તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગ દંપતી સામે ફરિયાદ:વડોદરામાં દંપતીએ ગાડીઓ ભાડે મૂકવાની લાલચ આપી 15 લોકોને ઠગ્યા, ગાડીઓ પરત ન આપીને 55.75 લાખની છેતરપિંડી કરનાર ઠગ દંપતીની ધરપકડ

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઠગ દંપતીની પોલીસે ધરપકડ કરી - Divya Bhaskar
ઠગ દંપતીની પોલીસે ધરપકડ કરી
  • ગોરવા પોલીસે 15 ગાડીના માલિકોની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો

કોરોનાની મહામારીમાં એક તરફ કેટલાક લોકોએ બેરોજગાર બનેલા લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ ગોરવાના ઠગ દંપતીએ ધંધા-રોજગારની શોધમાં ફરતા ગાડીઓના માલિકોને કંપનીમાં ગાડીઓ મૂકાવવાની લાલચ આપીને તેમની ગાડીઓ લઇને સગેવગે કરી દીધી હતી. ભાડુ તો ઠીક દંપતીએ ગાડીઓ પરત ન આપીને 15 ગાડીઓના માલિકો સાથે 55.75 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ગાડીઓના માલિકોએ ઠગ દંપતી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે દંપતીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યાં હતા. જ્યાં કોર્ટે દંપતીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.

પતિ-પત્ની કમિશન લઇને ગાડીઓ ભાડે અપાવતા હતા
ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વડોદરા શહેરના વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે આવેલ 6, શ્રીજીધામ ડુપ્લેક્ષમાં રાકેશભાઇ પુષ્પવદન શેઠ પરિવાર સાથે રહે છે અને તેઓ પોતાની ફોર વ્હીલમાં સ્કૂલ વર્ધીનું તેમજ છૂટકમાં પણ પોતાની ગાડી ભાડેથી આપે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ફેબ્રુઆરી-2021માં તેઓને તેઓના સ્કૂલવર્ધી ગૃપમાંથી ખબર પડી હતી કે, ગોરવા જોરાવર પીરની દરગાહ પાસે રહેતા રાજ મહંમદ ઉર્ફ પપ્પુ મેહબુબ શેખ ગાડીઓ ભાડા કરાર કરીને ભાડેથી લે છે અને માસિક સારું ભાડુ આપે છે.

ફરિયાદીએ પોતાની બે ગાડીઓ ભાડે આપી
દરમિયાન રાકેશભાઇ શેઠે પોતાની ગાડી ભાડે આપવા માટે રાજ મહંમદ ઉર્ફ પપ્પુ શેખનો સંપર્ક કર્યો હતો. ત્યારે રાજ મહંમદ ઉર્ફ પપ્પુ શેખે જણાવ્યું હતું કે, મારી પાસે ઘણાં બધા લોકોની ગાડીઓ છે અને તે ગાડીઓ કંપનીઓમાં મૂકુ છું અને કંપનીઓમાંથી મળતા ભાડાની રકમમાંથી મારું કમિશન લઇ તમામ ગાડીઓવાળાઓને નિયમીત ભાડુ ચૂકવું છે. રાકેશભાઇ શેઠને તેના ઉપર વિશ્વાસ આવતા 2 માર્ચ-2021ના રોજ રાજ મહંમદ ઉર્ફ પપ્પુ શેઠની પત્ની અનિષા ઉર્ફ નિમીશા સોલંકીના નામે ભાડા કરાર કરીને પોતાની કાર માસિક રૂપિયા 20,000 ભાડુ નક્કી કરીને આપી હતી. આ ઉપરાંત રાકેશભાઇ શેઠે પોતાની બીજી ઇકો કાર પણ માસિક ભાડુ નક્કી કરી ભાડા કરાર કરીને આપી હતી.

