ક્રાઇમ:30થી વધુના ટોળાનો પરિવાર પર હુમલો : 3 ને ગંભીર ઇજા

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તોફાનીઓ દ્વારા સોસાયટીમાં પાર્ક કરાયેલી બાઇકની પણ તોડફોડ કરવામાં આવી હતી. - Divya Bhaskar
તોફાનીઓ દ્વારા સોસાયટીમાં પાર્ક કરાયેલી બાઇકની પણ તોડફોડ કરવામાં આવી હતી.
  • કરોડિયા રોડ પર રાજસ્થાન સોસાયટીમાં નજીવી બાબતે તકરાર
  • બાઇકની તોડફોડ : રાયોટિંગના બનાવમાં 10ની અટકાયત

કરોડિયા રોડ પર રાજસ્થાન સોસાયટીમાં અગાઉના ઝઘડાની અદાવતે પંજાબીઓના ટોળાએ સરગારા સમાજના પરિવાર પર હથિયારો વડે હુમલો કરતાં ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. જેઓને બાજવા સરકારી દવાખાને ખસેડાયા હતા. પોલીસે રાયોટિંગના ગુના હેઠળ 10 હુમલાખોરોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

કરોડિયા રોડની રાજસ્થાન સોસાયટીમાં ધર્મારામ સરગારા રહે છે. સોસાયટીમાં રહેતો જગદીશ ઉર્ફે દિપુ નહાર સાથે અગાઉ ઝઘડો થયો હતો. જે ઝઘડાની અદાવતે ગઈ કાલે જગદીશ ઉર્ફે દિપુ અને અન્ય ત્રીસ જેટલા શખ્સો હથિયાર સાથે રાજસ્થાન સોસાયટીમાં આવી પહોંચ્યા હતા. જગદીશ ઉર્ફે દિપુએ ધર્માભાઈ અને તેમના પરિવારજનો પર તલવાર અને દંડા વડે હુમલો કર્યો હતો. તદુપરાંત ટોળા પૈકીના કેટલાકે ચેન વડે માર મારતાં ધર્માભાઈ સહિત ત્રણ લોકોને ઇજા પહોંચતાં તેઓને બાજવા દવાખાને ખસેડાયા હતા. ટોળાએ સોસાયટીમાં પાર્ક બાઇકની તોડફોડ કરી હતી.

ઘટનાની જાણ થતાં જવાહરનગર પોલીસ સ્થળ પર આવી હતી. પોલીસે જગદીશ ઉર્ફે દિપુ નહાર સહિત 30ના ટોળા સામે રાયોટિંગ અને મારામારીનો ગુનો નોંધી 10ની અટકાયત કરી છે. જોકે જગદીશ ઉર્ફે દિપુએ પણ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ગાઈડ-લાઈન હોવા છતાં 10 આરોપીની અટકાયત બાદ  કોરોના ટેસ્ટ ન કરાવાયો

સામાન્ય રીતે કોરોના મહામારીમાં કોઈ ગુનામાં ઝડપાયેલા આરોપીનો કોરોના ટેસ્ટ કરવાની ગાઈડ-લાઈન જાહેર કરવામાં આવી છે. જવાહરનગર પોલીસે ગઈ કાલે થયેલા રાયોટિંગના ગુનામાં 10 લોકોની અટકાયત કરી છે. જોકે આ આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવવાની તસ્દી નથી લીધી, જે ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...