પોલિટિકલ:ભાજપના રાજમાં ક્રાઇમ, કમિશન અને કરપ્શનનાં મોડલ બન્યાં : દિગ્વિજયસિંહ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વડોદરા આવ્યા
  • ​​​​​​​આમ આદમી પાર્ટી અને AIMIM ભાજપના ગુપ્ત ​​​​​​​સમર્થકો​​​​​​​ છે

ચૂંટણીને લઈ તમામ પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને રાષ્ટ્રીય નેતાઓ રેલીઓ અને સભા માટે ગુજરાતમાં આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ શુક્રવારે વડોદરા આવ્યા હતા. તેમણે પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં કહ્યું કે, અહંકાર તો રાવણનો પણ નહોતો રહ્યો, અને નરેન્દ્ર મોદીનો પણ નહીં રહે. AAP અને AIMIM ભાજપના ગુપ્ત સમર્થક છે.

દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે અને 27 વર્ષથી અહીં ભાજપની સરકાર છે. જો 2022ની ચૂંટણીનું વિશ્લેષણ કરીએ એક તરફ ભાજપ અને તેના ગુપ્ત સમર્થક AAP તથા AIMIM છે તો બીજી તરફ કોંગ્રેસ છે. ભાજપનો વિકલ્પ કોંગ્રેસ જ છે. 1970થી 1995 સુધી ગુજરાતમાં જે ઔદ્યોગિક વિકાસ થયો તે બધાની સામે છે. નરેન્દ્ર મોદી અહંકારમાં ડૂબેલા છે અને મોદી કહે છે કે મેં ગુજરાત બનાવ્યું. જાણે તેમના જન્મ પહેલાં ગુજરાત હતું જ નહીં. ગુજરાતની અસ્મિતા પણ ન હતી.

દિગ્વિજય સિંહે જણાવ્યું કે, કેજરીવાલે ભ્રષ્ટાચારમુક્ત ભારતનો વાયદો કર્યો હતો. તેઓ એક પણ પ્રકરણમાં લોકપાલ પાસે ગયા હતા. આજે કેજરીવાલની સરકારના મંત્રી મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ છે. લીકર પોલિસીને લઇને તપાસ થઇ રહી છે. જેથી હંમેશાં હું તેમને રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘની B ટીમ કહું છું. AIMIMના ઓવૈસી માત્ર ધાર્મિક ઉન્માદ ફેલાવી ચૂંટણીમાં ઊતરે છે. આ ઉપરાંત ભાજપના મંત્રી, સાંસદ, એસપી, કલેક્ટર બધા હાજર હતા. 6:30 વાગ્યે પુલ તૂટ્યો અને 10 મિનિટમાં સ્થાનિક લોકો ત્યાં રેસ્ક્યૂ માટે પહોંચી ગયા, પણ એકપણ પોલીસકર્મી ત્યાં હાજર ન હતો.

એક કલાક સુધી ભાજપની મિટિંગ ચાલતી રહી અને ત્યારબાદ તેઓ ત્યાં પહોંચ્યા. પુલના સમારકામ કરનાર કંપનીના માલિક સામે પણ કેસ દાખલ નથી કરવામાં આવ્યો. આજ સુધી મૃતકોની યાદી પણ જાહેર નથી કરાઇ. વડોદરા અંગે તેમણે કહ્યું કે, વિશ્વામિત્રી આજે માત્ર નાળું બની ગઇ છે અને જમીન બિલ્ડરોને આપવામાં આવી રહી છે. સ્માર્ટ સિટીમાં ગરીબ મહોલ્લામાં ક્યાંય ખર્ચ નથી થયો. મ.સ.યુનિવર્સિટીના વીસી પણ યુજીસીની ગાઇડ-લાઇન પ્રમાણે ક્વોલિફાઇડ નથી. યુનિ.માં અનેક પોસ્ટ પર જગ્યા ખાલી છે.

તેમણે ઉમેર્યું કે, વડોદરા પહેલાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું હતું, હવે ગેરકાયદે ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ સેન્ટર બન્યું છે. એક જમાનામાં પંજાબ ડ્રગ્સ ટ્રાફિકિંગનું ગેટવે હતું, હવે ગુજરાત ડ્રગ્સનું ગેટવે બન્યું છે. નર્મદાનાં પાણી હજુ સૌરાષ્ટ્રનાં ઘણાં ગામોમાં નથી પહોંચ્યાં. ભાજપના રાજમાં ક્રાઇમ, કમિશન અને કરપ્શન એ મોડલ છે.

અન્ય સમાચારો પણ છે...