તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રેડાઇની પહેલ:કર્મચારી રસી લે તો કપાત વિના 2 દિવસ રજા મળશે; અનાજ ન આપવા કરતાં આ રીતે પણ વેક્સિનેશન વધી શકે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • શહેરમાં 100 ટકા વેક્સિનેશન માટે તંત્રની બેઠકો શરૂ

વેક્સિનેશન વધારવા મંત્રી યોગેશ પટેલે રસીનું સર્ટી બતાવનારને મફત અનાજ આપવા વિવાદી સૂચન કર્યું હતું. ત્યારે બુધવારે પાલિકાએ બોલાવેલી બેઠકમાં ક્રેડાઇએ પહેલ કરી હતી કે તેમના સંગઠનના નેજા હેઠળના કર્મચારીઓ રસી મૂકાવશે તો પગાર કપાત વિનાની 2 દિવસની રજા આપવામાં આવશે.

કોરોનાની બે લહેર બાદ સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે સરકાર વેકસીનેશન પર ભાર મૂકી રહી છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી 71 ટકા વેકસીનેશન થયું છે. જ્યારે 29 ટકા વેકસીનેશન માટે હવે તંત્રએ કમર કસી છે. સંભવિત ત્રીજી લહેર પહેલા વેકસીનેશન વધુમાં વધુ કરી 100 ટકા વેકસીનેશનના આંકડા સુધી પહોંચવા માટે પાલિકાએ ક્રેડાઈ, વીસીસીઆઈ, લઘુ ઉદ્યોગ સંગઠન સહિતના વિવિધ એસો.ના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. શહેરમાં હાલમાં 130 સ્થળોએ 260 સેન્ટર પર વેકસીનેશન થઇ રહ્યું છે.

લોકો વધુમાં વધુ વેકસીન મુકાવે તે માટે પાલિકાએ 100 લોકો હોય તો સ્થળ પર પહોંચીને વેકસીન આપવાનું નક્કી કર્યું છે. બુધવારે મેયર કેયુર રોકડિયા સહિત મ્યુનિસિપલ કમિશનરે વેકસીન નહી લેનાર કર્મચારીઓ, મજૂર વર્ગને વેકસીન લેવા પ્રોત્સાહિત કરવા માટે અપીલ કરવામાં આવી છે. બેઠકમાં રસીકરણ વધારવા માટે સંગઠનોએ સૂચનો રજૂ કર્યા હતા. જેમાં ક્રેડાઇના પ્રમુખ પ્રિતેશ શાહે સૂચન કર્યું હતું કે અમારા 500 જેટલા સભ્યો સંમત થયા છે કે તેમને ત્યાં કામ કરતા કર્મચારીઓ રસી મૂકાવશે તો પગાર કપતા વિનાની 2 દિવસની રજા પ્રોત્સાહનરૂપે અપાશે .

શહેરમાં બુધવારે 18થી 44 વર્ષની વયના 4,689 લોકોએ વેકસીનનો પહેલો ડોઝ મુકાવ્યો હતો. જ્યારે 5,540 લોકોએ બીજો ડોઝ લીધો હતો. શહેરમાં અત્યાર સુધી 18 પ્લસની કેટેગરી વાળા 4,54,353 લોકોએ વેકસીન મુકાવી છે. બુધવારે કુલ 14,468 લોકોએ રસી મુકાવી હતી.

બેઠકમાં રજૂ થયેલા મહત્વના સૂચનો

  • પરપ્રાંતીય કર્મચારીઓને આધાર કાર્ડના પુરાવાની મુક્તિ આપી જે તે સંસ્થાના લેટર હેડ પર રજૂ કરે કે ચૂંટણી કાર્ડ રજુ કરે તો રસી આપવી જોઇએ
  • જે કંપનીમાં 100 ટકા વેક્સિનેશન થયુ હોય ત્યાં તેને લગતા બોર્ડ મૂકો, જેથી અન્યોને પ્રેરણા મળી રહે.
  • લારી- ગલ્લાધારકો વેક્સિન લીધા બાદ મેં પણ રસી લીધી છે, હું અને તમે બંને સુરક્ષિત છે તેવા સ્ટીકર લગાવી જાગૃતિ ફેલાવી શકે છે.
  • મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં આવતા કર્મચારીના પરિવારજનો જો બાકી હોય તો તેઓને પણ રસી અપાવી તેમને સુરક્ષિત કરી શકાય.

રસી લીધા બાદ બીમાર થઇશુ તો રોજ બગડશે તેવી માન્યતા દૂર કરાશે
વડોદરા ક્રેડાઈના 500 જેટલા મેમ્બરો પણ દરેક લોકોને રસી મળે તે માટે કાર્યરત છે. બુધવારે પાલિકામાં મળેલી બેઠકમાં અમે પહેલ કરી હતી કે અમારા ત્યાંના જે કર્મચારી વેક્સિન લે તેને પગાર કપાત વિનાની 2 દિવસની રજા આપવામાં આવશે. કારણ કે સામાન્ય કર્મચારી રસી લીધા બાદ બીમાર પડે તો તેનો રોજ બગડે છે. એટલે તેઓ રસી લેતા ખચકાય છે. એટલે આ પહેલા કરી કરી છે અને બીજા સંગઠનો પણ આ પહેલને લાગુ કરે તેવી અપીલ કરીએ છીએ.> પ્રિતેશ શાહ, પ્રમુખ, ક્રેડાઈ વડોદરા

અન્ય સમાચારો પણ છે...