વધુ એક મગર પકડાયો:વડોદરાના વાઘોડિયા રોડ પર પૂજા પાર્ક સોસાયટી પાસેની વરસાદી કાંસમાંથી મગરને રેસ્ક્યૂ કરાયો

વડોદરા3 મહિનો પહેલા
વાઘોડિયા રોડ પૂજા પાર્ક પાસેની વરસાદી કાંસમાંથી મગર રેસ્ક્યૂ કરાયો.
  • મગરે કાંસમાંથી માથુ બહાર કાઢતા લોકો ટોળે વળ્યા
  • મગરનું મોંઢુ કાંસની ચેમ્બર ઉપરની લોખંડની જાળીમાં ફસાઇ ગયુ હતુ

વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં વરસાદી કાસમાંથી મગર નીકળતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. વન વિભાગની રેસ્ક્યુ ટીમે સ્થાનિક લોકોની મદદ લઇ સાડા ચાર ફૂટના મગરનું સહી સલામત રેસ્ક્યૂ કર્યું હતું અને તેને વન વિભાગમાં લઇ આવ્યા હતા. વરસાદી કાંસમાંથી મગર આવી જતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

વરસાદી કાંસમાં તણાઇને મગર આવી ગયો

વડોદરા શહેરમાં અત્યાર સુધી વિશ્વામિત્રી નદીની આસપાસ અથવા તેના સમાંતર તળાવમાં મગર દેખા દેતા હોવાના તેમજ રસ્તે આવી પહોંચતા હોવાના બનાવો સામે આવે છે. પરંતુ મંગળવારે જ્યાં તળાવ અથવા વિશ્વામિત્રી નદી પસાર થતી નથી ત્યાંથી મગર દેખા દીધી હોવાની ઘટના સામે આવતા ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે આવેલી પૂજાપાર્ક સોસાયટી પાસથી પસાર થતી વરસાદી કાંસમાં મગર આવી પહોંચતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.

સ્થાનિક લોકોની મદદ લઇ મગરનું રેસ્ક્યૂ કરાયું

મળેલી માહિતી પ્રમાણે પૂજા પાર્ક પાસેથી પસાર થતી વરસાદી કાસમાં મગર હોવાની જાણ વન વિભાગના જિગ્નેશભાઇને થતાં તેઓ પોતાની રેસ્ક્યૂ ટીમ સાથે પહોંચી ગયા હતા. અને સ્થાનિક લોકોની મદદ લઇ ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યૂ કર્યું હતું. મગરનું મોંઢું વરસાદી કાંસની ચેમ્બર ઉપર લગાવવામાં આવેલી લોખંડની જાળીમાં ફસાઇ ગયું હતું. મગર પકડાઇ જતાં સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી. બીજી બાજુ આ અંગેની જાણ સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર અલકાબેન પટેલને થતાં તેઓ પણ સ્થળ પર દોડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...