વડોદરા મહાનગર સેવા સદનમાં બાકી રહેલા 6 માસ માટે નવા મેયર માટેની ચૂંટણી તા.10 માર્ચના રોજ યોજાશે. આ અંગેની વિશેષ સામાન્ય સભા સવારે 10 કલાકે "સયાજીરાવ સભાગૃહ" મળશે. આ સભામાં મેયરનું રાજીનામું મંજૂર કરવા સાથે નવા મેયરની પસંદગી કરવામાં આવશે. ત્યારે બાકી રહેલા 8 માસ માટે વડોદરાને કયા નવા મેયર મળશે તે અંગે શહેરીજનોમાં ભારે ઉત્સુકતા છે.
રાજીનામું આપ્યું હતું
ઉલ્લેખનિય છે કે, ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપા દ્વારા સયાજીગંજ બેઠક ઉપર વડોદરાના મેયર કેયુર રોકડીયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. આ બેઠક ઉપર ભાજપા અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ હતો. જેમાં મેયર જંગી બહુમતી સાથે વિજય મેળવ્યો હતો. મેયર ધારાસભ્ય બન્યા બાદ તેઓએ તાજેતરમાં મેયર પદેથી રાજીનામું આપ્યું હતું.
વિશેષ સભાનું આયોજન
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, અઢી-અઢી વર્ષની ટર્મ પ્રમાણે પ્રથમ અઢી વર્ષની ટર્મ આગામી સપ્ટેમ્બર-23માં પૂર્ણ થાય છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં કેયુર રોકડીયા જીતી ગયા બાદ તેઓએ ભાજપાના નિયમોનુસાર મેયર પદેથી રાજીનામું આપી દીધું છે. પરિણામે બાકી રહેલા 6 માસ માટે નવા મેયરની ચૂંટણી માટે કોર્પોરેશન દ્વારા તા.10 માર્ચ-23ના રોજ સવારે 10 કલાકે "સયાજીરાવ સભાગૃહ" સામાન્ય સભા બોલાવવામાં આવી છે. આ સભામાં નવા મેયરની પસંદગી કરવામાં આવશે.
અનેક નામોની ચર્ચા
આગામી 6 માસ માટે નવા મેયર કોણ બનશે તે માટે શહેર ભાજપા અને શહેરીજનોમાં ભારે ઉત્સુકતા છે. ત્યારે નવા મેયર તરીકે ડો. શિતલ મિસ્ત્રી, મનોજ પટેલ (મચ્છો), ડો. રાજેશ શાહ, પરાક્રમસિંહ જાડેજા અને ચિરાગ બારોટ ઉપરાંત અનેક રોજેરોજ નવા નામોની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે ભાજપા મોવડી મેયર કોણે બનાવશે તે સસ્પેન્સન 10 માર્ચે સવારે ખૂલશે.
મેયર બનવા પ્રયાસો
અત્રે ઉલ્લેખનીય છે કે, મેયર તરીકેના કાર્યકાળ પૂર્ણ થવામાં હજુ 6 માસ જેટલો સમય બાકી છે. 6 માસ માટે વડોદરાના પ્રથમ નાગરીક બનવા માટે ભાજપાના અનેક કાઉન્સિલરો પોતાના પ્રયાસો કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. 6 માસ બાદ આઢી વર્ષની પ્રથમ ટર્મ પૂરી થયા બાદ મહિલા મેયર માટેની ટર્મ છે.
વિધાનસભા સત્ર ચાલુ છે
નોંધનીય છે કે, તા.23-02-23 થી તા. 29-3-23સુધી ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલવાનું છે, અને ત્યાં મેયર કેયુર રોકડિયાએ ફરજીયાત હાજર રહેવું પડે તેમ હોઇ, સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હતું. મેયર તરીકેનો પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ સપ્ટેમ્બર-023માં પૂરો થતો હતો. આથી તા.20 સપ્ટેમ્બર-023 પહેલાં સામાન્ય સભા બોલાવી નવા મેયરની પસંદગી કરવી જરૂરી હોઇ, કોર્પોરેશન દ્વારા તા.10 માર્ચ-023ના રોજ નવા મેયરની પસંદગી માટે સામાન્ય સભા બોલાવવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.