ભાડેથી વાહનો મેળવ્યા બાદ વાહનોને બારોબાર ગીરવે આપી અને વેચી નાખવાના ગુનામાં વડોદરા ક્રાઇમ બ્રાંચે બે આરોપીની ધરપકડ કરી હતી. બંને આરોપીઓના રિમાન્ડ દરમિયાન પોલીસે 5.53 કરોડની કિંમતની 84 કાર રિકવર કરી છે.
કાર ભાડે મુકી અને ઉંચું ભાડું મેળવવાની લાલચ આપી
વિવિધ કંપનીઓમાં કાર મુકીને ઉંચું ભાડું આપવાની લાલચ આપી મોટી સંખ્યામાં કાર લઇને ગઠિયા ફરાર થઈ ગયા હતા. પાણીગેટ પોલીસ મથકે અંદાજે 108 કાર આરોપીઓએ છેતરપિંડીથી લઈ ગુમ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. વડોદરા શહેરના ડભોઈ રોડ પર સોમા તળાવ વિસ્તારમાં રત્નદીપ ગ્રીન સોસાયટીમાં રહેતાં મનીશ અશોક હરસોરાએ કાર ભાડે લઇ કંપનીમાં મુકવા માટેની ઓફિસ ઘરમાં જ શરૂ કરી હતી. તેણે ઓફિસે એવું પણ બોર્ડ મુકયું હતું કે, કાર ભાડે મુકી અને ઉંચું ભાડું મેળવો.
અનેક કાર માલિકો અટવાઈ ગયા
આ ઉપરાંત પોતાની એજન્સીમાં કાર ભાડે મુકનારાઓ દ્વારા માર્કેટિંગ કર્યું હતું. થોડા મહિના સુધી ભેજાબાજ મનીષ હરસોરાએ કરારમાં નક્કી થયા મુજબનું ભાડું ચુકવ્યું હતું. જોકે, મોટાભાગના કાર માલિકોને ભાડું ચુકવવાનું બંધ થતાં હરસોરાનું કારસ્તાન સપાટી પર આવ્યું હતું. ઓફિસ અને ઘર બંધ કરીને મનીષ હરસોરા ગાયબ થઇ જતાં અનેક કાર માલિકો અટવાઈ ગયા હતા.
વડોદરા ક્રાઇમ બ્રાંચે 84 કાર શોધી નાખી
હરસોરાને કાર ભાડે આપનારાઓએ પોલીસ ભવન પહોંચીને દેખાવો કરીને આવેદન આપ્યું હતું. જેના પગલે પાણીગેટ પોલીસ મથકે 108 કાર પાછી નથી મળી તે અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદોના આધારે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપાઈ હતી. વડોદરાના મનીશ હરસોરા અને સુરતના દિપક રૈયાણીની ધરપકડ કરી હતી અને પહેલા 9 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને પછી વધુ 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાંચે 84 કાર શોધી નાખી છે. આરોપીઓએ અર્ટિંગા, સ્વીફ્ટ, બલેનો, ઇક્કો, બ્રેઝા, વેગનઆર, સેલેરીયો, એસ-પ્રેસો, એસ-ક્રોષ, હ્યુન્ડાઈ, આઇ-20, આઇ-10, વેન્યુ અને ટોયોટો કંપનીની કાર્સ
સુરત, મહેસાણા અને મહારાષ્ટ્રમાં ગિરવે આપી દીધી હતી.
હરસોરા સુરતના દીપક રૈયાણીને કાર મોકલતો
વડોદરા ક્રાઇમ બ્રાંચે મષીશ હરસોરા અને દિપક રૈયાણી સામે તપાસ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાંચની તપાસમાં એવું સપાટી પર આવ્યું છે કે ‘ મનીષ હરસોરા વડોદરામાં કાર ભાડે લેતો હતો અને બધી કાર સુરતના કામરેજના દિપક રૈયાણીને મોકલી આપતો હતો હાલ બંને આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
કારના નિકાલ બાદ રૂપિયાના ભાગ પાડતા હતા
સુરતના કામરેજનો દિપક રૈયાણી મનીષ હરસોરાએ મોકલેલી કારનો નિકાલ કરી નાખતો હતો. કાર તે વેચી નાંખતો અથવાં ગીરો મુકી દેતો હતો અને જે રૂપિયા મળે તેમાં મનીષ હરસોરા સાથે મળીને ભાગ પાડી લેતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.