તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વીટી પટેલ મર્ડર કેસ:અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાને વડોદરા સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવા કોર્ટનો હુકમ, બંનેએ રિવિઝન અરજીની માગ કરતાં 15 દિવસનો સ્ટે

વડોદરા24 દિવસ પહેલા
અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાની ફાઈલ તસવીર
  • ચકચારી બનાવમાં તપાસ ટીમે બંને આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં કરજણ સબ જેલમાં જ્યુ. કસ્ટડીમાં છે

વડોદરા જિલ્લાના ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસના આરોપીઓને કરજણ સબ જેલમાંથી વડોદરા સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવા કરજણ કોર્ટે હુકમ કર્યો છે. જોકે, આરોપીઓના વકીલે હુકમ સામે વાંધો ઉઠાવી રિવિઝન અરજી કરવાની માંગણી કરતા કોર્ટે 15 દિવસનો મનાઇ હુકમ આપ્યો છે.

એસઓજીએ રિમાન્ડ લઈ હત્યાની વધુ વિગતો મેળવી હતી
ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લા પોલીસ તંત્રના એસ.ઓ.જી.માં ફરજ બજાવનાર સસ્પેન્ડેડ પી.આઇ. અજય દેસાઇએ પત્ની સ્વીટી પટેલને રાજકીય મિત્ર કિરીટસિંહ જાડેજાની મદદ લઇને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ચકચારી બનાવમાં તપાસ ટીમે બંને આરોપીઓના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન બંને આરોપીઓએ ભેગા મળી સ્વીટી પટેલની કેવી રીતે હત્યા કરી હતી. તે અંગેની વિગતો મેળવી હતી.

રિમાન્ડ બાદ બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે
દરમિયાન આ બંને આરોપીઓના રિમાન્ડ પૂરા થયા બાદ તેઓને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પરંતુ, કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા. ત્યારબાદ બંને આરોપીઓને જ્યુ. કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આથી બંને આરોપીઓને કરજણ સબ જેલમાં રાખવામાં આવ્યા હતા. આજની તારીખે પણ બંને આરોપીઓ કરજણ સબ જેલમાં છે.

સ્વીટીના ભાઈએ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંનેને ટ્રાન્સફર કરવા અરજી કરી છે
સ્વીટી પટેલની ઠંડે કલેજે હત્યા કરનાર પતિ અજય દેસાઇ અને રાજકારણી કિરીટસિંહ જાડેજાને કરજણ સબ જેલમાંથી મધ્યસ્થ જેલમાં ટ્રાન્સફર કરવા માટે ફરિયાદના વકીલ ભૌમિક શાહ, કરજણના પોલીસ અધિકારી અને કરજણ મામલતદારે સંયુક્ત રીતે કરજણ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીની સુનાવણી આજે હાથ ધરાતા કોર્ટે બંને આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવા હુકમ કર્યો હતો.

કરજણ સબ જેલમાં બંને બંધ છે
આરોપીઓના વકીલે કોર્ટના હુકમ સામે વાંધો ઉઠાવી રિવિઝન અરજી કરવા માટે સમય માંગતા કોર્ટે 15 દિવસનો મનાઇ હુકમ આપ્યો છે. આમ આગામી પંદર દિવસ સુધી સ્વીટી પટેલના હત્યારાઓ કરજણ સબ જેલમાં રહેશે.