તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરાની ઘટના:આંગણવાડીમાંથી ત્રણ થેલા ભરીને મુસ્લિમ ધર્મનાં પુસ્તકો મળ્યાં, પુસ્તકો સંચાલિકાના જ હોવાનું બહાર આવ્યું, કોર્પોરેટરે પોલીસને કરી જાણ

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોમા તળાવ પાસેની આંગણવાડી ખાતેથી મુસ્લિમ ધર્મના પુસ્તકો મળી આવતાં મહિલા કાર્પોરેટરે સંચાલિકાની પૂછપરછ કરી હતી. આ અંગે પોલીસને જાણ કરાતાં તપાસ શરૂ કરવામાં આવી છે. - Divya Bhaskar
સોમા તળાવ પાસેની આંગણવાડી ખાતેથી મુસ્લિમ ધર્મના પુસ્તકો મળી આવતાં મહિલા કાર્પોરેટરે સંચાલિકાની પૂછપરછ કરી હતી. આ અંગે પોલીસને જાણ કરાતાં તપાસ શરૂ કરવામાં આવી છે.
  • સફાઇ કરાવવા ગયેલા સ્નેહલ પટેલે પુસ્તકોનો જથ્થો જોયો, VHP- બજરંગદળના કાર્યકરો પહોંચ્યા
  • મહિલા સંચાલિકાએ ઘર શિફ્ટ કર્યું હોવાથી પુસ્તકો આંગણવાડીમાં મૂકયા હતા: પીઆઇ

શહેરના સોમા તળાવ વુડાના મકાન પાસેની આંગણવાડીમાં સફાઇ કરવા ગયેલા મહિલા કોર્પોરેટર અને વીએચપીના કાર્યકરને આંગણવાડીમાંથી 3 થેલા ભરીને મુસ્લિમ ધર્મના પુસ્તકોનો જથ્થો મળતાં હોબાળો મચાવી વાડી પોલીસને પણ જાણ કરાઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આંગણવાડીની સંચાલિકાએ ઘર બદલ્યું હોવાથી ત્રણ થેલા ભરીને પુસ્તકો આંગણવાડીમાં મૂકયા હોવાનું સપાટી પર આવ્યું હતું.

બજરંગ દળના સહ સંયોજક કેતન ત્રિવેદીએ પોલીસમાં કરેલી અરજીમાં જણાવાયુ હતું કે શનિવારે તેમને જાણ થઇ હતી કે સોમા તળાવના વુડાના મકાનમાં આવેલી સરકારી આંગણવાડીમાં ધાર્મિક પુસ્તકો મુકેલા છે જેથી તેમણે ત્યાં જઇને તપાસ કરતાં તેમને અનેક મુસ્લિમ ધર્મના પુસ્તકો મળી આવ્યા હતા. આ પુસ્તકો આંગણવાડીમાં રાખવા અયોગ્ય છે. કારણ કે ત્યાં હિન્દુ ધર્મના બાળકો પણ ભણે છે. નાના બાળકોનું ધ્યાન અન્ય ધર્મ તરફ દોરવામાં આવતું હોય તેવું તેમને લાગ્યું હતું જેથી તેમણે પોલીસ કન્ટ્રોલ રુમમાં ફોન કર્યો હતો.

આવા પુસ્તકો સરકારી સંસ્થામાં રાખવા અને બાળકોનું ધ્યાન અન્ય ધર્મ તરફ આકર્ષવામાં આવતું હોય તેવું લાગતા સંચાલિકા સામે કાર્યવાહી કરવા તેમણે અરજીમાં માંગ કરી હતી. આ મામલે કોર્પોરેટર સ્નેહલ બેન પટેલે જણાવ્યું હતું કે તેઓ સોમા તળાવ વિસ્તારમાં વુડાના મકાન પાસેની આંગણવાડીમાં સફાઇ કામ કરાવવા ગયા હતા. દરમિયાન આંગણવાડીમાં કપડા સુકવેલા જોવા મળ્યા હતા.

જેથી તેમને આશ્ચર્ય થયું હતું અને આંગણવાડીના મકાનમાં જઇને ચેક કરતાં ધાર્મિક પુસ્તકો ભરેલા થેલા મળી આવ્યા હતા જેથી તેમની સાથે રહેવા વીએચપીના કાર્યકરે અન્ય લોકોને બોલાવ્યા હતા અને આ મામલે વાડી પોલીસને પણ જાણ કરાઇ હતી. વાડી પોલીસ સ્ટેશનના પીઆઇ બામણિયાએ જણાવ્યું હતું કે કોર્પોરેટર સહીતના લોકો આંગણવાડીમાં સફાઇ કરવા ગયા ત્યારે ત્રણ થેલા ભરેલા ધાર્મિક પુસ્તકો મળ્યા હતા. પ્રાથમિક તપાસમાં મુસ્લિમ સંચાલિકાએ ઘર શિફ્ટ કર્યું હોવાથી ત્રણ થેલા ભરેલો સામાન આંગણવાડીમાં મુકયો હોવાનું જાણવા મળે છે.

આંગણવાડીમાં ધાર્મિક પુસ્તકો રાખવાનો આશય શું?
બજરંગદળના સહ સંયોજક કેતન ત્રીવેદીએ પોલીસને જણાવ્યું હતું કે સરકારી સંસ્થામાં ધાર્મિક પુસ્તકો રાખવા અયોગ્ય છે અને નાના બાળકોનું ધ્યાન આકર્ષવામાં આવતું હોય તેવું તેમને લાગે છે. બીજી તરફ આ ઘટનાના પગલે સર્વત્ર ચર્ચા ચાલી હતી કે નાના બાળકોને આ પુસ્તકો વાંચવા અપાતા હતા કે કેમ કારણ કે હાલ શહેરમાં ધર્માંતરણનો મુદ્દો ગરમ છે . પોલીસ પણ આ મુદ્દાની તપાસ કરી રહી છે. વાલીઓને બોલાવી આ પુસ્તકો બાળકોને અપાયા હતા કે કેમ તેની તપાસ કરાશે તથા બાળકોનું રજીસ્ટર પણ ચેક કરાશે.

અન્ય સમાચારો પણ છે...