એજ્યુકેશન:શાળા ખૂલતાં પૂર્વે ખરીદી માટે ભીડ 2 કરોડનાં યુનિફોર્મ-શૂઝનું વેચાણ

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજથી 500 સ્કૂલોમાં 3 લાખ વિદ્યાર્થીના શૈક્ષણિક સત્રનો પ્રારંભ
  • શિક્ષણ સમિતિની 120 શાળા પણ આજથી શરૂ થશે

કોરોનાને પગલે 2 વર્ષથી ઓનલાઇન-ઓફલાઇન વચ્ચે ચાલેલું સત્ર હવે રાબેતા મુજબ શરૂ થશે. શાળાઓમાં 13 જૂનથી સત્રનો પ્રારંભ થનાર છે. શહેર-જિલ્લામાં 500 સ્કૂલોમાં 3 લાખ વિદ્યાર્થી અભ્યાસ માટે જશે. સ્કૂલો ખૂલતાં પહેલાં રવિવારે બજારમાં ભારે ભીડ ઊમટી હતી. યુનિફોર્મ, શૂઝ, સ્ટેશનરી ખરીદવા માટે ધસારો જોવા મળ્યો હતો. શહેરમાં રવિવારે 2 કરોડથી વધુના યુનિફોર્મ-શૂઝનું વેચાણ થયું હતું. શાળાઓમાં 13 જૂનથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. શહેર-જિલ્લામાં 224 ગ્રાન્ડેટ, 263 નોન ગ્રાન્ટેડ શાળા છે.

3 લાખ કરતાં વધારે વિદ્યાર્થી ધોરણ 1 થી 12માં અભ્યાસ કરે છે. કોરોનાને પગલે 2 વર્ષથી શિક્ષણ સૌથી વધુ પ્રભાવિત થયું હતું. બીજી તરફ રવિવારે બજારોમાં યુનિફોર્મ અને સ્ટેશનરીની ખરીદી માટે ભીડ ઊમટી પડી હતી. બે વર્ષ પછી યુનિફોર્મ માર્કેટમાં ઘરાકી નીકળતાં વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો. શિક્ષણ સમિતિની 120 શાળા પણ 13મીથી શરૂ થશે. ધો.1 થી 8માં 36 હજાર જેટલાં વિદ્યાર્થી અભ્યાસ કરે છે. 22મીએ ધોરણ 1 માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટે શાળા પ્રવેશ ઉત્સવ યોજાશે.

યુનિફોર્મમાં 25 ટકા ભાવ વધારો
યુનિફોર્મ વેચતા વેપારીએ જણાવ્યું કે, રો-મટિરિયલ, પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં યુનિફોર્મમાં 25 ટકા ભાવ વધારો થયો છે. જે યુનિફોર્મ 1 હજારમાં મળતો હતો તે 1200માં મળી રહ્યો છે. રવિવારે શહેરમાં 2 કરોડથી વધુના યુનિફોર્મ, સ્કૂલ શૂઝ-મોજાનું વેચાણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...