લગ્નજીવન તૂટતા બચી ગયું:વડોદરાના પાદરામાં લગ્ન જીવન બચાવવા માટે દંપતિએ અભયમની મદદ લીધી, માતા-પિતાનો અહમ સંતાનોનું લગ્ન જીવન બગાડી રહ્યો હતો

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • છેલ્લા એક વર્ષથી દીકરીને પિતા સાસરીમાં મોકલતા ન હતા

જુનીવાણી વિચારધારા અને અહમના કારણે તૂટવાના આરે આવેલા લગ્ન જીવનને પાદરા અભયમ ટીમે બચાવી લીધું છે. નોંધનીય બાબત એ છે કે, યુવાન દંપતિ એકબીજાને અતૂટ પ્રેમ કરે છે. પરંતુ, પોતાના માતા-પિતાના અહમના ટકરાવના કારણે બંનેને છૂટા પડવાનો વખત આવ્યો હતો. જોકે, શિક્ષીત યુવાન દંપતિએ પોતાના દોઢ વર્ષના લગ્ન જીવનને તૂટતા બચાવવા માટે અભયમ ટીમની મદદ લઇને પોતાનું લગ્ન જીવન બચાવી લીધું છે. આ યુવાન દંપતિએ પુનઃ સુખમય દાંપત્ય જીવનની શરૂઆત કરી દીધી છે.

સુખી દાંપત્ય જીવનમાં કલેશના દૈત્યે જન્મ લીધો
વડોદરા જિલ્લાના પાદરામાં મયુર (નામ બદલ્યું છે) અને સંગીતા (નામ બદલ્યું છે)ના લગ્ન જીવનને દોઢ વર્ષ થયું છે. મયુર અને સંગીતા એકબીજાને અતૂટ પ્રેમ કરતા હતા. બંને વચ્ચે મનમેળ પણ હતો. અને દાંપત્ય જીવન સુખી હતું. પરંતુ, તેઓના સુખી દાંપત્ય જીવનમાં કલેશના દૈત્યે જન્મ લેતા તેઓનું દાંપત્ય જીવન તૂટવાની અણી ઉપર આવી ગયું હતું. અભયમના જણાવ્યા પ્રમાણે સંગીતાને તેના સસરા નાની-નાની બાબતોમાં રોકટોક કરતા હતા. એક દિવસ એવો પસાર થયો નહિં હોય કે, સસરાએ સંગીતાને કોઇ કામ બાબતે ટોકી ન હોઇ.

સસરા અવાર-નવાર રોકટોક કરતા હતા
સંગીતાએ પોતાના પતિ મયુરને પણ સસરા દ્વારા અવાર-નવાર થતી રોકટોકની ફરિયાદ કરી હતી. મયુરે પણ પોતાના જુનવાણી વિચારધારા ધરાવતા પિતાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, પુત્રના સમજાવટની કોઇ અસર પિતા ઉપર પડી ન હતી. રોજ સવાર પડતાંની સાથે જ સસરા સંગીતાને ઘરકામ સહિત વિવિધ બાબતો અંગે રોકટોક કરતા હતા. સંગીતાએ શક્ય તેટલા દિવસો સસરાનો માનસિક ત્રાસ સહન કરીને પસાર કર્યા હતા. સંગીતાને એમ હતું કે, એક દિવસ બધું સમુસૂતરું પાર પડી જશે. પરંતુ, કકળાટ ઓછો થવાના બદલે પ્રતિદિન વધતો ગયો હતો.

પાદરા અભયમ ટીમે લગ્નજીવન બચાવ્યું.
પાદરા અભયમ ટીમે લગ્નજીવન બચાવ્યું.

દંપતિના વડીલો અહમ છોડવા તૈયાર ન હતા
દરમિયાન આ અંગેની જાણ સંગીતાના પિતાને થતાં તેઓ સંગીતાને પોતાના ઘરે લઇ ગયા હતા. દિવસો પસાર થતાં ગયા. મયુર અને સંગીતા એકબીજાની સાથે રહેવા માટે તડપી રહ્યા હતા. પરંતુ, તેમના માતા-પિતાને પોતાના સંતાનોના જીવનની કોઇ પડી ન હતી. સંગીતાના પિતા જમાઇ મયુર અને તેના પરિવારજનો માફી માંગીને દીકરી સંગીતાને લઇ જાય તો જ મોકલવા તૈયાર હતા. જ્યારે બીજી બાજુ મયુરના પિતા પણ પોતે છોકરાવાળા છે. આપડે શા માટે ઝૂંકવાનું ? દીકરીની જિંદગી બચાવવી હશે તો તેઓ મૂકી જશે. બંને પરિવારના અહમના કારણે મયુર અને સંગીતાની જિંદગી બગડી રહી હતી. જોકે, મયુર અને સંગીતા રોજ સંપર્કમાં રહેતા હતા. અને પોતાનું લગ્ન જીવન કેવી રીતે બચે તે માટે પરોક્ષ યા પ્રત્યક્ષ પ્રયત્નો કરી રહ્યા હતા.

મિત્રની સલાહથી દંપતિએ અભયમની મદદ લીધી
સમય જતાં મયુરને એક વ્યક્તિએ સલાહ આપી કે, અભયમ ટીમનો સંપર્ક કરો. કદાચ તમારું લગ્ન જીવન બચી જાય. મયુરે મિત્ર દ્વારા મળેલી વાત સંગીતાને જણાવી. સંગીતા પણ મયુરની વાતથી સહમત થઇ ગઇ. દરમિયાન મયુર અને સંગીતાએ પાદરા અભયમ ટીમને પોતાના પરિવારના કારણે લગ્ન જીવન તૂટવાના અણી ઉપર આવી ગયું છે. અમારું લગ્ન જીવન બચાવી લેવા વિનંતી છે. અભયમ ટીમે કોઇ પણ જાતનો સમય પસાર કર્યા વિના મયુર અને સંગીતા પાસેથી વધુ વિગતો મેળવીને બંનેના માતા-પિતાને મળી હતી. અને તેઓનું કાઉન્સિલીંગ કર્યું હતું.

અભયમ ટીમે દંપતિના માતા-પિતાનું કાઉન્સીલીંગ કર્યું
અભયમ ટીમે સંગીતાનાં પિતાનું યોગ્ય કાઉન્સિલગ કરી માર્ગદર્શન આપેલ કે આપના અહમના કારણે દીકરીનું લગ્નજીવન બગડી રહ્યું છે. એક પિતા તરીકે દીકરીનું હિત જોઇ તમારો અહમ ઓછો કરો તો દીકરીનું લગ્નજીવન બચી શખે તેમ છે. પિતાને પોતાની ભૂલનો અહેસાસ થતા તેઓએ દીકરીને સાસરીમાં જવા સંમતિ આપી હતી. તે સાથે અભયમ ટીમે મયુરના પિતાને પણ નાની વાતોમાં દખલ ન કરવાનું સમજાવ્યું હતુ. તેઓને પણ પોતાની ભૂલ સમજાઇ હતી. આમ અભયમ ટીમનાં અસરકારક કાઉન્સિલગથી એક તૂટતું લગ્નજીવન બચી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...