ગાડીઓ ભાડે આપ્યા બાદ દંપતીએ ભાડુ ન ચૂકવ્યું
ગાડી ભાડે આપ્યા બાદ રાકેશભાઇ શેઠે પોતાની ભાડે મૂકેલી બે ગાડીના ભાડાની માગણી કરતા ઠગ દંપતીએ બહાના બતાવવાનું શરૂ કરી દીધું હતું. ભાડુ ન મળતા રાકેશભાઇએ પોતાની ગાડીઓ પરત માગતા ઠગ દંપતી રાજ મહંમદ ઉર્ફ પપ્પુ શેખ અન તેની પત્ની અનિષા ઉર્ફ નિમીશા સોલંકીએ ગાડીઓ બીજાને આપી છે. સારું ભાડુ મળશે તેવી લાલચ આપીને ભાડુ પણ આપ્યું ન હતું અને ગાડીઓ પણ પરત કરી નથી.

દંપતીએ 55.75 લાખની છેતરપિંડી કરી
ગોરવા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ઠગ દંપતીએ રાકેશભાઇ શેઠ ઉપરાંત જીગર મહેન્દ્રભાઇ પાટીલ (રહે. 349, નહેરુચાચા નગર, આજવા રોડ), ઉમેશ રામઅવધ ત્રિપાઠી (રહે. બી-404, શિલ્પગ્રીષ સયાજી ટાઉનશિપ પાસે), પુનમ નગીનભાઇ પ્રજાપતિ (રહે. ડી-404, શિવાલય રેસિડેન્સી, હરણી રોડ), નિતેષ મોહનભાઇ વસાવા (રહે. મોટી બાપોદ, વાઘોડિયા રોડ), રાકેશસિંહ ભારતસિંહ ઠાકોર (રહે. જી-33, રાજાજી પાર્ક, વાઘોડિયા રોડ), મહેશગીરી રામગીરી મહંત(રહે. બી-71, વૃંદાવન સોસાયટી, અટલાદરા), વકીલઅહેમદ અજીજઅહેમદ પઠાણ (રહે. 60, ચિસ્તીયાનગર, છાણી જકાતનાકા), પથિકકુમાર ભગવાનદાસ પરમાર (રહે. સી-45, શ્રી દર્શન સોસાયટી, માણેજા), રેખાબહેન જગદીશભાઇ ચાવડા (રહે. કોઠી ફળીયું, અટલાદરા), મહેશ મુકુંદભાઇ રાઠવા(રહે. કનલવા ગામ), કમલેશ છગનભાઇ ચૌહાણ (રહે. બી-202, વિનાયક કો. છાણી જકાતનાકા), બિરાજ જયંતિભાઇ દેસાઇ (રહે. લાછરસ), સુયોર ઋકેશભાઇ ટીલ્લુ (રહે. 16, ગણેશ સોસાયટી, વાઘોડિયા રોડ) અને કમલેશ રામસીંગ વસાવા (રહે. 511, જલારામનગર, કરોડીયા રોડ)ની ગાડીઓ કંપનીઓમાં ભાડે મુકીને ઊંચું ભાડુ આપવાનું જણાવ્યું હતું. પરંતુ, ઠગ દંપતિએ ભાડુ આપવાનું તો ઠીક તેઓની ગાડીઓ સગેવગે કરી રૂપિયા 55.75 લાખની છેતરપિંડી-વિશ્વાસઘાત કર્યો હતો.

15 ગાડીના માલિકોએ દંપતી સામે ફરિયાદ કરી
ગોરવા પોલીસે રાકેશ શેઠ સહિત 15 ગાડીના માલિકોની ફરિયાદના આધારે ઠગ દંપતી રાજ મહંમદ ઉર્ફ પપ્પુ મેહબુબ શેખ (રહે. બાપુની ચાલ, ગોરવા જોરાવર પીરની દરગાહ પાસે, ગોરવા) અને તેની પત્ની નિમીશા ઉર્ફ અનીશા કાંતિભાઇ સોલંકી (રહે. બાપુની ચાલ, ગોરવા જોરાવર પીરની દરગાહ પાસે ગોરવા) સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે દંપતીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યાં હતા. જ્યાં કોર્ટે દંપતીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...