પક્ષીઓ બચાવવા જનજાગૃતિ:માણસો અને પક્ષીઓ માટે જીવેલણ દોરી સામે સુતનારા કારીગરો પણ જાગૃત થયા, કાચ વાપરવાનું ઓછું કર્યું

વડોદરા25 દિવસ પહેલા
ઉત્તરાયણ પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દોરી માંજનાર કારીગરો દોરી માંજી રહ્યા છે.

ઉત્તરાયણ પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વડોદરામાં ઉત્તરાયણ પૂર્વે બે લોકોના દોરીથી ગળા કપાવવાના કારણે મોત નીપજ્યાં છે અને આકાશમાં વિહરતા પક્ષીઓ પણ ઘાયલ થવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટની સૂચના અનુસાર સ્થાનિક તંત્ર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ સામે ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જોકે, માનવી અને પક્ષીઓ માટે જીવલેણ બની રહેલી દોરીના કારણે દોરી સુતનારા કારીગરોમાં જાગૃતિ આવી છે. મોટાભાગના દોરી સુતનાર કારીગરો દ્વારા પણ કાચનો નહીંવત ઉપયોગ કરી દોરી સુતવાનું શરૂ કર્યું છે.

પોલીસે ચાઇનીઝ દોરી વેચતી મહિલાને પકડી
વડોદરા શહેર સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ચાઇનીઝ દોરી તેમજ કાચનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી દોરીના કારણે લોકોના મોત થઈ રહ્યા હોવાથી અને આકાશમાં વિહરતા પક્ષીઓ પણ ઘાયલ થઈ રહ્યા હોવાથી તંત્ર દ્વારા ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આમ છતાં, કેટલાક વેપારીઓ દ્વારા બ્લેકમાં ચાઇનીઝ દોરી લાવીને વેચાણ કરી રહ્યા હોવાની માહિતી પોલીસને મળી રહી હોવાથી પોલીસ તંત્ર દ્વારા વેપારી સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી શરૂ કરી છે. લક્ષ્મીપુરા પોલીસે માહિતીના આધારે ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર મંજુલાબહેન દિનેશભાઇ ચેલાભાઇને (રહે. બ્લોક નંબર-1, રૂમ નંબર-02 વીએમસી ક્વાટર્સ, સુભાનપુરા રોડ)ને 3 ચાઇનીસ દોરીની રીલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

દોરી માંજનાર કારીગરોની પતંગ રસીયાઓનો ધસારો.
દોરી માંજનાર કારીગરોની પતંગ રસીયાઓનો ધસારો.

પતંગ રસીયાઓ પણ જાગૃત થયા
તો બીજી બાજુ કાચ, ફેવિકોલ, અડદનો લોટ, કલર જેવી ચિજ વસ્તુઓનો ઉપયોગ કરી વર્ષોથી દોરી સુતી રહેલા કારીગરો પણ લોકોના મોતની ઘટનાઓ અને ઉત્તરાયણના બે દિવસોમાં ઘવાતા હજારો પક્ષીઓને જોઇ હવે કાચનો નહીંવત ઉપયોગ કરીને દોરી સુતી રહ્યા છે. કેટલાક કારીગરો દ્વારા તો કાચનો બિલકુલ ઉપયોગ કર્યાં વગર દોરી સુતી રહ્યા છે. તો બીજી બાજુ પતંગ રસીયાઓ પણ કાચ વગર સુતેલી દોરી લેવાનું પસંદ કરી રહ્યા છે.

માંજેલા દોરી ચરખાઓ ઉપર તૈયાર.
માંજેલા દોરી ચરખાઓ ઉપર તૈયાર.

કાચનો નહીંવત ઉપયોગ
વડોદરાના ગાંધીનગર ગૃહ કલામંદિરનો ખાંચો પતંગની દોરી સુતવા માટેનું મુખ્ય બજાર મનાય છે. આ બજારમાં વર્ષોથી દોરી સુતનાર કારીગર ધવલભાઇ દલવાડીએ જણાવ્યું હતું કે, વર્ષોથી અમે કાચનો ઉપયોગ કરીને દોરી સુતતા હતા. પરંતુ, જે રીતે ચાઇનીઝ દોરીથી લોકોના ગળા કપાઇને મોતને ભેટે છે, તેટલું જ નુકસાન કાચની દોરીથી સુતેલા દોરાથી પણ નુકસાન થાય છે. કાચનો ઉપયોગ કરીને સુતેલી દોરીથી પક્ષીઓ પણ મોતને ભેટતા હોય છે. અને નાના બાળકો તેમજ મોટા લોકોને પણ મોતના મુખમાં ધકેલી દેતા હોય છે. આથી આ વખતે અમે કાચનો નહીંવત ઉપયોગ કરીને દોરી સુતી રહ્યા છે.

દોરી મજબૂત બને છે

કાચનો ઓછો ઉપયોગ કરીને પણ તૈયાર કરવામાં આવતી દોરી મજબૂત હોય છે. અમે દોરી તૈયાર કરવા માટે ફેવિકોલ, કલર, લુદ્દી, અડદનો લોટ સહિત વિવિધ ચિજવસ્તુઓનો ઉપયોગ કરીને દોરી તૈયાર કરી રહ્યા છે. આ વખતથી અમે દોરી બનાવી ચરખા બનાવીને વેચાણ કરવાનું સ્ટાર્ટઅપ કર્યું છે. હવે પતંગ રસીયાઓ દોરી તૈયાર લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

પતંગ રસીયાઓમાં ભારે ઉત્સાહ
બાળકોથી લઇ વૃદ્ધોના અદકેરા ઉત્સવ મકરસંક્રાતને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઉત્તરાયણ પર્વને ઉત્સાહભેર મનાવવા માટે શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરીજનો દ્વારા ઉત્તરાયણ પર્વને મનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી બાજુ ઉત્તરાયણના બે દિવસ રંગબેરંગી પતંગોથી અવકાશી યુધ્ધ ખેલવા માટે જરૂરી દોરી સુતનારા કારીગરો દ્વારા દિવસ-એક રાત કરી દોરી સુતી રહ્યા છે. ઉત્તરાયણના મુખ્ય બજારોમાં પણ પતંગો, દોરી સહિત વિવિધ ચિજવસ્તુઓની ખરીદી માટે પતંગ રસીયાઓનો ધસારો શરૂ થઇ ગયો છે.

પતંગ રસીયાઓએ ખરીદી શરૂ કરી
આજે ઉત્તરાયણ પર્વ પૂર્વેનો છેલ્લો રવિવાર હોવાથી પતંગ બજાર અને દોરી સુતનારા કારીગરોની ત્યાં પતંગ રસીયાઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. સવારથી પતંગ બજાર અને દોરી સુતનાર કારીગરોની ત્યાં પતંગ રસીયાઓ પરિવાર સાથે ખરીદી કરવા માટે નીકળી ગયા હતા. પતંગ અને દોરી સાથે ટોપી, ગોગલ્સ, દરબીન, પીપુડા, છત્રી સહિતની ચિજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...