15 ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે એબીવીપી દ્વારા શનિવારના રોજ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે એબીવીપીના 70 થી 80 જેટલા કાર્યકરો હાથમાં તિરંગા લઈને નવલખી મેદાનમાં પહોંચી ગયા હતાં. જેની જાણ નવાપુરા પોલીસને થતાં પોલીસે પરમિશન ન હોવાથી રેલી કાઢવાની મનાઈ ફરમાવી હતી. જેને પગલે કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.જોકે આખરે મામલો થાળે પડતા કાલાઘોડા ખાતેથી રેલી નીકળી હતી.
આ અંગે એબીવીપીના કાર્યકરોએ જણાવ્યું હતું કે, શનિવારના રોજ સાંજે 6 કલાકે નવલખી મેદાન ખાતેથી તિરંગા રેલીનું આયોજન કરાયું હતું.જોકે ગેરસમજ સર્જાતાં પોલીસ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે સામાન્ય ઘર્ષણ સર્જાયું હતું. ત્યાર બાદ ગેરસમજ દૂર થઈ જતાં એબીવીપીના 80 જેટલા કાર્યકરોએ કાલાઘોડાથી તિરંગા રેલી કાઢીને એમએસયુ પેવિલિયન ખાતે સાંજે 6-45 વાગે રેલી પૂરી કરી હતી. જ્યારે આ અંગે નવાપુરા પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઈની અટકાયત કરવામાં આવી નહોતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.