મતગણતરી:રાત્રે 9 વાગ્યા સુધી 31 પંચાયતની જ મત ગણતરી,18માં મહિલાને સુકાન

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વડોદરા તાલુકાની 39 ગ્રામ પંચાયતની દરશથ ખાતે મતગણતરી થતાં ટેકેદારોનાં ટોળાં ઊમટ્યાં
 • મતગણતરી સ્થળની બહાર મેળા જેવો માહોલ સર્જાયો : ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

વડોદરા તાલુકામાં 18 ગ્રામપંચાયતોમાં મહિલાઓએ સરપંચ બનીને ગામના પ્રશ્નોનો પોતાની સુઝબુઝથી ઉકેલ લાવી વિકાસ કરવાનો દાવો કર્યો છે.બેલેટ પેપરથી મતગણતરી દરમિયાન રાતના 9 વાગ્યા સુધી વડોદરા તાલુકાની 39માંથી 31 ગ્રામપંચાયતોની મતગણતરી પુરી થઈ શકી હતી.

વડોદરા તાલુકાની ગ્રામપંચાયતોની મતગણતરી દશરથની એમ.પી.પટેલ હાઈસ્કુલમાં સવારે 9 વાગ્યાથી મોડી રાત સુધી ચાલી હતી. રાતના 9 વાગ્યા સુધીમાં કરજણ શિનોર અને ડેસર તાલુકાની મતગણતરી પુરી થઈ હતી.વડોદરા સહિત અન્ય તાલુકાની મતગણતરી મોડી રાત સુધી ચાલી હતી.જ્યારે ડભોઈ અને સાવલી તાલુકાની મતગણતરી સૌથી છેલ્લે પુરી થશે તેમ ચુંટણી અધિકારીએ જણાવ્યું હતું.

વડોદરા જિલ્લામાં 260 ગ્રામપંચાયતોમાં સરપંચ સહિત 1494 વોર્ડની સામાન્ય અને બે ગ્રામપંચાયતોની પેટા ચૂંટણીની મંગળવારના રોજ સવારે 9 વાગ્યાથી વડોદરા સહિત 8 તાલુકાના 27 હોલમાં મતગણતરી શરૂ થઈ હતી. મતગણતરી સ્થળની બહાર મેળા જેવો માહોલ સર્જાયો હતો. રોડની એક તરફ હંગામી ખાણી-પીણીની લારીઓ પણ ઉભી થઈ ગઈ હતી. જ્યારે પોલીસે પણ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો ન સર્જાય તેના માટે બંદોબસ્ત ખડકી દિધો હતો.

મતગણતરી સ્થળ પર જેમ જેમ ઉમેદવારોની જીતની ઘોષણા કરવામાં આવતી,તેમ ટેકેદારો ચીચીયારીઓ પાડીને ઉલ્લાસ વ્યક્ત કરતા હતા.ઉમેદવારો ટેકેદારો તેમને ખભે ઉંચકીને હાર પહેરાવીને ગામમાં વિજય સરઘસ માટે નિકળ્યાં હતાં. ગામમાં મોડી રાત સુધી વિજય સરઘસ અને ઉજવણી થઈ હતી.

વડોદરા તાલુકાના વિજેતા સરપંચો

 • અણખોલ : તરલીકાબેન પટેલ
 • આસોજ :જયાબેન પટેલ
 • મારેઠા : દિપીકાબેન પટેલ
 • તલસટ : નવનીતભાઈ ઠાકોર
 • ગોકળપુરા :માલિનીબેન પટેલ
 • ખટંબા : કમલેશભાઈ વાળંદ
 • શંકરપુરા : મહેશસિંહ ગોહિલ
 • રતનપુર :હરીભાઈ ભરવાડ
 • હેતમપુરા : ફરજાનાબેન કડીવાલા
 • કરાલી : મીનાબેન જાદવ
 • ખલીપુર : લતાબેન સોલંકી
 • હિંગલોટ : જયશ્રીબેન રબારી
 • સમસાબાદ : કિશન રાઠોડ
 • મહાપુરા : તારાબેન સોલંકી
 • અંપાડ : કૈલાશબેન પરમાર
 • ઉંટીયા :નટવરસિંહ ચૌહાણ
 • મેઘાકુઈ :રતનબેન તલાવીયા
 • સુખલીપુરા :નવનીતભાઈ પરમાર
 • કોટાલી :લક્ષ્મીબેન રબારી
 • આમલીયારા :પ્રિતીબેન પટેલ
 • વિરોદ :રામુભાઈ ઠાકોર
 • સિસવા :સુરેશભાઈ પટેલ
 • દામાપુરા :હિનાબેન પઢિયાર
 • દોડકા :દક્ષાબેન ચૈહાણ
 • આજોડ :બિનહરીફ
 • કોટણા :સવિતાબેન ઠક્કર
 • રાયકા :મહેશભાઈ ચાવડા
 • સયાજીપુરા:વિજયભાઇ ઠાકોર
 • કેલનપુર :રાજુભાઇ પરમાર
 • વરણામાં :સાવિત્રીબેન વસાવા
 • ધનોરા:પારૂલબેન મકવાણા
 • વાસણા કોતરિયા :હરીશ ગોહિલ

કૂકરના નિશાન સાથેની રૂા.10ની બે અને રૂા.50ની નોટ પેટીમાંથી નિકળી
​​​​​​​
​​​​​​​ડેસર તાલુકાના હિંમતપુરા ગ્રામપંચાયતની મતગણતરી વખતે મતપેટીમાંથી કુકરના નિશાન સાથે રૂા.10ની બે અને રૂા.50ની નોટ મળી આવી હતી. આમ મતદારે પોતાના ઉમેદવારને જ મત આપ્યો છે તે બતાવ્યું હતું. નોટ નિકળતા કર્મચારીઓ અને ચુંટણી એજન્ટોમાં કુતુહુલ સર્જાયું હતું. વડોદરા તાલુકાની મતગણતરીમાં પણ પેટીમાંથી રૂા.10ની નોટ મળી હતી.

વિજેતા અને હારેલા ઉમેદવારો સાથે પોલીસ ગામ સુધી સાથે ગઇ
રિઝલ્ટ બાદ હારેલા અને જીતેલા ઉમેદવારોના ટેકેદારો વચ્ચે હિંસક હુમલાઓ થતા હોય છે.આવી ઘટના અટકાવવા પોલીસે જરૂરી પગલા ભર્યાં હતા અને જે ગામનો ઉમેદવાર જીતે અને હારે તે બંને સાથે પોલીસની એક ટીમ તેમના ગામ સુધી સાથે ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...