સત્તાનો નશો:કોર્પોરેટર કલ્પેશ પટેલની દાદાગીરી મંજૂરી વિના સ્કૂલમાં જમણવાર કર્યો

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાડું કે ડિપોઝિટ ન આપી, પગીને પણ ખખડાવ્યો
  • કુબેરેશ્વર શાળામાં ભાજપના કાર્યકરનો ખાનગી પ્રસંગ પાર પાડ્યો

સતત વિવાદોમાં રહેતા ભાજપના વોર્ડ નંબર 18 કાઉન્સિલર અને આગામી વિધાનસભાની ચૂંટણી માટે માંજલપુર બેઠકમાં મજબૂત દાવેદાર હોવાના ભ્રામક ખ્યાલમાં રાચતા કલ્પેશ પટેલ જય રણછોડ વધુ એક વિવાદમાં સપડાયા છે. માંજલપુરની સરકારી સ્કૂલને પોતાની મિલકત સમજી પરવાનગી વિના જ ખાનગી કાર્યક્રમ યોજવા માટે પગી સાથે ગાળાગાળી કરી હતી. આ બાબત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ધ્યાને આવતાં તેઓએ પણ કલ્પેશ પટેલના વર્તન અંગે મેયરને ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે.

વિવાદનો પર્યાય બનેલા વોર્ડ 18ના કાઉન્સિલર કલ્પેશ પટેલે ગુરુવારે બપોરે વોર્ડ 17માં આવતા માંજલપુર ગામમાં આવેલી કુબેરેશ્વર પ્રાથમિક શાળામાં ભાજપના એક કાર્યકરના ખાનગી પ્રસંગ માટે ડિપોઝિટ અને ભાડું ભર્યા વિના કાર્યક્રમ કરવા માટે દબાણ કર્યું હતું. બપોરે પ્રસંગના જમણવાર માટેની તૈયારી સમયે શાળામાં કાર્યક્રમ કરવા શાળાના પગીએ પરવાનગી માગી હતી.

કાર્યકરે આ અંગે કાઉન્સિલર કલ્પેશ પટેલને બોલાવતાં તે સ્થળ પર દોડી આવ્યા હતા. તેઓએ પગી સાથે ગાળાગાળી કરી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. તદુપરાંત વિના પરવાનગીએ ભાડા અને ડિપોઝિટ આપ્યા વિના કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો. પગીએ આ અંગે જાણ શાળાના આચાર્યને કરતાં તેઓએ શિક્ષણ સમિતિના શાસનાધિકારીનું પણ ધ્યાન દોર્યું હતું.

શાસનાધિકારી જણાવ્યું હતું કે, વેકેશનના સમયમાં કાર્યક્રમ માટે શાળા ભાડે આપતા હોય છે. જેમાં 4 હજાર ડિપોઝિટ અને 4 હજાર ભાડું નક્કી કરાયું છે. પરંતુ માંજલપુરની શાળામાં કાર્યક્રમ કરવાની પરવાનગી લીધી ન હતી અને પગી સાથે ખરાબ વર્તન કર્યું હોવાનું અમને જાણવા મળ્યું છે. આ બાબતે અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું ધ્યાન દોર્યું છે. જ્યારે કોર્પોરેટર કલ્પેશ પટેલે જણાવ્યું કે, દલિત સમાજનો કાર્યક્રમ હતો અને દર વખતે તેઓ કાર્યક્રમ કરે છે. મારી કોઈ બોલાચાલી થઈ નથી. આ બધી અફવાઓ છે.

ઘટના અંગે મેયરને રજૂઆત કરીશું
માંજલપુરની શાળામાં બપોરે કાઉન્સિલર કલ્પેશ પટેલ પહોંચ્યા હતા અને તેઓએ પગી સાથે માથાકૂટ કરી હોવાની માહિતી મળી છે. અમે આ અંગે મેયરને રજૂઆત કરીશું અને ત્યારબાદ આગળ પગલું ભરીશું. - હિતેશ પટણી, અધ્યક્ષ, ન.પ્રા. શિક્ષણ સમિતિ

અન્ય સમાચારો પણ છે...