડ કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

દૂષિત પાણીની સમસ્યા અંગે માળી મહોલ્લાનાં સ્થાનિક રહીશોએ વહીવટી વોર્ડ નંબર 8ની કચેરી ખાતે અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી પણ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ દરમિયાન વધુ એક સ્થાનિક મહિલાનું મોત નિપજતાં વિફરેલા વિસ્તારના રહીશોએ વહીવટી વોર્ડ નંબર 8ના વરસાદી ગટરની જવાબદારી ધરાવતા નાયબ કાર્યપાલક ઇજનેર રામજી રબારીની ચેમ્બરમાં તોડફોડ કરી હતી.

આ બનાવના પગલે કારેલીબાગ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ સંભાળી હતી. આ દરમિયાનમાં મળતી માહિતી મુજબ, તાજેતરમાં આવેલા વાવાઝોડાના કારણે કોઠી કચેરી પાસે વીજ કંપનીના ટ્રાન્સફરમાં ધડાકો થયો હતો અને તેમાંથી ઓઈલનું લીકેજ મોટાપાયે થયું હતું અને તે નજીકના પાણીના વાલ્વમાં ભળ્યું હતું અને આવું ઓઇલની ગંધ મારતું કાળું પાણી સલાટવાડા, નાગરવાડા અને માળી મહોલ્લાના ઘરોના નળોમાં આવતાં હોબાળો મચી ગયો હતો. જે અંગે પાલિકાનું તંત્ર મોડા સુધી અંધારામાં રહ્યું છે.

રોષે ભરાયેલા લોકોની હૈયાવરાળ અધિકારીઓ-કોર્પોરેટર ચોર છે
ગંદા પાણીએ મહિલાનો ભોગ લેતાં રોષે ભરાયેલા ટોળાએ એવોર્ડ કચેરીની બહાર જ અધિકારીઓ ચોર છે, કોર્પોરેટર ચોર છે. ખાલી વોટ લેવા માટે જ આવે છે, તેવી હૈયા વરાળ ઠાલવી હતી. નવાઇની વાત તો એ છે કે, વોર્ડ કચેરીની નીચેના ભાગે સિક્યુરિટી બંદોબસ્ત હતો, પણ ટોળું પ્રથમ માળે ગયું ત્યારે સિક્યુરિટીએ તપાસ કરવાની તસ્દી લીધી ન હતી.

એકાએક આ રીતે મોત ન થાય
​​​​​​​ લગભગ બે દિવસ પછી ગંદા પાણીની ફરિયાદ મળી હતી અને તેની તપાસ પણ ચાલી રહી છે, પરંતુ એકાએક ગંદા પાણીના કારણ ઝાડા-ઊલટી થવાથી આ રીતે કોઈ એકનું જ મોત થાય નહીં. તેમ છતાં તંત્ર દ્વારા ચોક્કસ તપાસ કરવામાં આવશે. > શૈલેષ નાયક, ડે.કમિશનર

અન્ય સમાચારો પણ છે...