LIVE દૃશ્યો:વડોદરામાં ડિવાઇડર કૂદીને આવેલી ગાયે વિદ્યાર્થીને ભેટી મારી, શિંગડું વાગતાં આંખ ફૂટી ગઈ, માતા-પિતાએ રડતાં રડતાં કહ્યું: 'કોર્પોરેશન જ જવાબદાર છે'

વડોદરા11 દિવસ પહેલા
  • વાઘોડિયા રોડ પર રહેતા પોલિટેકનિકના વિદ્યાર્થીને સર્જરી માટે અમદાવાદ લઈ જવાયો
  • વિદ્યાર્થી કહે છે, એક વ્યક્તિએ પથ્થર મારતાં ગાય ભાગી, શિંગડું મારી આંખ-મોઢા પર વાગ્યું

વડોદરા શહેરમાં રખડતા ઢોરને કારણે સેંકડો અકસ્માત થયા છે, જેમાં લોકો ગંભીર રીતે ઘાયલ અને કેટલાક લોકો મોતને ભેટ્યા છે, ત્યારે બુધવારે સાંજે વાઘોડિયા રોડ પર મોપેડ લઈ જઈ રહેલા પોલિટેક્નિકના વિદ્યાર્થી હેનીલને ગાયે ભેટી મારતાં શિંગડું આંખમાં વાગ્યું હતું. એમાં તેની આંખ ફૂટી ગઈ હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. સ્માર્ટસિટી વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત્ છે. માત્ર 15 દિવસમાં જ રખડતા ઢોરના ત્રાસને દૂર કરવાની જાહેરાત અને યુદ્ધના ધોરણે કરેલી કામગીરી બાદ પણ હજી રસ્તા પર ઢોર ફરી જ રહ્યા છે, જેને કારણે આજે પણ અનેક લોકો અકસ્માતને ભેટી રહ્યા છે.

એક વ્યક્તિને ગાયે પથ્થર માર્યો હતો
વિદ્યાર્થી હેનીલ પટેલે જણાવ્યું હતું કે હું ફરસાણ લઇને ઘરે જઇ રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ ગાયને પથ્થર માર્યો હતો, જેથી ગાય ભાગતાં તેનું શિંગડું મારી આંખ અને મોઢા પર વાગ્યું હતું. એક અજાણી વ્યક્તિ મને હોસ્પિટલમાં લઇ ગઇ હતી. વિદ્યાર્થીની માતા ભાવનાબેન પટેલે રડતાં રડતાં જણાવ્યું હતું કે હું બહુ દુઃખી છું કે મારા પુત્રને એક આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. કોર્પોરેશને આ મામલે કાર્યવાહી કરવી જોઇએ. રખડતાં ઢોરોને પકડવા જોઇએ અને રોડ પર રખડતાં ઢોર બંધ કરાવવા જોઇએ. જેથી કરીને મારી જેમ બીજા કોઇના પુત્રને આંખ ન ગુમાવવી પડે.

ગાયે ભેટી મારતાં વિદ્યાર્થી હેનીલ પટેલની આંખ ફૂટી ગઈ હતી.
ગાયે ભેટી મારતાં વિદ્યાર્થી હેનીલ પટેલની આંખ ફૂટી ગઈ હતી.

પિતા કહે છે, કોર્પોરેશન જ જવાબદાર છે
વિદ્યાર્થીના પિતા નીતિનબેન પટેલે જણાવ્યું હતું કે મારા પુત્રની આંખ ફૂટી જવાની ઘટના માટે કોર્પોરેશન જ જવાબદાર છે. ઘણા લોકોને ઇજા પણ થઇ છે અને મૃત્યુ પણ થયા છે. આ લોકો એસી ઓફિસમાં બેસીને માત્ર વાતો જ કરે છે. કોઇ પગલાં લેવાતાં નથી. અમે વળતરની માગ પણ કરીશું અને પોલીસ કેસ પણ કરીશું.

માતા-પિતાએ રડતાં રડતાં કાર્યવાહીની માગ કરી હતી.
માતા-પિતાએ રડતાં રડતાં કાર્યવાહીની માગ કરી હતી.

હેનીલ પોલિટેક્નિકમાં ડિપ્લોમાના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ગોવર્ધન ટાઉનશિપમાં રહેતો 18 વર્ષનો હેનીલ પટેલ પોલિટેક્નિકમાં ડિપ્લોમાના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. બુધવારે સાંજે તે કામ અર્થે સિટીમાં ગયો હતો. ત્યાંથી ઘરે આવી રહ્યો હતો. એ સમયે સોસાયટીના નાકે ડિવાઇડર કૂદીને આવેલી એક ગાયે તેની મોપેડને અડફેટે લીધી હતી અને ત્યાર બાદ અકસ્માતમાં રોડ પર પડેલા હેનીલને ગાયે ભેટી મારતાં એનું શિંગડું હેનીલની આંખમાં ખૂંપી ગયું હતું.

હેનીલ પટેલ અને તેનો પરિવાર.
હેનીલ પટેલ અને તેનો પરિવાર.

વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાથી અમદાવાદ રિફર કરાયો
હેનીલે બૂમાબૂમ કરતાં લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો સ્થળ પર દોડી આવ્યાં હતાં અને તેમણે લોહીલુહાણ હાલતમાં હેનીલની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાથી અમદાવાદ રિફર કરવામાં આવ્યો છે. એમાં તેની આંખ ફૂટી ગઇ હોવાનું ધ્યાનમાં આવતાં જ પરિવારજનોના હોશ ઊડી ગયા હતા. જુવાનજોધ પુત્રએ આંખ ગુમાવતાં પરિવારજનોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

ગાયે વિદ્યાર્થીને ભેટી મારવાની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.
ગાયે વિદ્યાર્થીને ભેટી મારવાની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.
અન્ય સમાચારો પણ છે...