કંપનીઓમાં કાર મુકીને ઉંચું ભાડું આપવાની લાલચે મોટી સંખ્યામાં કાર લઇને ફરાર થઈ ગયેલા ગઠિયાએ ગીરવે મુકેલી 119 પૈકી રૂ.5.53 કરોડની 84 કાર 9 દિવસમાં ડીસીબીએ શોધીને જપ્ત કરી છે. આ તમામ કારને જૂની ગઢી ખાતેની ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાતે મુકવામાં આવી છે.
સોમા તળાવ પાસે રત્નદીપ ગ્રીનમાં રહેતા મનીષ અશોક હરસોરાએ કાર ભાડે લઇ કંપનીમાં મુકવાની ઓફિસ ઘરમાં જ શરૂ કરી હતી. મનીષની ગયા મહિનાના અંતે ડીસીબીએ ધરપકડ કરી નવ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.તે પછી પોલીસે વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હરસોરાએ રૂ.7 કરોડની 119 ગાડીઓ અડધી કિંમતે વેચી હતી. જો કે હજુ 35 કાર ડીસીબીએ શોધવાની બાકી છે.
હજુ 35 કાર ડીસીબીએ શોધવાની બાકી
ડીસીપી મુજબ થોડાં મહિના સુધી ભેજાબાજ મનીષ હરસોરાએ કરારમાં નક્કી થયા મુજબનું ભાડું ચુકવી પાછળથી બંધ કરતાં કારસ્તાન સપાટી પર આવ્યું હતું. સુરતના કામરેજનો દિપક રૈયાણી મનીષે મોકલેલી કારનો નિકાલ કરી ભાગ પાડી લેતાં હતા.
સૌથી વધારે કાર સુરતમાં વેચી
ડીસીબીની તપાસમાં બહાર આવ્યું છે કે ‘બંનેએ મહારાષ્ટ્રના નંદુરબાર અને ધુલેમાં 8, મુંબઇમાં 6, મહેસાણામાં પણ કાર વેચી હતી અને બાકીની કારો સુરતમાં વેચી હતી. બંને કાર અડધી કિંમતે ગીરોથી વેચતા હતા.
બોગસ દસ્તાવેજોથી કાર પોતાના નામે કરાવી હતી
બંને ગઠિયાઓ પાસેથી ખરીદેલી કાર 3 જણાંએ બોગસ દસ્તાવેજથી પોતાના નામે કરાવી હતી. જે સંબંધે ડીસીબીએ પાણીગેટ અને મકરપુરા પોલીસ મથકે ફરિયાદ કરી હતી, ભરુચ-સી ડીવીઝનમાં એક ફરિયાદ નોંધાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.